નવજીવન ન્યૂઝ, વડોદરા : ચૂંટણી ટાણે પોલીસ એલર્ટ હોવાના વડોદરા શહેર પોલીસ (Vadodara City Police) ના દાવા પોકળ સાબિત થયા છે. વડોદરાના બાજવા વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરોએ એક જ રાતમાં પાંચ દુકાનને ટાર્ગેટ કરી 53 હજારની મતા ચોરી કરી છે. તસ્કર ટોળકી દુકાનોના તાળા તોડ્યા બાદ બાઈક પણ ઉઠાવી ગયા છે. જવાહરનગર પોલીસે (Jawaharnagar Police) ઘટના સ્થળે મેળવેલા CCTV Footage ના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરા કરોડીયા રોડ પર રહેતા અને બાજવા ગાંધી રોડ પર સચીન ટ્રેડર્સ નામની કરિયાણીની દુકાન ચલાવતા સચિનભાઈ કેલાએ ફરિયાદ નોંધાવી છે. 22 એપ્રિલની રાત્રે દુકાન બંધ કરીને ગયા બાદ, મધ્યરાત્રિએ હોમગાર્ડ જવાન દ્વારા તેમને ફોન પર જાણ કરવામાં આવી હતી કે તેમની દુકાનનું શટર ખુલ્લું છે. સચીનભાઈ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે તેમની દુકાન સહિત આસપાસની અન્ય ચાર દુકાનોમાં પણ ચોરી થઈ હતી. તસ્કરોએ દુકાનોની સાથે સાથે બાજવા રવિ ટોકીઝ પાસે પાર્ક કરેલી સચીનભાઈના મિત્ર અશોકભાઈ શાહની બાઈક પણ ચોરી કરી લઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં બે તસ્કરો કેદ થયેલા જોવા મળ્યા છે.








