અનીલ ચાવડા (અમદાવાદ): અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા નવજીવન ટ્રસ્ટમાં દર અઠવાડિયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ગયા રવિવારે તારીખ 5 ડિસેમ્બરના રોજ ગુજરાતના લોકપ્રિય RJ ધ્વનિતની કેફિયત રાખવામાં આવી હતી.
અમદાવાદની સવારનો પોતાનો અવાજ, સિટીનું બોલતું ન્યૂઝ પેપર, RJ, અભિનેતા, ગાયક, લેખક અને સામાજિક કાર્યકર ધ્વનિતે પોતાની કારકિર્દીના અનેક ઉતાર-ચડાવ વિશે વિગતે વાતો કરી હતી. બાળપણ, ઉછેર, રેડિયો સાથેનું જોડાણ, એલઆઈસીના ક્લાર્કમાંથી કઈ રીતે રેડિયો જોકીના સ્થાન સુધી પહોંચ્યાં તેની રસપ્રદ વાત અને આરજે બન્યા પછી થયેલા અનેક અનુભવોનો રસથાળ તેમણે પીરસ્યો હતો.
RJ તરીકે લગભગ અઢારેક વર્ષ સુધી કામ કરીને, અઢળક લોકચાહના મેળવીને, કારકિર્દીના શિખર પર પહોંચીને અચાનક જ RJ તરીકેની કારકિર્દીને અલવિદા કહી દેનાર ધ્વનિતના આ નિર્ણય વિશે જાણવાની ઘણાને ઇચ્છા હતી. તેમનું ફેન ફોલોઇંગ ખાસ્સું છે. આથી સમય પહેલા જ હોલ છલોછલ થઈ ગયો હતો. તેમને સાંભળવા ઘણા પત્રકારો, કવિઓ, લેખકો પણ હતા.
ક્લાર્ક તરીકે નોકરી કરતા એક દિવસ તેઓ શાહરૂખ અભિનિત ફિલ્મ ‘દેવદાસ’ જોવા ગયા હતા અને ત્યાં આરજે થવા માટેની ઊજળી તક એવું કશુંક બોર્ડ લાગેલું તેમણે જોયું. સાથે બિલાડીને મરચીની મૂછો લગાડેલી હતી. આ જોઈને તેમને નવાઈ લાગી અને પૂછપરછ કરી. આરજે એટલું શું એની પણ તેમને ખબર નહોતી પણ પરિવારમાં સાહિત્ય અને સંગીતનું વાતાવરણ હતું, આના લીધે તેમને ઘણી મદદ મળી રહી. તેમણે કહ્યું કે, મને ખબર જ નહોતી કે મને રેડિયોમાં આટલી ખબર પડે છે. પણ ધીરે ધીરે સમજાતું ગયું. તેનું કારણ મારા ઘરમાં જ હતું. મારા દાદા ત્રણ ત્રણ રેડિયો રાખતા હતા. એક બાથરૂમમાં, બીજો પોતાના રૂમમાં અને ત્રીજો ચાલવા જતી વખતે. એ દરેક વખતે હું તેમને શાંતિથી સાંભળતો. તેમાંથી જે ગ્રહણ થયું તે બધું જ મને આરજે તરીકેની કારકિર્દીમાં ખૂબ મદદરૂપ થયું. જ્યારે હું ક્લાર્ક તરીકેની સેફ જોબ કરતો હતો, ત્યારે તે નોકરી છોડવી એ મારા માટે રિસ્ક હતું. પણ મારી મમ્મીએ મને હિંમત આપી. મને આ સાહસ કરવા પીઠબળ પૂરું પાડ્યું.
RJની કારકિર્દી દરમિયાન વૃક્ષ ઉછેરવા માટેનું કેમ્પિયન ચલાવ્યું. ઉનાળામાં લોકોને ઠંડું પાણી મળી રહે તે માટે આહવાન કર્યું તો સાથે સાથે દિવાળીમાં ઘણા લોકો પોતાને બિનઉપયોગી વસ્તુઓ ફેંકી દેતા હોય છે, ત્યારે અમુક જરૂરિયાદમંદો વસ્તુ વિના ટળવળતા હોય છે, આવા બંને વ્યક્તિત્વોને તેમણે જોડી આપ્યા. એકની બિનઉપયોગિતા બીજાને ઉપયોગી થઈ શકી તેમાં નિમિત્ત બન્યા. આ બધું જ થઈ શક્યું માત્ર આરજે હોવાને કારણે. પણ અચાનક તેમણે આ કારકિર્દીને અલવિદા કહી દીધી, આથી ઘણા લોકોને આવું કેમ કર્યું તે વિશે પ્રશ્ન પણ હતા.
ધ્વનિતે જણાવ્યું કે આજકાલ આપણી પર પુષ્કળ માહિતીનો મારો થાય છે. ટીવી, ન્યૂઝ, વેબસિરિઝ, ફિલ્મ વગેરે… આપણું નાનું મગજ આ બધું જ એકસાથે ગ્રહણ કરી શકતું નથી. વળી મને પોતાને પણ ક્યારેક એમ થતું હતું કે હું આવી માહિતીના મારામાં વધારો કરું છું. આ ગિલ્ટ પણ જવાબદાર હતું. હું પોતે પણ હવે રેડિયો સાંભળી શકતો નહોતો. જેમાં મન ન લાગે તે વધારે ન કરવું તે હું જાતે શીખ્યો. મને લાગે છે કે ક્યાં અટકવું એ આપણે શીખી જવું જોઈએ. આટલા અઢાર વર્ષમાં મને આપ સહુએ પુષ્કળ પ્રેમ આપ્યો છે, તે હરહંમેશ મારી સાથે રહેશે.
ઘણાએ પૂછ્યું, તો આરજે તરીકેનું સ્થાન છોડ્યા પછી હવે શું? ત્યારે તેમણે કહ્યું કે, હવે હું અંદરની યાત્રા કરવા માગું છું. મારી અંદર વધારે સારી રીતે ડોકિયું કરવા માગું છું. સોશ્યલ મીડિયા અને આ રીતે જાહેર કાર્યક્રમોમાં પ્રત્યક્ષ મળતો રહીશ અને બને ત્યાં સુધી કશાક સેવાનાં કામો કરવાનો ઇરાદો છે, તેવું તેમણે જણાવ્યું હતું.
લોકોએ તેમને સતત દોઢેક કલાક સુધી નિરાંતે સાંભળ્યા હતા. તેમની આગળની સફર પણ સફળ રહે તેવી નવજીવન ટ્રસ્ટ તેમને શુભકામનાઓ પાઠવે છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.