કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમૃત માથુર (Amrit Mathur) ક્રિકેટ સાથે જોડાયેલા હોવા છતાં તેમનું નામ અજાણ્યું છે. ક્રિકેટમાં (Cricket) તેમનું કામ પડદા પાછળનું રહ્યું છે અને ત્રીસ વર્ષ સુધી તેમણે આ કામ કર્યું. આપણા દેશમાં ક્રિકેટનું ઝનૂન જોતાં ટીમના સપોર્ટિંગ સ્ટાફ પર પણ નજર રાખવામાં આવે છે. પરંતુ અમૃત માથુર એક દાયકા પહેલાં સુધી ક્રિકેટ મેનેજમેન્ટ સાથે જોડાયેલાં રહ્યા, જ્યારે સપોર્ટિંગ સ્ટાફ વિશે ભાગ્યે જ કોઈ જાણતું. ક્રિકેટ સાથેના તેમના આ લાંબા અનુભવોને બયાન કરતું પુસ્તક અમૃત માથુરે લખ્યું છે. પુસ્તકનું નામ છે: ‘પીચસાઇડ : માય લાઇફ ઇન ઇન્ડિયન ક્રિકેટ.’ (Pitchside : My Life in Indian Cricket) દેશ-દુનિયામાં ક્રિકેટર અને કોચની આત્મકથાઓ-જીવનકથા લખાય છે, પરંતુ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટિવ સાથે જોડાયેલાં કલમ ઝડપથી ઉપડથી નથી. અમૃત માથુરનું પુસ્તક હાલમાં આવ્યું છે અને તેમના પુસ્તકના અનાવરણ વખતે કિક્રેટની દુનિયાના બે દિગ્ગજો સુનિલ ગાવાસ્કર અને કોમેન્ટ્રેટર હર્ષ ભોગલે હાજર રહ્યા હતા. અમૃત માથુરે તેમનાં પુસ્તકમાં ક્રિકેટની કેટલીક ઇનસાઇટ વાતો નોંધી છે, જે જાણવા જેવી છે.

2004માં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી તે વિશે અમૃત માથુર લખે છે કે, “ક્રિકેટ ટીમના વિદેશના તમામ પ્રવાસ માટે ભારત સરકાર પાસેથી સુરક્ષાની અને રાજકીય રીતે મંજૂરી લેવી અનિવાર્ય હોય છે. 2004માં ભારતીય ટીમ પાકિસ્તાન જાય કે નહીં તે અંગે મતમતાંતર હતા. સરકાર આ પ્રવાસના વિરોધમાં હતી જ્યારે ‘બીસીસીઆઈ’ અસ્પષ્ટ હતી. એ વેળાએ ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓની સ્થિતિ એવાં બેટ્સમેન જેવી હતી જે ફ્રન્ટ કે બેકફૂટ પર રમવા અંગે નિર્ણય લઈ શકતો નથી. અંતે એવું નક્કી થયું કે પાકિસ્તાનમાં ક્રિકેટ ગ્રાઉન્ડના નિરીક્ષણ અર્થે એક સિક્યૂરિટી ડેલિગેશન ત્યાં જાય. હું તે ડેલિગેશનનો એક સભ્ય હતો. મારી સાથે ‘બીસીસીઆઈ’ના હોદ્દેદાર પ્રોફેસર રત્નાકર શેટ્ટી અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી યશોવર્ધન આઝાદ હતા. ખૂબ હોહા વચ્ચે અમે લાહોર ઉતર્યા ત્યારે મીડિયા અમને ઘેરી વળ્યું. અમારો સામાન સુધ્ધા એરલાઇન સ્ટાફે લઈને સીધો હોટલ પર પહોંચાડી દીધો. અમને એરપોર્ટ પરથી જ સીધા આંતરિક સુરક્ષાના મંત્રાલયના સેક્રેટરી પાસે લઈ જવામાં આવ્યા.”

