કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “લોકશાહીનો (democracy) સિદ્ધાંત એ છે કે એકાદ રાજા કે અમુક નાનો સમૂહ નહીં, પણ આખીયે પ્રજા પોતાનું ભાવિ ઘડે અને સમાજને લગતા નિર્ણયો લે. પોતાના ચૂંટેલા પ્રતિનિધિ મારફત દરેક નાગરિક સમાજના વહેવારમાં જવાબદારીભર્યો સહયોગ આપશે એવી કલ્પના કરવામાં આવી છે. આમ, સૈદ્ધાંતિક દૃષ્ટિએ એક સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
“પરંતુ વહેવારમાં આપણે જોઈએ છીએ કે આ વ્યવસ્થા આદર્શરૂપ પુરવાર થઈ નથી. સમાજમાં જ્યારે બેહદ અસમાનતા હોય ત્યારે વિશિષ્ટાધિકાર ભોગવતા વર્ગો એ વિશિષ્ટાધિકારોને વળગી રહેવા માગતા હોય છે, અને તેને માટે તેઓ બધું જ કરી છૂટે છે. સાર્વત્રિક મતાધિકાર આપવા છતાં આ સ્થિતિમાં ફરક પડતો નથી. યુરોપ-અમેરિકામાં લગભગ બધે સાર્વત્રિક મતાધિકાર હોવા છતાં ફ્રેંકલિન રૂઝવેલ્ટના શબ્દોમાં કહીએ તો દુનિયાના સૌથી વધુ ધનિક દેશ અમેરિકામાં જ ત્રીજા ભાગની વસ્તીને ‘પૂરતું ખાવાનું, પહેરવા-ઓઢવાનું ને રહેવાનું મળતું નથી.’
“સાર્વત્રિક મતાધિકાર આપવાથી નાગરિકો જવાબદાર, સક્રિય ને સ્વતંત્ર વ્યક્તિત્વવાળા બનશે એવી આશા પણ બર આવી નથી. આજે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે લોકશાહીની સમસ્યા હવે મતાધિકાર ઉપરના કશાયે પ્રતિબંધ કે અવરોધની નથી, આ મતાધિકારનો ઉપયોગ કઈ રીતે થાય છે તેની છે.”
આ વિચાર છે જર્મનીના ક્રાંતિકારી વિચારક એરિક ફ્રોમના (Erich Fromm). સમયના વહેણ વહ્યાં છે અને આપણે એવી સ્થાને પહોંચ્યા છે જ્યારે આપણે લોકશાહીનો ગર્વ લઈ શકીએ. દેશની વિવિધતાભરી સંસ્કૃતિ આપણી લોકશાહીને અદ્વિતીય બનાવે છે. આઝાદી પછીના સાડા સાત દાયકા પછી એવું ઠોસ રીતે કહી શકાય કે આ વ્યવસ્થા જવાબદેહી ધરાવે છે અને યોગ્ય શાસન તેના થકી મળે છે. વચ્ચે કટોકટી જેવા આંચકાઓ ઝીલીને પણ દેશમાં લોકશાહી ટકી છે. આવી અનેક દલીલો લોકશાહીના પક્ષે મૂકી શકાય. આમ છતાં લોકશાહી અને તે અર્થે થતી ચૂંટણીની પ્રક્રિયાનો મહિમામંડન નાગરિક તરીકે કરવામાં નાગરિકધર્મ ચૂકાય તેની ભીતિ રહે છે; ને તેના પરિણામે લોકશાહીનો રંગ ફીકો પડી શકે છે. એક સામાન્યજન તરીકે આ વ્યવસ્થાનો રંગ ફીકો પડે ત્યારે તેને પારખવાનું મુશ્કેલ બને છે; અને એટલે વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓ આ વિશે અભ્યાસ કરીને આપણી સમક્ષ મૂકે છે અને કહે છે કે, તમારા દેશમાં રાજ્યવ્યવસ્થાની આ સ્થિતિ છે. અમેરિકા સ્થિત નૉન પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન ‘ફ્રીડમ હાઉસ’ તેના તાજા અહેવાલમાં ભારતને ‘પાર્ટલી ફ્રી ડેમૉક્રેસી’ના ખાનામાં મૂકે છે. મતલબ કે ભારતમાં પૂર્ણ રીતે મુક્ત લોકશાહી નથી. એ રીતે સ્વીડનની ‘વિ-ડેમ’ ઇન્સ્ટિટ્યૂટ ભારતની લોકશાહીને ૧૭૯ દેશોમાં ૧૧૦મા સ્થાને મૂકે છે. ઇંગ્લૅન્ડ સ્થિત ‘ધી ઇકૉનૉમિસ્ટ’ અખબાર દ્વારા પ્રકાશિત થતી લોકશાહીની સૂચિમાં આપણા દેશની લોકશાહીને ‘ખામીયુક્ત’ ગણવામાં આવી છે. આ આંકડા આપણી લોકશાહીના ગર્વને બાજુએ મૂકવા માટે મજબૂર કરે છે અને જો લોકશાહીને તેના મૂલ્ય મુજબ ટકાવી રાખવી હોય તો તે પ્રત્યે સતત સભાન રહેવાની જવાબદારી આપણને આપે છે. અને એટલે લોકશાહીના મૂલ્યને દર્શાવતા અને હાલ દેશમાં લોકશાહીની સ્થિતિને તપાસવા જર્મનીના વિચારક એરિક ફ્રોમના વિચાર જાણવા જોઈએ. એરિકના વિચારોથી એટલું તો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે કે લોકશાહીના પ્રક્રિયાપણ કેવી રીતે લોકોનો અવાજ બુલંદી પર પહોચતો નથી.
