નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: ગીર જંગલની મધ્યમાં આવેલ બાણેજ આશ્રમ ફરી એકવાર અનોખી લોકશાહી પરંપરાને કારણે ચર્ચામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અહીં માત્ર એક જ મતદાતા હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા વિશેષ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે.
બાણેજ આશ્રમના મહંત હરિદાસ બાપુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 100% મતદાન નોંધાવ્યું છે. ગીરગઢડા તાલુકાના જામવાળા ગામથી અંદાજે 20 કિલોમીટર અંદર આવેલા આ સ્થળે પહોંચવું પણ મુશ્કેલ છે, છતાં તંત્ર દર ચૂંટણીમાં અહીં મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા કરે છે.
માહિતી મુજબ, આશરે 5 હજાર વર્ષ જૂના માનવામાં આવતા બાણેજ મહાદેવના મંદિરમાં વસવાટ કરતા મહંત માટે વર્ષ 2002થી મતદાન મથક સ્થાપિત કરવાની પરંપરા શરૂ થઈ છે. ત્યારથી દર ચૂંટણીમાં અહીં એક જ મત માટે પણ સંપૂર્ણ મતદાન પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવે છે.
આ અનોખા મતદાન મથકે ભારતીય લોકશાહીની શક્તિ અને સમાન અધિકારના સિદ્ધાંતને દર્શાવે છે, જ્યાં એક મત પણ એટલો જ મહત્વનો માનવામાં આવે છે જેટલો હજારો મત. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પણ ચૂંટણી પંચે તમામ જરૂરી સુવિધાઓ સાથે અહીં મતદાન મથક ઉભું કર્યું હતું, જેથી મહંત હરિદાસ બાપુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ગીરના જંગલ વચ્ચે આવેલ આ મતદાન મથક લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની ગયું છે.
તેમનું મતદાન રહેતું નથી ગુપ્ત, કેમ?
ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક મત ગુપ્ત રહેવાનો હોય છે, પરંતુ બાણેજના આ અનોખા બુથ પર આ સિદ્ધાંત વ્યવહારિક રીતે લાગુ પડતો નથી. અહીં માત્ર એક જ મતદાતા હોવાને કારણે મતગણતરી સમયે ઈવીએમ ખુલતા જ કોને મત આપવામાં આવ્યો તે સ્પષ્ટ થઈ જાય છે. પરિણામે આ એકમાત્ર મત ગુપ્ત રહેતો નથી અને સામાન્ય રીતે લોકોમાં રસ રહે છે કે મહંતે પોતાનો મત કોને આપ્યો.








