પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-12): Akshardham Temple Attack Series : એન.એસ.જી.ના બ્રિગેડિયર સિતાપતિ (NSG Brigadier Sitapati) અને તેમના અધિકારીઓએ અક્ષરધામના (Akshardham) સંતો પાસેથી મંદિર પરિસસરની ભૂગોળ સમજી લીધી. ત્યારપછી ત્યાં હાજર પોલીસ અધિકારીઓને કહ્યું, “હવે અમને પંદર મિનિટનો સમય આપો.”
સિતાપતિ મંદિરની ડાબી તરફ આવેલા પરિસરમાં ગયા. ત્યાં પોતાના કમાન્ડો અને અધિકારીઓ સાથે મળીને ઓપરેશનનો પ્લાન બનાવવા લાગ્યા. તેમની પાસે મંદિરનો નકશો પણ હતો. બ્રિગેડિયર પોતાના કમાન્ડોને નકશા દ્વારા મંદિરના એક એક ખૂણાથી વાકેફ કરી રહ્યા હતા. સાંજના પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ગુજરાત પોલીસે કઈ રીતે ટેરરિસ્ટનો મુકાબલો કર્યો, ટેરરિસ્ટ પાસે કેવા પ્રકારના હથિયાર છે, જેવી બારીક માહિતી પોતાના કમાન્ડોને આપી રહ્યા હતા. ઓપરેશન ‘અટેક’ની (Operation Attack) તૈયારી ચાલી રહી હતી.
ગુજરાત પોલીસને આદેશ આપી દેવામાં આવ્યો હતો કે, તેઓ હવે ઓપરેશન ‘અટેક’નો હિસ્સો નથી, છતાં તેમણે બેકઅપ પ્લાન તરીકે માત્ર ત્યાં હાજર રહેવાનું છે. જરૂર પડશે તો એન.એસ.જી. મદદ માગશે. ત્યાં સી.આર.પી.એફ.ની ક્વિક રિસ્પોન્સ ટીમ પણ હાજર હતી. જેમણે મુખ્ય મંદિરમાં રહેલા લોકોને બહાર કાઢ્યા હતા. હવે સી.આર.પી.એફ.ને પણ આદેશ આપી દેવામાં આવ્યો હતો કે, તેઓ પણ સ્ટેન્ડબાય રહેશે.
બ્રિગેડિયર સિતાપતિએ ઓપરેશન ‘અટેક’નો પ્લાન તૈયાર કરી નાખ્યો હતો. ઓપરેશન ‘અટેક’ને અંજામ આપતાં પહેલાં તેમણે દિલ્હી હેડકવાર્ટરના પોતાના સિનિયર અધિકારીઓને ફોન કરીને કેટલીક ચર્ચા કરી લીધી. ટેરરિસ્ટ મંદિરમાં કઈ જગ્યાએ છે, તેનું એક્ઝેટ લોકોશન પણ એન.એસ.જી. પાસે હતું. જોકે તેના માટે ગુજરાત પોલીસના અધિકારીઓને દાદ આપવી પડે. કારણ, સતત લગભગ પાંચ કલાક સુધી ગુજરાત પોલીસે ટેરરિસ્ટને ટક્કર આપીને મંદિરની જમણી તરફ આવેલા વિસ્તારમાં ટેરરિસ્ટને કોર્ડન કરી લીધા હતા. જેમાં તેમણે પોતાના બે જવાનો ગુમાવ્યા હતા. ઉપરાંત એક ડઝન કરતાં વધું જવાનો, અધિકારીઓને ગોળી પણ વાગી હતી. ટેરરિસ્ટ મંદિરની જમણી તરફ હતા. ત્યાંથી પોતાનું લોકેશન બદલી ન નાખે, તે માટે ગુજરાત પોલીસનો કાફલો ખડેપગે હતો.
રાતના અગિયાર વાગી રહ્યા હતા. હવે કોઈના તરફથી ફાયરિંગ થઈ રહ્યું નહોતું. પોલીસ અને સી.આર.પી.એફ.ને એન.એસ.જી.નો આદેશ હતો કે, હવે તમે એક પણ ફાયર નહીં કરો. જેને કારણે પોલીસ અને સેન્ટ્રલ ફોર્સના જવાનો પોઝિશન પર હતા, પણ તેમણે એક્શનમાં આવવાનું નહોતું. ટેરરિસ્ટનું ચોક્કસ લોકેશન પોલીસ અને એન.એસ.જી. પાસે હતું. પરંતુ સમસ્યા એવી હતી કે, ટેરરિસ્ટ જ્યાં હતા; એ મેદાનમાં એક ઊંડા ખાડા જેવું હતું. જો બંન્ને ટેરરિસ્ટ ખાડામાં જતા રહે, તો કોઈ તેમને જોઈ શકે એમ નહોતું. કારણ કે, ત્યાં અંધારું હતું.
અંધારાનો લાભ લઈને તેઓ ક્યારેક ખાડામાં જતા રહેતા, તો ક્યારેક ખાડામાંથી બહાર નીકળી મંદિરની ડાબી તરફની લોબીમાં આવીને ગોળીબાર કરતા. બીજું કે, પોલીસ અને કમાન્ડો તેમની તરફ આગળ વધે, તો ટેરરિસ્ટ તેમને સારી રીતે જોઈ શકતા હતા. જેના કારણે તેઓ પોલીસને અચૂક નિશાન બનાવી શકતા હતા. જ્યારે પોલીસે તેમને નિશાન બનાવવા અંધારામાં ગોળી છોડવી પડતી હતી. ગુજરાત પોલીસના અધિકારીઓએ આખાં ઓપરેશન દરમિયાન માંડ બે વખત ટેરરિસ્ટને નજર સામે જોયા હતા. બાકી તો તેઓ છુપાઈને જ પોલીસ પર હુમલો કરી રહ્યા હતા.
