Tuesday, July 21, 2026
HomeGujaratઅમદાવાદ સિવિલમાં દાખલ ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, આરોગ્ય તંત્રને મોટી રાહત

અમદાવાદ સિવિલમાં દાખલ ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, આરોગ્ય તંત્રને મોટી રાહત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતના આરોગ્ય વિભાગ અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કૉંગોથી વડોદરા આવેલા અને ઈબોલાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી હતી અને નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી હતી. રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્ર સાથે ક્વોરન્ટાઇન કરાયેલા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

મહત્વનું છે કે બુધવારે ભારત પ્રવાસે આવેલા મૂળ આફ્રિકન દેશ કૉંગોના 37 વર્ષીય યુવકને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવક બિઝનેસ ટૂર પર ભારતમાં આવ્યો હતો. મુંબઈમાં રોકાયા બાદ તે સેલવાસ અને દમણ થઈ વડોદરાની એક કંપનીની મુલાકાતે આવ્યો હતો. દરમિયાન રાત્રે તેને તાવ આવતાં કંપનીનો સ્ટાફ તેને વારસિયા રિંગરોડ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી જાણ્યા બાદ તબીબોએ સાવચેતીના ભાગરૂપે તેને ક્વોરન્ટાઇન કર્યો હતો.

- Advertisement -

હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમની પાસે ઈબોલાની સારવાર માટે જરૂરી સુવિધા અને માન્યતા ન હોવાથી તાત્કાલિક કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દર્દીને વધુ તપાસ અને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. યુવકના સંપર્કમાં આવેલા એક ડોક્ટર અને તેના બે મિત્રો સહિત કુલ ત્રણ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કૉંગોમાં જીવલેણ ઈબોલા વાયરસનો પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં આ દેશોમાંથી અમદાવાદ આવેલા અંદાજે 11 જેટલા મુસાફરોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ વખતે ફેલાઈ રહેલો ઈબોલાનો ‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ અત્યંત દુર્લભ અને ખતરનાક માનવામાં આવે છે. આ સ્ટ્રેન માટે હાલમાં કોઈ ચોક્કસ વેક્સિન અથવા સારવાર ઉપલબ્ધ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મતે આ સ્ટ્રેનમાં મૃત્યુદર 30 થી 50 ટકા સુધી હોઈ શકે છે. આ વાયરસ સૌપ્રથમ 2007માં યુગાન્ડાના બુંડીબુગ્યો વિસ્તારમાં જોવા મળ્યો હતો.

- Advertisement -

આ ચેપ મે 2026માં કૉંગોના ઈતુરી પ્રાંતમાંથી શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તાર લાંબા સમયથી હિંસા અને સંઘર્ષથી પ્રભાવિત છે. મોટી સંખ્યામાં વિસ્થાપિત લોકો અને સોનાની ખાણોમાં કામ કરતા મજૂરોના કારણે લોકોની સતત અવરજવર રહેતી હોવાથી વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે તે નોર્થ કિવુ અને સાઉથ કિવુ પ્રાંત સુધી પહોંચી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભારત સરકારે પણ આ ખતરાને ધ્યાનમાં રાખીને કડક ગાઈડલાઈન જાહેર કરી છે. કૉંગો અને યુગાન્ડાથી આવતી ફ્લાઈટ્સ માટે કોવિડ જેવા જ પ્રોટોકોલ લાગુ કરાયા છે. એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ, શંકાસ્પદ મુસાફરોને અલગ બેસાડવાની વ્યવસ્થા અને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સરકારે નાગરિકોને આગામી સૂચના સુધી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કૉંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા ટાળવાની સલાહ આપી છે.

ઈબોલા વાયરસ સૌપ્રથમ 1976માં આફ્રિકામાં જોવા મળ્યો હતો. આ વાયરસ સંક્રમિત વ્યક્તિના લોહી, શારીરિક પ્રવાહી, કપડાં, પથારી અને તબીબી સાધનોના સંપર્કથી ફેલાય છે. ચામાચીડિયા, ચિમ્પાન્ઝી, ગોરિલા અને વાંદરા જેવા સંક્રમિત પ્રાણીઓથી પણ તે મનુષ્યોમાં ફેલાઈ શકે છે.

- Advertisement -

ઈબોલાના શરૂઆતના લક્ષણોમાં તાવ, નબળાઈ અને શરીરમાં દુખાવો સામેલ હોય છે. ગંભીર સ્થિતિમાં ઉલ્ટી, ડાયરિયા અને શરીરમાંથી લોહી વહેવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તબીબોના જણાવ્યા મુજબ શરૂઆતના લક્ષણો મેલેરિયા જેવા સામાન્ય રોગ જેવા લાગતાં હોવાથી સમયસર ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular