નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેરમાં 24 કલાકમાં હત્યાના બે બનાવો (Two murders in Ahmedabad) બનતા શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે. જુહાપુરાની આયશા મસ્જિદ પાસે ત્રણ શખસોએ બે મિત્રો પર છરી વડે હુમલો કરતા એકનું મોત નિપજ્યું છે. મૃતક અને આરોપી વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા (Posting Story on Instagram) બાબતે થયેલી બબાલની અદાવત આ ઘટના પાછલ કારણભૂત છે. હુમલામાં મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. જે હાલ સારવાર હેઠળ છે. વેજલપુર પોલીસે (Vejalpur Police) મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી છે.
જુહાપુરામાં રહેતા મોહમંદ સાલિક શેખને સ્થાનિક રેહાન પઠાણ સાથે રમઝાન સમયથી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે તકરાર ચાલતી હતી. સાલિકે સોશિયલ મીડિયા પર મૂકેલી એક સ્ટોરીની અદાવત રાખી રેહાન પઠાણે તેને વાત કરવા માટે ગત રાત્રિના આયશા મસ્જિદ પાસે બોલાવ્યો હતો. સાલિક જ્યારે તેના મિત્ર કાસિબ સૈયદ સાથે મસ્જિદ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં રેહાન પઠાણ તેના સાગરીતો ફૈઝલ પઠાણ અને ફૈઝાન પઠાણ સાથે હાજર હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી પર પહોંચ્યો હતો. આ દરમિયાન રેહાને ઉશ્કેરાઈને સાલિકને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આરોપીઓએ કાસિબને પણ છરી મારી પથ્થરમારો કર્યો હતો. દરમિયાનમાં લોકોના ટોળા એકઠા થતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.








