નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત આમ આદમી પાર્ટી જ નહીં હાલમાં અરવિંદ કેજરીવાલના નજીકના નેતાઓએ પણ પાર્ટીને અંગુઠો બતાવી જીભ કાઢી છે. હાલમાં જ રાઘવ ચડ્ઢા સહિતના નેતાઓએ પાર્ટી છોડી દીધી અને આવા જ એક વિશ્વાસુ અને ગોપાલ ઈટાલિયા તથા ઈસુદાન ગઢવીના નજીકના ગણાતા સાગર રબારીએ પણ હવે પાર્ટી છોડી દીધી છે અને હવે તેમનો ફોન પણ સતત સ્વીચ ઓફ આવી રહ્યો છે. (આ લખાય છે ત્યારે)

ગુજરાત આમ આદમી પાર્ટીમાં મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળતા સાગર રબારીએ પાર્ટીને અલવીદા કરી દીધી છે. સાગર રબારી લખે છે કે, હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીથી પોતાને મુક્ત કરું છું. સહયોગ બદલ સહુ સાથીઓનો હૃદયપૂર્વક આભાર.વ્યક્તિગત સંબંધો, દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે.

વર્ષ 2021માં વિધિવત પાર્ટીમાં જોડાયા પરંતુ તે પહેલાથી સાગર રબારી નેતૃત્વના સંપર્કોમાં રહ્યા. ખેડૂતો અને ખેડૂતોના પ્રશ્નો માટે પણ સાગર રબારીએ પાર્ટીના આંદોલનોમાં સાથ આપ્યો, મંચ પર સ્થાન મેળવ્યું. પણ આવા જ એક પાર્ટીના કદાવર અને ખેડૂત નેતા રાજુ કરપડા પણ હતા તેમણે પણ આમ આદમી પાર્ટીમાં ઘણું કામ કર્યું, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા પણ જ્યારે હડદડમાં સભા વખતે હિંસા ભડકી ત્યારે તે અને પ્રવિણ રામ જેલમાં ગયા અને આ જેલમાં જ બધો ખેલ પડી ગયો. તેઓએ પણ પાર્ટીને અલવીદા કરીને ભાજપમાં સ્થાન મેળવ્યું, ચૂંટણી લડવાની તક મેળવી.
હવે સાગર રબારીએ પણ પાર્ટી છોડી છે, સ્વાભાવીક રીતે ચર્ચા છે કે તેઓ પણ રાજુ કરપડાના પગલે પગલે ભાજપમાં જશે. પરંતુ અહીં સવાલ ઘણાને થવા લાગ્યો છે કે જો રાજીનામુ જ આપવાનું હતું તો પછી ચૂંટણી પહેલા કેમ ના આપ્યું? જો ચૂંટણી પહેલા આપતા તો કોઈક રીતે બીજા પક્ષ સાથે ડીલ કરી શકતા. કારણ કે આપણે ત્યાં નેતાઓ ડીલમાં જ માને છે. પણ અહીં ચિત્ર જુદું જોવાઈ રહ્યું છે. તેમણે મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે જ અને પરિણામના આગલા દિવસે જ રાજીનામું આપ્યું. આ રાજીનામું રાજી-ખુશીનું છે કે કોઈ રાજકીય રમતનું તે આવનારા દિવસોમાં ખ્યાલ તો આવી જ જવાનો છે.








