નવજીવન અમદાવાદઃ ભાષાની શાલીનતા એક અલગ જ વિષય છે, પણ છેલ્લા બે દાયકાથી રાજકારણ અને રાજકારણીઓનું સ્તર જે રીતે નીચે જઈ રહ્યું છે તે રીતે કોઈ રાજનેતા પાસે શાલીન ભાષાની અપેક્ષા રાખવી અતિશ્યોક્તિ લાગે તેવું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પોતાના પદગ્રહણ સમારોહ વખતે શક્તિ પ્રદર્શન કરાયું હતું. છેલ્લા બે દસકમાં પ્રદેશ કોંગ્રેસ ખાતે આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉમટ્યા હોય તેવું બન્યું નથી. પદગ્રહણ સમારોહના પહેલા જ દિવસે જગદીશ ઠાકોરે ગુજરાત કોંગ્રેસમાં વિવાદ નથી તેવો દાવો કરવો પડ્યો તે જ દર્શાવે છે કે દાવો કેટલો પોકળ છે. મંચ ઉપર ભલે સાથે હોય પણ મન કેટલા છેટા છે તેની કોંગ્રેસીઓને ખબર છે. પહેલા જ દિવસના ભાષણમાં ભાજપની જ સ્ટાઈલમાં જગદીશ ઠાકોર બરાડા પાડીને બોલતા હતા. લાંબા સમય પછી ભાજપને તેની જ ભાષામાં જવાબ આપનાર કોંગ્રેસી નેતા મળ્યો છે. બેરોજગાર અને ખેડૂતોના મુદ્દે દાવો કરનાર જગદીશ ઠાકોર સત્તા મળ્યા પછી અમિત શાહની સ્ટાઈલમાં કહી શકે છે કે આ તો એક ચૂંટણી જુમલો હતો. પોતાની સભાના ભાષણમાં જગદીશ ઠાકોર અનેક વખતે પ્રમાણભાન પણ ભૂલ્યા હતા, જોકે રાજકારણી પાસે પ્રમાણભાનની અપેક્ષા પણ રખાય નહીં.
અમદાવાદના પાલડી ખાતે આવેલા કોંગ્રેસના કાર્યાલય પર આજે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની હાજરી જોવા મળી હતી. અહીં કોંગ્રેસના નવનિયુક્ત જગદીશ ઠાકોરના પદગ્રહણનો સમારંભ હતો. આ સમારંભમાં, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પ્રભારી રઘુ શર્મા, નવ નિયુક્ત વિધાનસભાના નેતા સુખરામ રાઠવા, હાર્દિક પટેલ, શૈલેષ પરમાર, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જયરાજસિંહ પરમાર, અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન તેઓ બેરોજગાર યુવાનો સંદર્ભે વાત કરતાં હતા ત્યારે કેટલાક અયોગ્ય શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસે મને જવાબદારી સોંપી છે. તેમણે આ ઉપરાંત ખાસ એ વાત પર ભાર મુક્યો હતો કે તેઓ ગુજરાતી છે. તેમણે કહ્યું કે, મને ગૌરવ છે, હું ગુજરાતી અને કોંગ્રેસી છું. કોંગ્રેસની વિચારધારાને વરેલો છું. કોંગ્રેસમાં એકતા છે, વિજય રૂપાણીની સરકાર બદલાઈ છે અને તેમાંથી ડ્રોપ થયેલાઓ ભેગા થયા હોય એનો ફોટો તો બતાવો. અમે પાંચ પાંડવોવાળા છીએ 100 કૌરવોવાળા નથી. ખેડૂતો અને 50 લાખ બેરોજગાર પ્રાયોરિટી છે. કોંગ્રેસની સરકાર લાવો અને પહેલી કેબિનેટમાં જ લીલીપેનથી સહી કરી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે.
તેમણે આ વખતે ભાજપ પ્રમુખ સી આર પાટીલ પર નામ લીધા વગર કટાક્ષ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, 2022નો રોડ મેપ તૈયાર છે. નાના મોટા ફેરફાર કરવાના હતા એ કર્યા છે. અમિતભાઇ, ભરતસિંહ, દીપકભાઈ, શૈલેષભાઇ અને ગ્યાસુભાઈ, સિદ્ધાર્થભાઇ સામે એકપણ કેસ નથી અને એમણે 108 કેસવાળો બનાવ્યો. એમને કહે કાયદો વ્યવસ્થા રાખો નહીં રાખો તો મજા નહીં રહે. ભાજપવાળાને કહું છું, તમને એક માઈનો લાલ સારો ન મળ્યો તો 108 કેસવાળો મળ્યો. ચૂંટણી વહેલી આવી જાય તો પણ તૈયાર જ છીએ. અમે ચૂંટણીથી નથી ગભરાતા. તમે લિસ્ટ બનાવો કે આનું પૂરું કરવું છે આવાનું ગુજરાતની જનતાએ પૂરું કરવાનું છે. પદ આજે છે અને કાલે નથી. અમારે ત્યાં પદ બદલવાની પરંપરા પારિવારિક છે. તમારા ત્યાં કિન્નખોરી અને જો હુકમી છે. અમારા ત્યાં લોકશાહી છે કે ખબરદાર હરેન પંડ્યાના લાકડે ગયા તો ખેર નથી. નાની મોટી ભૂલો અમારાથી થઈ છે. હું અહીં જ ઉભો રહીશ. ગામે ગામ પદયાત્રા કરો. કેશુભાઈની પત્નીના બેસણામાં ગયા તો ભાજપના લોકો યાદી બનાવે છે.








