નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતના આર્થિક પાટનગર તરીકે ઓળખાતા અમદાવાદ શહેરે (Ahmedabad City) છેલ્લા એક દાયકાથી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અમદાવાદ ભવ્ય બાંધકામો અને મેટ્રો રેલ થકી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરંતુ વિકાસના પડદા પાછળ માનવજાતના નિકંદનનો તખ્તો ઘડાઈ રહ્યો છે જે આપણે જાણતા નથી અથવા જાણવાની તસ્દી લેતા નથી. વિકાસના આ કામોની પાછળ બેફામ રીતે વન અને પર્યાવરણ (Environment)ની ઘોર ખોદાઈ રહી છે. સરકાર અને તંત્ર પાસે કાયદાઓ હોવા છતાં સૌ મૌન પાળીને આ પર્યાવરણની મૈયતને જોતા રહે છે અને કાર્યવાહી નહીં કરી ભયંકર ગુનાના જવાબદાર બની રહ્યા છે. પરંતુ આ બાબતે લોકોમાં જાગૃતિ અને ગંભીરતા ન હોવાથી સૌ કોઈ વૃક્ષ છેદનને સહજતાથી લઈ રહ્યા છે. પરંતુ આ ગંભીર ગુનો છે અને જેના માટે આપણી આવનારી પેઢી સમાજ, સરકાર અને તંત્ર તમામને જવાબદાર ઠેરવે તો તેમાં અતિશયોક્તિ પણ ન જણાવી જોઈએ.
વૃક્ષોને લઈ લોકોમાં કેટલાક ભ્રમ પણ છે
પર્યાવરણનું નિકંદન (Environmental Damage) કાઢવામાં આમ તો લગભગ તમામ વિસ્તારો મોખરે થવાની હોડમાં છે. ત્યારે આ તમામ કારણોના કેન્દ્રમાં શહેરીકરણ અને વિકાસની આંધળી દોટ માત્ર જવાબદાર છે. આ બાબતે શહેરોના પર્યાવરણ અને અર્બન ફોરેસ્ટના અભ્યાસાર્થે આ અહેવાલ તૈયાર કરવાની મથામણમાં કેટલાક તજજ્ઞોને મળવાનું થયું. જેના કારણે લોકોના કેટલાક વૃક્ષો પ્રત્યેના ભ્રમ દૂર થવા સાથે કેટલીક ખતરનાક પ્રજાતિના વૃક્ષોની પણ જાણકારી મળી.
શહેરનો ગ્રીન કવર એરિયા ઘટી રહ્યો છે
નવજીવન ન્યૂઝે અહેવાલની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં વાવવામાં આવેલા વૃક્ષોનો આંકડો મેળવવાની મથામણ કરી, ત્યારે અમને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શરૂ કરાયેલા મિશન મિલિયન ટ્રી (Mission Million Tree) અભિયાનની જાણ થઈ. આ અભિયાન વિશે અભ્યાસ કરતાં જે આંકડાઓ સામે આવ્યા તે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 56.68 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. પરંતુ લોકસભામાં તાજેતરમાં જ રજૂ થયેલા આંકડા તેનાથી વિપરીત હોય તેમ જણાય છે. લોકસભા (Loksabha)માં રજૂ કરાયેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં 8.55% ગ્રીન કવર એરિયા (Green Cover Area) ઓછો થયો છે.

તજજ્ઞોએ આપી ચોંકવાનારી માહિતી
વૃક્ષો કાપવાના પરિણામો ખુબ ગંભીર છે, તેની સીધી અસર નાગરિકોના આરોગ્ય, પર્યાવરણ અને અર્થવ્યવસ્થા પર થઈ રહી છે. પરંતુ અહિં સવાલ એ થાય છે કે, એટલા મોટા પ્રમાણમાં વૃક્ષો કેમ કપાઇ રહ્યા છે? આવા અન્ય મુંઝવતા સવાલોના જવાબ મેળવવા માટે નવજીવન ન્યૂઝની ટીમના (કલ્પેશ ચાવડા, ધવલ પટેલ અને ભાર્ગવ મકવાણા) દ્વારા અમદાવાદ શહેરના વિવિધ પર્યાવરણ તજજ્ઞોનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમના દ્વારા કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.
શહેરમાં વૃક્ષ ઘટવા પાછળ કોણ જવાબદાર?

