Monday, February 17, 2025
HomeSeriesAkshardham AttackNSG કમાન્ડો ટેરરિસ્ટની એકદમ નજીક પહોંચી ગયા અને અચાનક ફાયરિંગ શરૂ થયું....

NSG કમાન્ડો ટેરરિસ્ટની એકદમ નજીક પહોંચી ગયા અને અચાનક ફાયરિંગ શરૂ થયું. કમાન્ડો સુરેશ યાદવ ત્યાં જ ઢળી પડ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-13): Akshardham Temple Attack Series : નેશનલ સિક્યૂરિટી ગાર્ડે (NSG) પોઝિશન સંભાળી લીધી હતી. મંદિરના જે ભાગમાં ટેરરિસ્ટ છુપાયા હતા, તે જગ્યાને એન.એસ.જી.એ આઇડેન્ટિફાય કરી લીધી હતી. બ્રિગેડિયર સિતાપતિના (Brigadier Sitapati) આદેશ પ્રમાણે એક ટીમ હવે ઓપરેશન ‘અટેક’ને (Operation Attack) અંજામ આપવા આગળ વધી રહી હતી; પણ ટેરરિસ્ટ એવી જગ્યાએ પોઝિશન લઈને બેઠા હતા કે, તેમની તરફ આવી રહેલી કોઈ પણ વ્યકિતને તેઓ સારી રીતે જોઈ શકતા હતા.

ટેરરિસ્ટ તરફ આગળ વધી રહેલા એન.એસ.જી.ના કમાન્ડોને બિલકુલ અંદાજ નહોતો કે, તેઓ ટેરરિસ્ટની ફાયરિંગ રેંજમાં આવી ગયા છે! એકબીજાને કવર આપતાં આગળ વધી રહેલા કમાન્ડોને જરા પણ અંદાજ નહોતો કે, તેઓ ફસાઈ જશે! અચાનક ટેરરિસ્ટ દ્વારા ઓપન ફાયર શરૂ કરી દેવામાં આવ્યું. ઓપન ફાયર થતાં જ, આગળ વધી રહેલા કમાન્ડોએ મંદિરના પિલરની આડશ લઈ લીધી. વળી કોઈ કમાન્ડોએ જમીન પર સૂઈ જઈને પોતાનો જીવ બચાવી લીધો. આમ કમાન્ડો એક્શનમાં આવે એ પહેલા ટેરરિસ્ટ એક્શનમાં આવી ગયા હતા. હવેનો જંગ ખરાખરીનો હતો.

- Advertisement -

કમાન્ડો ટેરરિસ્ટની ખાસ્સા નજીક પહોંચી ગયા હતા, પણ અંધારાને કારણે તેઓ ટેરરિસ્ટને જોઈ શકતા નહોતા. કમાન્ડોની ટીમને લીડ કરી રહેલા અધિકારીએ ટેરરિસ્ટનું એક્ઝેટ લોકેશન જાણવા માટે; જે તરફથી તેમની પર ફાયર થયું હતું, તે દિશામાં ફાયરિંગ શરૂ કર્યું. એન.એસ.જી.ના અધિકારીનો અંદાજ સાચો પડ્યો. જેવું એન.એસ.જી.એ ફાયરિંગ કર્યું, તરત સામેથી પણ ફાયરિંગ થયું. જેનાથી એન.એસ.જી.ને ટેરરિસ્ટની પોઝિશન ક્યાં છે; તેનો અંદાજ આવી ગયો. ટીમને લીડ કરી રહેલા અધિકારીએ પોતાના સાથી કમાન્ડોને સાંકેતિક ભાષામાં કંઈક આદેશ આપ્યો.

