નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ રાજનીતિ ગરમાઈ (Politics heats up after Gujarat elections) છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના પ્રદર્શનને લઈને ભારતીય જનતા પાર્ટીએ પરિણામોનું આંકલન શરૂ કરી દીધું છે. જૂનાગઢ જિલ્લામાં તો સાવજ ડેરી (Savaj Dairy Junagadh) ના ચેરમેન અને ભાજપના પૂર્વ મંત્રી વચ્ચે ચાલી રહેલી રાજકીય લડાઈમાં ખુલ્લેઆમ નિવેદન કરવામાં આવી રહ્યાં છે. ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના પુત્રવધુ AAP ના ઉમેદવાર સામે હારી જતાં તેમણે જવાહર ચાવડા પર સીધું નિશાન (Dinesh Khatariya vs Jawahar Chavda) તાકી તેમને ‘શિખંડી’ સાથે સરખાવ્યા છે.
સાવજ ડેરીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ જવાહર ચાવડા સામે રાજકીય જંગ છેડી દીધી છે. તેમણે કહ્યું કે, “તાકાત હોય તો ખુલ્લીને સામે આવવું જોઈએ શિખંડીની જેમ પીઠ પાછળ ખંજર ભોંકવાનું બંધ કરવું જોઈએ”. ખટારીયાએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ પડદા પાછળ રહીને પક્ષના જ કાર્યકરોને હેરાન કરવાની અને તેમને નુકસાન પહોંચાડવાની રાજનીતિ કરી રહ્યા છે. હિંમત હોય તો આગામી વિધાનસભા કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામે ચાલીને મેદાનમાં આવવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને અંતમાં ઉમેર્યું હતું કે જનતા હવે આવા છળકપટને સમજી ગઈ છે અને ભવિષ્યમાં તેમને ચોક્કસ પાઠ ભણાવશે.