આ આંકડાઓ દ્વારા અમદાવાદની પર્યાવરણની પરિસ્થિતીનો ખ્યાલ સ્પષ્ટ ન થયો, આંકડાઓએ ઉલ્ટાનાં વિષયને વધુ ગૂંચવણ ભર્યો બનાવી દીધો. તેથી સાચી પરિસ્થિતિ વિશે જાણવા અને ઊંડાણથી સમજવા માટે અમારી ટીમે અમદાવાદના એક પ્રખ્યાત પર્યાવરણવિદ્દનો સંપર્ક કર્યો. તે પોતાનું નામ ન આપવાની શરતે અમને જણાવે છે કે, ‘શહેરમાં વૃક્ષો કપાવા પાછળ મુખ્ય જવાબદાર બિલ્ડર લોબી (Builders Responsible For Tree Cutting) છે, કારણ કે, જ્યારે કોઈ નવું બાંધકામ કરવાનું હોય ત્યારે સરકારી નિયમ પ્રમાણે વૃક્ષો વાવવાના હોય છે, પરંતુ મોટા ભાગના બિલ્ડરો વૃક્ષો વાવતા નથી અને દંડની રકમ ભરી દે છે. કેટલાક બિલ્ડરો એવા વૃક્ષો વાવી દે છે જે ખુબ ઝડપી ઉછરે છે અને આ વૃક્ષો કોઈ પણ કામમાં આવતા નથી.’
આ વૃક્ષ વાવવા પાપ કરવા જેવું કામ!
આ પ્રકારના વૃક્ષોની તપાસ કરતા જણાય છે કે, આ કોનોકાર્પસ નામના વૃક્ષો (Conocarpus Tree) છે જે ખુબ ઝડપી મોટા થાય છે અને તેના મુળ જમીનમાં એ રીતે પ્રસરે છે કે તેની આસપાસ અન્ય કોઈ પણ વૃક્ષ ઉછરી શકતું નથી. સાથે જ કેટલાક અહેવાલો મુજબ કોનોકાર્પસના કારણે મનુષ્યના સ્વાસ્થને પણ વિપરીત અસર થાય છે. જેના કારણે કેટલાય સ્થળો પર કોનોકાર્પસ વૃક્ષો ઉગાડવા પર જ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
AMCના મિશન મિલિયન ટ્રીની હકિકત

આ બાબતે વધું વૈજ્ઞાનિક ઢબે માહિતી એકત્રિત કરવા અને આંકડાઓ મેળવવા માટે પર્યાવરણવિદ્દો અને બોટાનિસ્ટોની મુલાકાત લઈ જાણકારી એકત્રિત કરતા ચોંકાવનારી માહિતીઓ સામે આવી હતી. જેમાં જાણીતા પર્યાવરણવિદ્દ અને પર્યાવરણ મિત્રના મહેશ પંડ્યાને અમદાવાદના પર્યાવરણ અને અર્બન ફોરેસ્ટ વિશે પુછતાં તેઓ જણાવે છે કે અમદાવાદમાં વૃક્ષો કપાવાથી અહીંનુ પર્યાવરણ ખુબ જ નાજુક પરીસ્થિતિએ પહોંચ્યું છે, તેઓ વૃક્ષો કપાવા પાછળ મુખ્ય જવાબદાર રાજ્ય સરકાર અને AMC (અમદાવાદ મહાનગરપાલિકા)ને માને છે. કારણ કે AMCના જણાવ્યા પ્રમાણે વર્ષ 2021-2022માં તેમણે શહેરમાં 10 લાખ છોડ રોપ્યા છે. પરંતુ છોડ ઉછર્યા છે કે નહીં તેની કોઈ તકેદારી લીધી હોય તેવું જાણવા મળતું નથી.
બિલ્ડરો આડકતરી રીતે દુર્દશા માટે જવાબદાર: મહેશ પંડ્યા