એરિક ફ્રોમે તેમના પુસ્તક ‘The Sane Society’માં પોતાના આ વિચારો રજૂ કર્યા છે. આ પુસ્તક વિશ્વ પ્રવાહોના અચ્છા મર્મજ્ઞ કાંતિ શાહ દ્વારા ‘શાણો સમાજ’ નામે અનુવાદ થયો છે. ‘શાણો સમાજ’પુસ્તકમાં એવી અનેક બાબતો છે જે વર્તમાન સમાજના દ્વંદને બયાન કરે છે. હાલમાં દેશમાં ચૂંટણી ચાલી રહી છે અને સૌ નાગરિકોને મત આપીને પોતાનો ધર્મ બજાવવા અંગે અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ એરિક ફ્રોમ કેટલાંક પાયાના સવાલ ઉઠાવે છે. તેઓ આગળ લખે છે : “લોકો ‘પોતાની’ ઇચ્છા વ્યક્ત કરે કઈ રીતે, જો એમની પોતાની એવી કોઈ ઇચ્છા કે નિષ્ઠા જ ન હોય, જો તેઓ યંત્રવત્ જીવતા હોય? આવી પરિસ્થિતિમાં સાર્વત્રિક મતાધિકાર એક શોભાના ગાંઠિયારૂપ બની જાય છે. દરેકને મત આપવાનો અધિકાર છે. ચૂંટણીઓ પણ પ્રામાણિકપણે અને કશી ધાકધમકી વિના થઈ છે. અને તેમ છતાં ચૂંટણી દ્વારા ‘પ્રજાની ઇચ્છા’ જ વ્યક્ત થઈ છે એમ ન કહી શકાય. કોઈ ટૂથપેસ્ટની ખૂબ જાહેરાત કરવામાં આવે, અને તેના પ્રચારમાં તેના અદ્ભુત ગુણોનો દાવો કરવામાં આવે, તો બહુમતી લોકો તે ટૂથપેસ્ટ વાપરવા માંડે. પરંતુ આટલા પરથી કોઈ શાણો માણસ એમ નહીં કહે કે લોકોએ આ ટૂથપેસ્ટની તરફેણમાં પોતાનો ‘નિર્ણય આપ્યો છે.’ કહેવું હોય તો માત્ર એટલું કહી શકાય કે પ્રચાર એટલો અસરકારક હતો કે લાખો લોકોને તેની ગુણવત્તાના દાવાઓમાં મનાવીને લલચાવી શકાયા.” આજે દેશની ચૂંટણીમાં આ વાત કેટલીક સ્પષ્ટ રીતે લાગુ પડે છે. માત્ર ને માત્ર અત્યારે ચૂંટણી પ્રચાર થકી જ લડાય અને જીતાય છે. આ વખતની ચૂંટણીમાં તો કોઈ સ્થાનિક મુદ્દાની વાત સુદ્ધા નથી, માત્ર ને માત્ર મોદીના નામે શાસક પક્ષ ચૂંટણી લડી રહ્યો છે.