બ્રિગેડિયર સિતાપતિ આ પ્રકારના અનેક ઓપરેશનને અંજામ આપી ચૂક્યા હતા. એટલે જ ખાસ ભારતીય લશ્કરમાંથી એન.એસ.જી. માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. બ્રિગેડિયર સિતાપતિના પ્લાન પ્રમાણે ઓપરેશન અટેક માટે છ કમાન્ડોની ટીમને તૈયાર કરવામાં આવી. મંદિર પરિસરમાં તાત્કાલિક કંટ્રોલરૂમ પણ તૈયાર કરી દેવામાં આવ્યો. એન.એસ.જી.ના કમાન્ડોએ બુલેટપ્રૂફ જેકિટ પહેર્યાં અને માથા પર હેલ્મેટ પહેરી લીધો. આધુનિક હથિયારોથી સજ્જ હોવાની સાથે તમામ પાસે કમ્યુનિકેશનનાં આધુનિક સાધનો હતાં. આ ઉપરાંત નાઇટવિઝન કેમેરા પણ હતા. બ્રિગેડિયર સિતાપતિએ જે છ કમાન્ડોની ટીમ તૈયાર કરી હતી, તેમને ફાઇનલ બ્રિફ આપીને આદેશ કર્યો, “ઓપરેશન સ્ટાર્ટ.”
સિતાપતિએ કંટ્રોલરૂમની કમાન સંભાળી લીધી અને છ કમાન્ડોની જે ટીમ ઓપરેશનમાં જઈ રહી હતી, તેની બારીકમાં બારીક મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા હતા. ગુજરાત પોલીસના અધિકારીઓ પણ બારીક રીતે એન.એસ.જી.ની કામગીરી જોઈ રહ્યા હતા. કારણ કે, ગુજરાત પોલીસ માટે પણ આ પહેલો અનુભવ હતો. રાતના લગભગ અગિયાર વાગી ચૂકયા હતા.
મંદિરની ડાબી તરફ આવી રહેલા એન.એસ.જી.ના કમાન્ડો હવે મુખ્ય ગેટ નંબર–1 પાર કરીને જમણી તરફ આગળ વધી રહ્યા હતા. તેઓ એકબીજા સાથે વાત કરવા માટે માત્ર ઇશારા કે સાંકેતિક ભાષાનો પ્રયોગ કરી રહ્યા હતા. બધા એકબીજાને કવર આપીને જમણી તરફ જઈ રહ્યા હતા. આમ તો તેઓ દબાતાં પગલે આગળ વધી રહ્યા હતા, પણ ક્યારેક ક્યારેક કમાન્ડોના બૂટનો અવાજ આવી જતો હતો. એ સિવાય મંદિર પરિસરમાં એકદમ શાંતિ હતી. ગુજરાત પોલીસે મંદિરની બહાર તરફ પસાર થતાં તમામ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. જેથી વાહન વ્યવહાર પણ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો.
ગેટ નંબર–1 પર રહેલા પત્રકારો અને કેમેરામેનને પણ હટાવીને દૂર જતા રહેવાની સૂચના આપી દેવામાં આવી હતી. કારણ કે, અંદર થતાં ફાયરિંગની ગોળી ક્યાં નીકળશે અને કોને વાગશે, તેની ખબર નહોતી. હું અને પત્રકાર આશિષ અમીન સહિત બાકીના અમારા સાથીઓ પણ ત્યાં હતા. અમે મંદિરની બહાર, ડાબી બાજુ સી.એમ. બંગલા તરફ જતા રહ્યા હતા. ત્યાં જવાનું કારણ એવું હતું કે, ત્યાં એક બસસ્ટેન્ડ હતું. જ્યાં બેસી શકાય તેમ હતું. કારણ કે, સાંજના પાંચ વાગ્યાથી દોડાદોડ કરીને હવે અમારા પગ પણ થાકી ગયા હતા. બસસ્ટેન્ડની આગળ પોલીસની એક મોટી વાન પાર્ક કરેલી હતી. તેની આડશમાં સલામતી પણ હતી. ઉપરાંત ત્યાંથી અક્ષરધામની અંદર થતી ગતિવિધિ જોઈ શકાય તેવું લોકેશન પણ હતું.
પત્રકારોની સ્થિતિ હવે ખરાબ થઈ રહી હતી. કારણ કે,, ગાંધીનગરમાં ખાવાનું મળે તેવી તો કોઈ જ વ્યવસ્થા નહોતી, પણ પાંચ કલાક થઈ ગયા હોવા છતાં પીવાનું પાણી પણ મળ્યુ નહોતું! એવી સ્થિતિમાં અમે બસસ્ટેન્ડ પર બેઠા હતા. અચાનક ધાણી ફૂટે એવી રીતે ધડ ધડ ધડ ગોળીબારનો અવાજ શરૂ થયો! અમે તો એકદમ ડરી ગયા, પણ અમારી નજીકમાં ઊભા રહેલા એસ.આર.પી. જવાનો પણ ડરી ગયા હતા. અમારી બાજુમાં રહેલા એક જવાનનું ધ્યાન અમારી તરફ ગયું. તેણે એકદમ મોટેથી બૂમ પાડીને અમને કહ્યું, “નીચે બેઠ જાવ. અમે બસસ્ટેન્ડની પાછળ બેસી ગયા.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