મહેશ પંડ્યા આગળ જણાવે છે કે, ‘બિલ્ડરો પણ પર્યાવરણની દુર્દશા માટે એટલા જ જવાબદાર છે પરંતુ સીધી રીતે નહીં . સીધી રીતે તો AMC અને AUDA (Ahmedabad Urban Development Authority) જ જવાબદાર છે કારણ કે નિયમો અને નિયમોના પાલન કરાવવાની જવાબદારી સીધી રીતે તેમની જ હોય છે. તેઓ એક નિયમ વિશે માહિતી આપતા જણાવે છે કે, 1 વૃક્ષ કાપવા સામે 10 વૃક્ષો વાવવા પડે પણ અમદાવાદમાં એ નિયમનું પાલન નહીં થતા અમદાવાદનું અર્બન ફોરેસ્ટ (Urban Forest Ahmedabad) ખુબ ઘટ્યું છે. આ આંકડાઓમાં સતત ચિંતાજનક રીતે ઘટાડો નોંધાયો છે જે ખરેખર આગામી પેઢી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.’
વિકાસ પર્યાવરણને કરી રહ્યો છે નુકશાન: મુકેશ આચાર્ય

દરમિયાન અમે અમદાવાદના જ પર્યાવરણમાં ઉછરેલા, પર્યાવરણના જાણકાર અને જાણીતા વન્યજીવોના ફોટોગ્રાફર મુકેશ આચાર્યને મળ્યા. મુલાકાતમાં તેમણે જણાવ્યું કે, ‘લોકો પર્યાવરણ માટે જાગૃત નથી એ વાત તદ્દન ખોટી છે, લોકોને સારી રીતે ખબર પડે છે કે કેટલા ઝાડ કપાય છે અને પર્યાવરણ કેટલું દૂષિત થયું છે. પરંતુ લોકો તેના વિરોધની પહેલ કોણ કરે તેની રાહમાં બેઠા છે. આપણે બધાને વિકાસ તો કરવો જ છે, મેટ્રો રેલ અને BRTS બસ પણ જોઈએ જ છે તો આ બધાથી પર્યાવરણને નુકશાન તો થવાનું જ છે. પરંતુ જ્યાં સુધી સારું પર્યાવરણએ ચુંટણીનો મુદ્દો નહિં બને ત્યાર સુધી આવું થતુ જ રહેવાનું છે.’ તેમણે એમ પણ જણાવ્યું કે, ‘ઘણા લોકોને એવો ડર હોય છે કે ઘરની આગળ વૃક્ષો વાવવાથી ઘરને નુકશાન થશે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે, વૃક્ષો મકાનને નુકશાન નથી પહોંચાડતા. માત્ર વડ જેવા મહાકાય વૃક્ષો જ અમુક અંશે બાંધકામને નુકશાન કરી શકે છે પરંતુ તે માટે પણ વર્ષોનો લાંબો ગાળો લાગે.’
AMC આંકડાની સમીક્ષા જ નથી કરતી!