ભારત-પાકિસ્તાનની મેચમાં સુરક્ષા મામલે કોઈ ચૂક ન થવી જોઈએ અને તે વખતે તો પાકિસ્તાનમાં અવારનવાર આંતકવાદી હૂમલા થતા હતા. આગળ અમૃત માથુર લખે છે : “પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે સુરક્ષાનો મુદ્દો હળવાશથી લીધો હતો. તેમના મતે સુરક્ષા એ મામૂલી મુદ્દો છે, જેને મીડિયાએ વધુ પડતો ચગાવ્યો છે. અમને એવું કહેવામાં આવ્યું કે અહીંના લોકો અને રાજકીય નેતાઓ ભારતની ક્રિકેટ ટીમ પ્રવાસ કરે તેની તરફેણમાં છે. આ ઉપરાંત, કરાચી અને પેશાવરના સ્થાનિક સત્તાધારીઓ પણ ત્યાં મેચ થાય તેવું ઇચ્છતા હતા. ઉચ્ચ અધિકારીઓએ પણ કહ્યું કે પાકિસ્તાન આ પ્રવાસ યોજવા સક્ષમ છે અને અમારી ગુપ્તચર સંસ્થા આંતકવાદી જૂથો પર સતત નજર રાખી રહી છે. તેઓ વધુ પડતાં આત્મવિશ્વાસથી કોઈ ભય નથી તેવું જણાવી રહ્યા હતા. એક અધિકારીએ અમને એમ પણ કહ્યું કે ભારતીય ટીમ બિલકુલ સુરક્ષિત રહેશે. અહીં સંભવત્ અમેરિકન લોકોને વધુ જોખમ છે. એ જાહેર થઈ ચૂક્યું હતું કે પાકિસ્તાન કોઈ પણ હિસાબે આ પ્રવાસ ઇચ્છે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ પ્રવાસથી જંગી કમાણી કરવા ઇચ્છતું હતું. અને જો ત્યાંની સૈન્ય સરકાર ભારતીય ટીમને સુરક્ષા ન પૂરી પાડી શકે તો સત્તામાં રહેલા આર્મી જનરલની છબિને પણ નુકસાન પહોંચત.”

માથુરની કલમ આગળ કહે છે : “પાકિસ્તાનની તૈયારી છતાં ભારત કેટલીક બાબતોને અવગણી શકે તેમ નહોતું. પાકિસ્તાન અસુરક્ષિત ક્ષેત્ર હતું અને તેનાં જોખમ દેખાય એવા હતા. અને હજુ તો ન્યૂઝિલેન્ડની ટીમ જે હોટલમાં રોકાઈ હતી ત્યાં નજીક થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટના ભૂલાઈ નહોતી. ન્યૂઝિલેન્ડે આ પ્રવાસ રદ કરી દીધો હતો. અમારા સિક્યૂરીટી ડેલિગેશનના સભ્ય યશોવર્ધને બધી બાબતે ચોક્સાઈ માગતા હતા. તેઓ કોઈ બાબતે સમાધાન કરવા તૈયાર નહોતા. તેમના આ વલણના કારણે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ તેમને પૂરતી ખાતરી આપવી પડી.”
આ રીતે સુરક્ષાની બાબત ચકાસ્યા બાદ અમારો સંદેશો ભારતની સુરક્ષા એજન્સી અને સરકાર પાસે પહોંચ્યો. ત્યાંથી મંજૂરી મળી અને સરકારી ભાષામાં વળતો જવાબ પણ આવ્યો કે, ‘ઘટતું કરશો.’ ઉપરાંત એવું પણ કહેણ આવ્યું કે, ‘કશીય જરૂર હોય તો જરૂર જણાવશો.’

પ્રાથમિક મંજૂરી મળ્યા બાદ અમે દરેક ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવા નીકળ્યા. સૌથી પહેલાં અમે રાવલપિંડી ગયા, જ્યાં થોડા વખત પહેલાં જનરલ પરવેઝ મુશર્રફ એક હૂમલામાં માંડ માંડ બચ્યા હતા. અમે જે પોલીસ ચીફના ઓફિસે ગયા તેનાથી થોડા જ અંતરે આ ઘટના બની હતી. પોલીસ ચીફે સ્વીકાર્યું કે હૂમલા પછી એવી ભીતિ હતી કે તેમને બર્ખાસ્ત કરવામાં આવશે અથવા તો તેમની ધરપકડ થશે. તેમણે પણ અમને પ્રેઝન્ટેશન દાખવ્યું અને સુરક્ષાની ખાતરી આપી. છેલ્લે એવો સંદેશો અમને આપ્યો કે, ‘હિંદુસ્તાનથી આવનારા અમારા ભાઈઓનું અમે સ્વાગત કરીએ છીએ.’ ક્રિકેટના આયોજન પાછળની આ કેટલી રસપ્રદ ઘટના છે, જે ક્યારેય આપણી સામે આવતી નથી. અમૃત માથુર આવી અનેક ઘટના લઈ આવ્યા છે. તેઓ આગળ લખે છે કે, મુલ્તાન પહોંચ્યા ત્યારે મીટિંગની શરૂઆતમાં મૌલવીએ કુરાનની એક આયાત પઢી. “અમને જાણ કરવામાં આવી કે તમે પંજાબના દક્ષિણ ભાગે છો. અહીંયા ઇશ્વરભીરું પ્રજા વસે છે. અહીંના લોકો શાંતિપ્રિય છે. છેલ્લા ત્રણ વર્ષથી અહીં કોઈ આંતકવાદી ઘટના બની નથી. લાહોરમાં પણ સિક્યૂરીટી ડેલિગેશનનું ધમાકેભર સ્વાગત થયું અને પ્રવાસ માટે તમામ ખાતરી પણ મળી.”
