નવજીવન ન્યૂઝ, સુરત : ટેક્સટાઈલ હબ ગણાતા સુરત શહેર (Textile Hub Surat City) ના મિલેનિયમ માર્કેટ-2માં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે. અત્રે નોંધનીય છે કે, ગત 20 ફેબ્રુઆરીના રોજ સુરતના આ જ ટેક્સટાઈલ માર્કેટમાં આગ (Fire in Textile Market Surat) લાગતા કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2 (Millennium Textile Market-2) ના છઠ્ઠા માળે દુકાનમાં આગ લાગતા ગણતરીની ક્ષણોમાં વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વિશાળ જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી. ઘટના સ્થળે દોડી આવેલી ફાયર વિભાગની ટીમે 15 ફાયર ફાઈટરનો ઉપયોગ કરી પાણીનો મારો ચલાવી તેને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. આગ લાગવાના કારણે વેપારીઓ અને શ્રમિકોમાં ડર ફેલાઈ જતાં તેઓ માર્કેટ છોડીને રોડ પર દોડી ગયા હતા. ભીષણ આગમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.








