નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને ગોળી મારી દેવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. જયારે તેમણે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં સભાને સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન શિન્ઝો આબે અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. હજુ સુધી તેમની સ્થિતિ અંગે કોઈ માહિતી સામે આવી નથી.
આ હુમલો નારા શહેરમાં થયો હતો. શિન્ઝો આબે સભાને સંબોધન કરી રહ્યા હતા તે સમયે સ્થળ પર ગોળીબાર થયાનો અવાજ સંભળાયો હતો અને આબેના શરીરમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતુ. ગોળી કોણે ચલાવી અને કેમ ચલાવી તે પણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. શિન્ઝો આબેને છાતીના ભાગમાં ગોળી વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જો કે સભા દરમિયાન અચાનક જ ઢળી પડતાં લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા, પરંતુ કેટલાક લોકોને ગોળી ચલાવવાનો અવાજ સંભળાયો હતો. પોલીસે હાલ એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે.
શિન્ઝો આબે ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના પણ ખાસ મિત્ર છે. તેઓ એકબીજાને ઘણા પ્રસંગોમાં યાદ કરી ચૂક્યા છે. વર્ષ 2020માં શિન્ઝો આબેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જો કે તેમની તબિયત ખરાબ હોવાને કારણે રાજીનામું આપ્યું હતું. શિન્ઝો આબે ઘણા સમયથી બીમાર હતા.