ગ્રીન કવર ઓછું થવાના કારણો જાણવા અમે અમદાવાદ શહેરના બગીચા ખાતાના ડિરેક્ટર જીજ્ઞેશ પટેલનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ અધિકારીએ અમને મળવા માટે ચાર દિવસ પછીનો સમય આપ્યો હતો. બની શકે કે અમદાવાદ શહેરની વધતી જતી પર્યાવરણીય મુશ્કેલીઓનું ‘આસમાની નિરાકરણ’ લાવવામાં વ્યસ્ત હોવાથી તેઓ અમને સમય ન આપી શક્યા હોય. આખરે ચાર દિવસ પછી કચેરીએ જતાં તેઓ કહે છે કે હું રૂબરૂ તમારી સાથે વાત નહી કરું, તમારા જે પ્રશ્નો છે તેના જવાબ વોટ્સઅપમાં મોકલી આપવામાં આવશે. શક્ય છે કે હવે તો દેશ ડિજીટલ થઈ રહ્યો છે અને ડિજીટલ યુગને પ્રોત્સાહન પુરુ પાડવા ‘કામગરા અધિકારી’ માહિતી વોટ્સએપથી મોકલવાની સુવિધા પુરી પાડી રહ્યા હોય. અથવા બની શકે કે જવાબમાં કંઈક શરમજનક આંકડાઓ છુપાયેલા હોય. પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં કામઢા અધિકારી જીજ્ઞેશ પટેલે અમારા સવાલોના જવાબ ડિજિટલ કે ફિઝિકલ કોઈ માધ્યમથી આપ્યા નથી. માટે ફરી તેમનો સંપર્ક કરતા તેઓએ વધુ સમયની માગણી કરી હતી. પરંતુ તેઓએ બાદમાં જવાબ આપ્યો હતો કે મહાનગરપાલિકા દ્વાર મિશન મિલિયન ટ્રી અંતર્ગત 10 લાખ વૃક્ષોનું વાવેતર કરે છે જેમાંથી 50 ટકા જેટલા ફૂલછોડ હોય છે જ્યારે અન્ય વૃક્ષો હોય છે. પરંતુ આ વૃક્ષોમાંથી કેટલા વૃક્ષોનો ઉછેર થઈ ગયો તેનો કોઈ ચોક્કસ આંકડો કે સમીક્ષા કરવામાં આવતી નથી.
AMCની આળસ પણ પર્યાવરણની દુર્દશા માટે જવાબદાર

મહાનગરપાલિકાના જવાબો પરથી સ્પષ્ટ જણાય છે કે તેઓ વૃક્ષોના વાવેતર માટે યોજનાઓ ઘડી કાઢે છે. પરંતુ આ યોજના હેઠળ થયેલા કામની સમીક્ષા કરી શકતા ન હોય મિશન ધૂળધાણી થઈ જતા હોય છે. પરંતુ ખરેખર જો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ કામગીરી કરવી હોય તો ચોક્કસ આંકડાઓના આધારે નક્કર કામગીરી કરવી જરૂરી છે. આ સ્થિતીમાં હાલ તો અમદાવાદ શહેરની હાલત પર્યાવરણને લઈ બદહાલ હોય તેમ જણાય છે.
પર્યાવરણ વૉટબેંક બને તે જરૂરી

પર્યાવરણની અને વૃક્ષોની દુર્દશા માત્ર અમદાવાદ શહેરની જ નથી. પરંતુ રાજ્ય સહિત દેશના અનેક શહેરોમાં આવી જ શરમજનક સ્થિતિ છે. આ ભયજન્ય પરિસ્થિતિને જવાબદાર ઠેરવતા લોકો કહે છે સરકાર કંઈ કરતી નથી. પરંતુ લોકો પોતે પણ કંઈ કરતા હોય તેવું જણાતું નથી, અને તે માટે તેઓ સરકારને પણ કંઈ કહી શકતા નથી. વળી લોકો પોતાના આંગણે વૃક્ષ ઉગાડવામાં સંકોચ અનુભવે છે અને વૃક્ષ છેદનને પણ અટકાવવા જાગૃત થતા નથી. જેના કારણે તંત્ર અને સરકાર પર કોઈ જાતનું પર્યાવરણ અને વૃક્ષો બચાવવાનું દબાણ સર્જાતું નથી. ટૂંકમાં કહીએ તો જ્યાં સુધી પર્યાવરણ એક વોટબેંક નહીં બને ત્યાં સુધી આ મામલે ખરેખર કાર્યવાહી થવી દિવાસ્વપ્ન સમાન છે.
નોંધ: નવજીવન ન્યૂઝની ટીમ સાથે મળી ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જેવા ગંભીર મુદ્દા પર આ અહેવાલ તૈયાર કરવાની સરાહનીય જહેમત ઉઠાવવામાં આવી છે.









