પ્રશાંત દયાળ (નવજીવન અમદાવાદ):સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત એટીએસએ કોસ્ટ ગાર્ડની મદદથી ભારતીય જળ સીમામાંથી પસાર થઈ રહેલી એક બોટને આંતરી 300 કરોડ રૂપિયાના હેરોઈનના જથ્થા સાથે સાત ઈરાની નાગરિકોની ધરપકડ કરી હતી. આ હેરોઈન પકડવાના કેસમાં ભારત સરકારના નિયમ અનુસાર ગુજરાત એટીએસને કુલ 88 લાખ રૂપિયાની રકમ ઈનામ પેટે આપવામાં આવી છે. આ 88 લાખ પૈકી 65 લાખ રૂપિયા બાતમીદારને રોકડમાં જ ચુકવવામાં આવ્યા છે.
ગુજરાત એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજિયાને પોતાના સંપર્ક સૂત્રોમાંથી જાણકારી મળી હતી કે, ઈરાનથી એક ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ નીકળ્યું છે જે ગુજરાતની જળ સીમામાંથી પસાર થઈ શ્રીલંકા જવાનું છે. ડીવાયએસપી રોજિયાએ પોતાના સીનીયર અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરી કોસ્ટ ગાર્ડની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો. મધદરિયે ઓપરેશન પાર પાડવાનું હોવાથી કોસ્ટગાર્ડની મદદ લેવી જરૂરી હતી.
ઈરાનથી નીકળેલી બોટમાં રહેલા માણસો સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. ડ્રગ કન્સાઈન્મેન્ટ લઈ નીકળેલી આ બોટ ગુજરાતની જળસીમામાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેમને સૂચના મળી કે, કન્સાઈન્મેન્ટ શ્રીલંકા નહીં પણ પંજાબ પહોંચાડવાનું છે. જોકે ડીવાયએસપી ભાવેશ રોજિયા અને કોસ્ટ ગાર્ડની ટીમ દરિયામાં સર્વેલન્સ રાખી રહી હતી ત્યારે આ ઈરાની બોટ તેમના ધ્યાને આવી જતા તેમને આંતરી કીનારે લાવવામાં આવ્યા હતા. બોટની તલાસી લેતા તેમાંથી 300 કરોડ રૂપિયાનું હેરોઈન મળી આવ્યું હતું. આ હેરોઈનની ફોરેન્સીક તપાસ થતાં તેની ગુણવત્તા 80 ટકા કરતાં વધારે હતી.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ હેરોઈનના જથ્થા અને તેની ગુણવત્તાના આધારે ઈનામની રકમ 88 લાખ રૂપિયા નક્કી કરી હતી. જે પૈકી 65 લાખ રૂપિયા આ કન્સાઈન્મેન્ટની બાતમી આપનાર બાતમીદારને તેની સલામતીને ધ્યાનમાં રાખી રોકડમાં ચુકવ્યા હતા. આ ઓપરેશન પાર પાડનાર ડીવાયએસપી ભાવેશ રોજિયાને રૂપિયા 2 લાખ ઈનામ પેટે મળ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