આગળ પ્રચાર અંગે એરિક ફ્રોમ લખે છે : “આજના સમાજમાં લોકો જેમ ચીજવસ્તુ ખરીદે છે તેમ મતપેટીમાં મત નાંખી આવે છે. તેઓ પ્રચારનાં ઢોલ-નગારાં સાંભળે છે અને તેમાં થતા ઘોંઘાટની સરખામણીમાં સત્ય હકીકતોનું મહત્ત્વ બહુ ઓછું હોય છે. રાજકીય વિચારો અને રાજકીય નેતાઓને પણ ચીજવસ્તુઓની જેમ જ પ્રચાર દ્વારા લોકપ્રિય બનાવી શકાય છે. આ પરિસ્થિતિને લીધે શ્રી શુપીટરે લોકશાહીની એક નવી વ્યાખ્યા બનાવી છે, જે એટલી આદર્શવાદી નથી, પણ વાસ્તવિક જરૂર છે : “લોકશાહી એ રાજકીય નિર્ણયો પર પહોંચવાની એક એવી વ્યવસ્થા છે કે જેમાં લોકોના મત માટેની સ્પર્ધામાં જીતીને અમુક વ્યક્તિઓ નિર્ણય કરવા માટેની સત્તા પ્રાપ્ત કરે છે.”
“એ ખરું કે પચાસેક ટકા જેટલા મતદારો વ્યક્તિગત મતદાન કરે છે. પોતાના મત માટે સ્પર્ધામાં ઊતરેલાં પક્ષીય યંત્રોમાંથી તેઓ પસંદગી કરે છે. એક વાર એમાંનું એક યંત્ર સત્તા પર આવે પછી મતદાર સાથેનો તેનો સંબંધ બહુ પાંખો થઈ જાય છે. વળી, નિર્ણય ખરેખર તો મતદારોના વ્યક્તિગત પ્રતિનિધિઓ પણ નથી કરતા, નિર્ણય તો એમનો પક્ષ કરે છે. અને ત્યાં પણ મુખ્ય મુખ્ય માણસો દ્વારા જ નિર્ણય થતો હોય છે. એટલે વ્યક્તિગત મતદાર ભલે એમ માને કે એના દેશના નિર્ણયનો દોર એના હાથમાં છે, પણ વાસ્તવમાં સામાન્ય શેરહોલ્ડરના ‘એની’ કંપનીના સંચાલનનો જેટલો દોર હોય છે તેનાથી ભાગ્યે જ થોડો વધારે દોર મતદારના હાથમાં હોય છે. છેવટના જે નિર્ણયો લેવાતા હોય છે તે મોટે ભાગે એવાં પરિબળો દ્વારા નક્કી થતા હોય છે, જેમના પર એનો કોઈ અંકુશ નથી કે જેમનું એને કોઈ ઝાઝું જ્ઞાન નથી. એટલે પછી રાજદ્વારી બાબતોમાં સામાન્ય નાગરિક અસમર્થતાની લાગણી અનુભવે અને એની રાજકીય બુદ્ધિ ધીરે ધીરે ઘટતી જાય, તેમાં નવાઈ નથી. કારણ કે માણસે પગલું ભરતાં પહેલાં વિચારવું જોઈએ તે ખરું, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે માણસને જો પગલું ભરવાની કોઈ તક જ ન મળે, તો તેની વિચારશક્તિ કુંઠિત થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો માણસ જો અસરકારક રીતે વર્તી ન શકતો હોય તો તે સર્જનાત્મકપણે વિચારી પણ નહીં શકે.”
એકવીસમી સદીના ભવિષ્યવેતામાં એક ઇઝરાયલના યુવાલ નોઆ હરારી છે, જે આપણી સમક્ષ ભવિષ્યનું ચિત્ર મૂકી છે અને વર્તમાનમાં ચાલી રહેલી અંધાધૂંધીને શબ્દોમાં વર્ણવી શકે છે અને તેનો કેટલેક અંશે ઉકેલ પણ આપી શકે. એરિક ફ્રોમ વીસમી સદીના મધ્યમાં પોતાના વિચારો આ રીતે રજૂ કર્યા અને વ્યવસ્થાની ખામી દર્શાવી. સમાજ તરીકે ખોટાં માર્ગે આપણે ક્યાં દોરવાઈ રહ્યા છે તે અંગે જાણવું-સમજવું હોય તો આજેય ‘શાણો સમાજ’ પુસ્તક ઉપયોગી થઈ શકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796