બધા જ કમાન્ડો એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. તેઓ મળેલા આદેશને અને સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અધિકારીનો આદેશ થતાં જ મંદિરના પિલરની આડશમાં રહેલા કમાન્ડોએ ચીત્તાની ઝડપે પોતની પોઝિશન બદલી નાખી. લીડ કરી રહેલા અધિકારીએ કમાન્ડો સુરેશ યાદવ (NSG Commando Suresh Yadav) સામે જોયું. તે સમજી ગયો કે, તેણે પોતાના અધિકારીને કવર આપીને આગળ વધવાનું છે. એન.એસ.જી.ના અધિકારી અને કમાન્ડો સુરેશ યાદવ મંદિરના ઊંચા ઓટલા પરથી નીચે ઉતર્યા. ત્યાં જમીન પર ઘાસ હતું. તેમણે ફાયરિંગથી બચવા એક ઝાડની આડશ લીધી. અધિકારીને અંદાજ આવી ગયો કે, હવે તેમની અને ટેરરિસ્ટ વચ્ચે માંડ પચાસ ફૂટનું અંતર હશે. ઝાડની આડશ મળી જતાં એન.એસ.જી.ના અધિકારીએ પોતાના તમામ કમાન્ડો તરફ એક નજર કરી લીધી. બધા પોતાની યોગ્ય પોઝિશન પર હતા. કમાન્ડો સુરેશ યાદવ બરાબર તેમની બાજુમાં જ હતો.

એન.એસ.જી.ના અધિકારીએ ડાબા હાથે ઇશારો કર્યો અને એક સાથે તમામ કમાન્ડોના ઓટોમેટિક વેપનમાંથી ધાણી ફુટે તેમ ધડ ધડ ધડ ગોળીઓ છૂટવા લાગી. ટેરરિસ્ટ પણ તાલીમબદ્ધ હતા. એક સાથે છ વેપનનું ફાયરિંગ થતાં, તેમણે પોતાની જાતને બચાવી શકાય એવી પોઝિશન લઈ લીધી. આટલી બધી ગોળીઓ એકસાથે છૂટતાં અક્ષરધામ મંદિરનું પરિસર ગોળીઓના અવાજથી ધ્રુજી ઉઠ્યું. જે મંદિરમાં રોજ આરતી, ઘંટ અને ઝાલરનો અવાજ આવતો હતો, એ મંદિરમાં આજે ગોળીઓ અને હેન્ડગ્રેન્ડ ફૂટી રહ્યાં હતાં!

- Advertisement -

અમે પત્રકારો મંદિરની બહાર, સી.એમ. બંગલો તરફના રોડ પર હતા. બહાર રહેલી પોલીસ અને અમે બધા નીચે બેસી ગયા હતા. એન.એસ.જી. તરફથી ફાયરિંગ થતાં ટેરરિસ્ટે સામે કોઈ ફાયર કર્યું નહીં. એન.એસ.જી.ના અધિકારીએ ફરી ઇશારો કર્યો અને કમાન્ડોએ ફાયરિંગ બંધ કર્યું. એન.એસ.જી.ના અધિકારીઓ વિચાર કરી રહ્યા હતા કે, હવે શું કરવું? એવામાં પહેલા તો ટેરરિસ્ટ તરફથી ઓપન ફાયર થયું. જે વખતે બધા જ કમાન્ડો ફરી આડશની પાછળ આવી ગયા, પણ એન.એસ.જી.ના અધિકારી સાથે રહેલો કમાન્ડો સુરેશ યાદવ અચાનક ઢળી પડયો! એન.એસ.જી.ના કમાન્ડો આધુનિક હથિયારો સાથે સજ્જ હોવાની સાથે તેમણે માથા પર બુલેટપ્રૂફ હેલ્મેટ અને કમરથી ઉપરના ભાગ સુધી બુલેટપ્રૂફ જેકિટ પણ પહેર્યાં હતાં. તો પછી કમાન્ડો સુરેશ યાદવને ગોળી ક્યાં વાગી? આ પ્રશ્ન બધાને થયો.