અમૃત માથુર લખે છે કે કરાંચીમાં જે સુરક્ષાનું આયોજન અમને દાખવવામાં આવ્યું તેની વિગત આ પ્રમાણે હતી. ટ્રાફિક બંધ રાખીને ક્રિકેટરોના વાહનવ્યવહાર, પૂરા માર્ગમાં શાર્પશૂટર્સ અને રેપિડ એક્શન ફોર્સની તૈનાતી, ઇમારતોના અગાસીએ સ્નાઇપર્સ, હોટલમાં ક્રિકટોરને ચોવીસ કલાક સુરક્ષા, વિઝિટર્સ માટે નો એન્ટ્રી, તમામ ફોન પર નિરીક્ષણ. ટીમ જ્યાં પણ જશે તેની ફરતે સિક્યુરીટીનો ઘેરો હશે અને અલાયદો કન્ટ્રોલ રૂમ ઊભો કરાશે. આવું ધરખમ આયોજન કરાચી એડમિનિસ્ટ્રેટિવે ભારતીય સિક્યૂરીટી ડેલિગેશન સામે મૂક્યું.
અમે પાછા ફર્યા અને વિસ્તૃત અહેવાલ સુપરત કર્યો. ભારત સરકારે ટીમને પાકિસ્તાનના પ્રવાસ માટે મંજૂરી આપી. કરાચી અને પેશાવરમાં જોખમ જોતાં ટીમનો નિવાસ મેચ પૂરતો મર્યાદિત રાખ્યો. અંતે ભારત-પાકિસ્તાનના સારાં સંબંધો માટે મંજૂરી આપવામાં આવી. આવી અનેક વાતો અમૃત માથુરે પોતાના પુસ્તકમાં લખી છે. અહીંયા જે ભાગ અનુવાદ કરીને આપ્યો છે તે પુસ્તકમાંથી ‘ધ સ્ક્રોલ’ નામની વેબસાઈટ પર મૂકાયો છે. પુસ્તકમાં અન્ય પણ કેટલીક રસપ્રદ વાતો છે. જેમ કે અમૃત માથુર એક જગ્યાએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન વિશે લખે છે કે, “1987માં પાકિસ્તાનના હૈદરાબાદમાં હું ઇમરાન ખાનને મળ્યો હતો, ત્યારે હું સુનિલ ગાવાસ્કરના ‘પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રૂપ’ સાથે સંકળાયેલો હતો. આ ગ્રૂપમાં હું મેચ રિપોર્ટ લખતો અને ઇમરાન ખાનનું ‘ઘોસ્ટરાઇટિંગ’ એટલે કે ઇમરાનના નામે કોલમ લખતો. હું મળ્યો ત્યારે ઇમરાન ક્રિકેટમાં ઘણો પાવરફૂલ ગણાતો. મેં તેને મળીને ઓળખ આપી અને તેની કોલમ લખું છું તેમ પણ જણાવ્યું. પહેલાં તેણે ઓકે કહ્યું. પરંતુ પછી પૂરા હૈદરાબાદને સંભળાય તેમ પૂછ્યું કે, ‘સની(સુનિલ ગાવાસ્કર)ને પૂછજો, મને કેટલું વળતર મળે છે?’ મેં જવાબ આપ્યો, ‘ખબર નથી’.”
સચિન વિશેનો એક પ્રસંગ નોંધતા અમૃત લખે છે કે, “2002માં ઇંગ્લેન્ડના વેમ્બલીમાં એક ક્રિકેટ કાર્યક્રમ દરમિયાન રાતના મોડું થયું અને હોટલ સુધી જવા માટે લાંબો રસ્તો કાપવાનો હતો. સચિને મને વિનંતીના સૂરમાં કહ્યું કે શું મારી પત્ની અંજલિ આપણા બસમાં બેસી શકે. તે મિત્રો સાથે આવી હતી પરંતુ તેના મિત્રો વહેલાં નીકળી ગયા. ટીમનો સૌથી સિનિયર ક્રિકેટર મને આ રીતે વિનંતીના સૂરમાં પૂછી રહ્યો હતો. ખરેખર તો આ સંજોગોમાં પોતાના પત્નીને ટીમની બસમાં બેસવાનો શિરસ્તો ચાલ્યો જ આવતો હતો. તેમાં ના પાડવાનો કોઈ પ્રશ્ન નહોતો. સચિન પણ આ જાણતો હતો, પરંતુ તે પ્રોટોકોલને વળગી રહ્યો.
આવી અનેક વાતો અમૃત માથુરના પુસ્તકમાં વાંચવા મળે છે. ક્રિકેટ રસિયાઓને ઇનસાઇડ જાણવા માટે આ પુસ્તક મસ્ટ રીડ કેટગરીમાં મુકાયું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








