નવજીવન ન્યૂઝ. અરવલ્લી: અરવલ્લી જિલ્લાના અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક શિક્ષક દારૂના નશામાં વર્ગખંડમાં આવી ખુરશી પર ઢળી પડ્યો હતો. આ ઘટનાએ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.
મળતી માહિતી મુજબ, અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક યશવંત મોહનભાઈ કડિયા નશાની હાલતમાં શાળામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. બાળકોને ભણાવવાને બદલે તેઓ વર્ગખંડમાં ખુરશી પર બેસી નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યા હોવાના વીડિયો અને તસવીરો ફરતી થઈ હતી. શિક્ષકની હાલત એટલી બગડેલી હતી કે પોલીસ પહોંચ્યા બાદ પણ તેઓ સ્વસ્થ રીતે ઊભા રહી શકતા નહોતા.
ઘટનાની જાણ થતાં શાળા સ્ટાફ અને ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી શિક્ષકને કાબૂમાં લઈ અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વાલીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જે શિક્ષક બાળકોના ભવિષ્યને ઘડવાનું કામ કરે છે, તે જ જો નશાની હાલતમાં ફરજ બજાવે તો વિદ્યાર્થીઓ પર તેની શું અસર પડશે? ગ્રામજનોએ આ શિક્ષક સામે કડક પગલાં લઈ તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
હાલ શિક્ષણ વિભાગે આ મામલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા છે. જવાબદાર શિક્ષક સામે સસ્પેન્શન સહિત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.