બન્યું એવું કે, ટેરરિસ્ટ તરફથી ફાયરિંગ થતાં સુરેશ યાદવે ઝાડની આડશ લીધી હતી. ટેરરિસ્ટ તરફથી થતાં ફાયરિંગમાં એક ગોળી ઝાડનાં થડ સાથે અથડાઈ, પણ ફાયરિંગનો એટલો ફોર્સ હતો કે, ગોળી થડ સાથે અથડાઈને ફંટાઈ ગઈ. એ ગોળી કમાન્ડો યાદવની દાઢી અને છાતીની વચ્ચેથી ગળાની આરપાર નીકળી ગઈ. જેના કારણે યાદવને ફસડાઈ પડતાં ક્ષણ પણ લાગી નહીં. યાદવની સાથે રહેલા અધિકારીએ નીચે પડેલા યાદવ સામે જોયું. જાણે નળમાંથી પાણી વહેતું હોય તે રીતે સુરેશ યાદવના ગળામાંથી લોહી વહી રહ્યું હતું.

આખાં ઓપરેશન પર નજર રાખી રહેલા બ્રિગેડિયર સિતાપતિને પણ અંદાજ આવ્યો કે, કંઈક બન્યું છે. તેમણે પોતાની કોમ્યુનિકેશન સિસ્ટમ ઓન કરી અને ટીમને લીડ કરી રહેલા અધિકારીને પુછ્યું, “ઓફિસર, સિચ્યૂએશન ક્યા હે?”

- Advertisement -

ઓફિસરે તરત વળતો જવાબ આપ્યો, “સર, વન કમાન્ડો ઇન્જર્ડ.”

સિતાપતિએ વળતો જવાબ સાંભળીને થોડોક વિચાર કર્યો અને પુછ્યું, “કમાન્ડો સિરિયસ હે?”

અધિકારીએ એટલું જ કહ્યું, “સર, બોડી મેં કોઈ મૂવમેન્ટ નહીં.”

સિતાપતિ સમજી ગયા કે, મામલો સિરિયસ છે. સિતાપતિએ ઓફિસરને જરૂરી સુચના આપી. ઓફિસર સાથે રહેલા બીજા કમાન્ડો જમીન પર પડેલા સુરેશ યાદવ પાસે પહોંચ્યા. ફરી વખત ટેરરિસ્ટ ફાયર કરે તો પોતાને ગોળી ન વાગે, તેની સંભાળ રાખીને કમાન્ડો યાદવને જમીન ઉપરથી ઉપાડી લીધો. તેને લઈને પાછાં પગલે ગેટ નંબર–1 તરફ આવ્યા. ગેટ નંબર–1 પર પોલીસ અધિકારીઓ અને સિતાપતિ હાજર જ હતા.

એક એમ્બ્યુલન્સ પણ ત્યાં બોલાવી લેવામાં આવી હતી. કારણ કે, એક કમાન્ડોને ગોળી વાગી છે, તેવો સંદેશો મળતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો જરૂરી હતો. આ રીતે થોડીવાર માટે ઓપરેશન ‘અટેક’ અટકાવી દેવામાં આવ્યું. ઇજાગ્રસ્ત સુરેશ યાદવને લઈને ટીમ પાછી ફરી. તેને તરત એમ્બ્યુલન્સનાં સ્ટ્રેચર પર સુવાડી દેવામાં આવ્યો. યાદવ જાણે લોહીમાં ન્હાયો હોય, એ રીતે તેનાં કપડાં લોહીથી લથબથ હતા! બ્રિગેડિયર સિતાપતિ પોતાનાં બહાદુર કમાન્ડો પાસે પહોચ્યા. તેમણે જમણા હાથની પહેલી આંગળી સુરેશ યાદવના નાક પાસે લઈ જઈને તેના શ્વાસોચ્છ્વાસ તપાસ્યા. તેમના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. તેમણે ટીમને લીડ કરી રહેલા અધિકારી સામે જોયું અને માથા ઉપરથી કેપ ઉતારી દીધી.

(ક્રમશ:)

Part 12 : અક્ષરધામમાં NSGએ પોઝિશન સંભાળી લીધી હતી. બ્રિગેડિયર સિતાપતિએ ઓપરેશન ‘અટેક’નો પ્લાન બનાવ્યો.

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular