નવજીવન ન્યૂઝ. ઉના: Gir Somnath News: ગતરોજ રામનવમીના આયોજનમાં કાજલ હિન્દૂસ્તાની (Kajal Hindustani) દ્વારા ભયંકર ભડકાઉ ભાષણો આપવામાં આવ્યા હતા. કાજલ હિન્દૂસ્તાની ઉર્ફ કાજલ અગ્રવાલે ઉનામાં (Una, Gujarat)એક ચોક્કસ ધર્મને ટાંકીને ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપતા વાતાવરણમાં અજંપો જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ મુસ્લિમ બિરાદરોમાં રોષ ફાટી નિકળતા તેઓ ઉનાના રસ્તા પર ઉતરી કાજલ હિન્દૂસ્તાની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની માગણી કરતા જોવા મળ્યા હતા. આ સમયે ઉનાના પી.આઈ. એન.કે. ગોસ્વામી (Una Police) દ્વારા સરાહનીય રીતે સંપૂર્ણ મામલે સમજાવટ કરી મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર ગતરોજ રામનવમીના તહેવાર નિમીત્તે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એક જાહેરસભાનું આયોજન થયું હતું. રામકૃષ્ણ જન્મ સમિતિ દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં કાજલ હિન્દૂસ્તાની નામના મહિલાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમણે ઉનાના ત્રિકાણ બાગ પાસે રાવણાવાડી ખાતે યોજાયેલી જાહેરસભાના મંચ પરથી ભયંકર ભડકાઉ ભાષણ આપ્યું હતું. સાથે જ કાજલે ચોક્કસ ધર્મને ટારગેટ કરી ઉશ્કેરણીજનક પ્રવચન આપ્યું હતું. તેમના ભાષણમાં ભરપૂર ટિપ્પણીઓ એવી કરવામાં આવી હતી જેનાથી રાજ્યમાં કોમી વાતાવરણ ડહોળાઈ શકે છે. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થતા ઉનાના મુસ્લિમ બિરાદરો રોષે ભરાયા હતા.
રોષે ભરાયેલા મુસ્લિમ બિરાદરોએ આજરોજ બપોરે ઉનામાં એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે કાજલ હિન્દુસ્તાનીએ આપેલા ભડકાઉ ભાષણ બદલ કાર્યવાહીની માગણી કરી હતી. મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે નિકળેલા મુસ્લિમ બિરાદરોને જોઈ સ્થાનિક પોલીસ તંત્ર તુરંત જ હરકતમાં આવ્યું હતું. સાથે જ કોઈ અનિચ્છિનિય બનાવ ન બને તેની તકેદારી રાખતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી.ની ટીમ સહિતનો કાફલો ઉના ખાતે પહોંચી ગયો હતો. પરંતુ આ તકે ઉના પોલીસ સ્ટેશનના પી.આઈ. એન. કે. ગોસ્વામીએ ખુબ સરાહનીય રીતે અને શાંતિપૂર્વક સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.
પી.આઈ. એન. કે ગોસ્વામીએ મુસ્લિમ બિરાદરોના ટોળાને સમજાવતા કહ્યું હતું કે, હું આ ભાષણને જાહેરમાં વખોડું છું અને કાયદેસરની કાર્યવાહીની બાહેંધરી આપું છું. તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમ આગેવાનો દ્વારા વકિલોની સલાહ લઈ ફરિયાદ આપવાનું નક્કી કર્યું છે. તે ફરિયાદ મળતા જ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મારા દ્વારા ક્યારેય પક્ષપાત પૂર્વક કાર્ય કરવામાં નથી આવતું જેનાથી તમે સૌ કોઈ વાકેફ છો. તો આ મામલે પણ કોઈ પક્ષપાત નહીં થાય અને કાયદેસરની કાર્યવાહી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરજમાં દેશની સર્વોચ્ય અદાલતે હેટ સ્પિચ મામલાની સુનાવણી કરતા કહ્યું હતું કે, રાજ્ય નપુંસક અને શક્તિહિન છે, કેમ રાજ્યો હેટ સ્પિચને અટકાવવા કોઈ મિકેનિઝમ નથી વિકસાવતું? ઉપરાંત વાત કરીએ હિંસાની તો રામનવમીના તહેવારની આગલી રાત્રિના જ મહારાષ્ટ્રના ઓરંગાબાદ (નવું નામ છત્રપતિ શિવાજીનગર)ના કિરાડપુરા વિસ્તારમાં પણ દંગા થયા હતા. તેમજ રામનવમીના દિવસે ગુજરાતના વડોદરા ખાતે પણ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ત્યારે હેટસ્પિચ મામલે સરકારો કડક હાથે કામ લે તે જરૂરી બનતું જણાય છે. અન્યથા હેટ સ્પિચના કારણે દેશમાં અરાજકતાનો માહોલ સર્જાય તેવી ભિતી સર્જાઈ શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








