નવજીવન. નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. જ્યારે પત્રકારોએ તેમને તેમના જેલમાં બંધ પુત્ર આશિષ મિશ્રા વિશે સવાલ કર્યો ત્યારે કેન્દ્રીય મંત્રીએ ગુસ્સા પર કાબુ ગુમાવ્યો હતો. મંત્રીએ ત્યાં હાજર પત્રકારોના માઇક પકડ્યા હતા અને તેમને ગાળો આપી હતી અને તેમને ચોર કહ્યા હતા.
મંત્રી ઉત્તર પ્રદેશના લખીમપુર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરી રહ્યા હતા. જ્યારે એક પત્રકારને તેમના પુત્ર આશિષ મિશ્રા સામેના નવા આરોપો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બૂમ પાડી, “આવા મુર્ખામી ભર્યા પ્રશ્નો ન પૂછો. મગજ ખરાબ છે કે શું?” સમગ્ર ઘટનાના વિડીયોમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી મિશ્રા બીજા પત્રકારનું માઇક છીનવી લેતા જોવા મળે છે.
જેલમાં બંધ પુત્ર વિશે પૂછવામાં આવતા કેન્દ્રીય મંત્રીને આવ્યો ગુસ્સો, પત્રકારોનું માઈક લઈને તેમને ગાળો આપી#UttarPradesh #lakhimpurkheri pic.twitter.com/cMVQ8V6Fk7
— Deval Jadav (@Luvjadav) December 15, 2021
3 ઓક્ટોબરે લખીમપુરના તિકુનિયામાં હિંસામાં 8 લોકો માર્યા ગયા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુએ ખેડૂતો પર પોતાની જીપ ચઢાવી હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ આશિષના ડ્રાઇવર સહિત ચાર લોકોની હત્યા કરી હતી. આ કેસમાં 14 લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે. અજય મિશ્રા ૨૦૧૨ ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર નિગાસાન બેઠક પરથી જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. જોકે ત્યારે સપા ની સરકાર બની હતી.








