Friday, June 5, 2026
HomeGujaratAhmedabad‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ’થી સરકાર શું ઇચ્છે છે?

‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ’થી સરકાર શું ઇચ્છે છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Digital Personal Data Protection Bill 2023: 9 ઑગસ્ટના રોજ રાજ્યસભામાં ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ-2023’ નામનું બિલ પાસ થયું. આ બિલને લઈને લોકસભા-રાજ્યસભામાં વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તેમાં વિરોધમાં મુખ્ય બાબત હતી કે આનાથી સરકાર પોતે ઇચ્છે તે જ માહિતી હવે નાગરિકોને જણાવશે. આ ઉપરાંત, અત્યાર સુધી માહિતી અધિકારના કાયદા અંતર્ગત સામાન્ય લોકો સરકાર પાસેથી જોઈએ એ માહિતી મેળવી શકતા હતા તેના પર પણ તરાપ આવશે. આ બિલને લઈને થઈ રહેલો વિરોધ કેટલો યોગ્ય છે તે અગાઉ સરકારનો પક્ષ જાણી લેવો જરૂરી છે.

Digital Personal Data Protection Act 2023
Digital Personal Data Protection Act 2023

‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ’ વિશે સરકાર વતી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખરે (Rajeev chandrasekhar) વિગતે વાત મૂકી છે. રાજીવ ચંદ્રશેખરે સૌપ્રથમ જે મુદ્દો ટાંક્યો તેમાં તેઓ કહે છે કે, અત્યારે કંપનીઓ પોતાનું ઉત્પાદન અને સેવા વેચવા અર્થે લોકો પાસેથી વ્યક્તિગત માહિતી મેળવે છે. વ્યક્તિગત માહિતી એટલે આપણું નામ, સરનામું, ફોન નંબર કે બેંકની વિગતો આ ઉપરાંત આધાર કાર્ડનો નંબર પણ. હવે જ્યારે આ ડેટા તેમની પાસે આવે છે તો તેઓ આ ડેટાનો ઉપયોગ પોતાના બિઝનેસ મોડલ માટે કરે છે. આ ડેટા ઉપયોગ ખોટી રીતે થાય છે ત્યારે તેમાં જે-તે નાગરિકની કોઈ સંમતિ હોતી નથી. એટલે આ બિલ લાવવાનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ રીતે નાગરિકોની વ્યક્તિગત માહિતીને સુરક્ષિત કરી શકાય. આ વાતને સમજાવવા માટે રાજીવ ચંદ્રશેખર વર્ષ 2017ના સુપ્રિમ કોર્ટના એક ચુકાદાને ટાંકે છે. જેમાં સુપ્રિમ કોર્ટે એમ કહ્યું હતું કે, રાઇટ ટુ પ્રાઇવેસી એ મૂળભૂત અધિકાર છે. અહીંયા રાજીવ ચંદ્રશેખર એમ પણ કહે છે કે, ગેરરીતિએ નાગરિકોના ડેટા એકત્રિત કરવાનું કામ મહદંશે ‘યુપીએ’ સરકાર દરમિયાન થયું હતું. રાજીવ ચંદ્રશેખરની ઉપરની દલીલ યોગ્ય લાગે છે; પરંતુ તેઓ નવ વર્ષથી શાસનમાં છે, ત્યારે તેઓ ડેટા પ્રોટેક્શનને લઈને ‘યુપીએ’ સરકાર પર દોષનો ટોપલો નાંખે છે ત્યારે તેમના ઉદ્દેશ્યમાં શંકા જન્મે છે.

- Advertisement -
Digital Personal Data Protection Act
Digital Personal Data Protection Act

આ બિલની મુખ્ય બાબતો પર રજૂઆત કરતા રાજીવ ચંદ્રશેખર જણાવે છે કે, હવે કોઈ કંપની નાગરિકની સંમતિ વિના તેનો ડેટા લઈ નહીં શકે, ન તો તેનો ઉપયોગ કરી શકશે. બીજુ કે કંપનીઓ કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ જે ઉદ્દેશ્ય અર્થે નાગરિકોનો ડેટા લીધો હશે તે જ સંબંધે તે ડેટાનો ઉપયોગ કરી શકશે. આ સિવાય કંપની તેને જે માહિતીની જરૂર હોય તે જ માહિતી નાગરિક પાસેથી લઈ શકશે, તેનાથી વધુ વિગત કંપની માગી શકશે નહીં. આ બિલમાં બીજી જે અગત્યની વિગત છે તે વિશે રાજીવ ચંદ્રશેખર કહે છે કે, કંપનીઓ અત્યાર સુધી વ્યક્તિગત માહિતી લઈને ઉદ્દેશ્ય પૂર્ણ થયા બાદ પણ તે માહિતીને પોતાની પાસે સ્ટોર કરી રાખતા હતા. હવે આ બિલ અંતર્ગત તેવું થઈ શકશે નહીં. મતલબ કે એક વાર કોઈ પ્રોડક્ટ વેચાણ માટે કંપનીએ તમારું નામ, સરનામું અને અન્ય વિગત માગી છે અને તે પ્રોડક્ટ એવી છે કે, તેમાં હવે કંપનીએ ગ્રાહકનો ડેટા સંગ્રહ કરવાની જરૂર નથી, તો તે ડેટાને તે સંગ્રહ કરી શકાશે નહીં.

આ ઉપરાંત, કંપનીએ કોઈ વ્યક્તિના ડેટાની સ્ટોરેજની જરૂર લાગી હોય અને તેમ કર્યું હોય તો પણ તે ડેટાની સુરક્ષાની જવાબદારી તે કંપનીની રહેશે. કોઈ પણ હિસાબે તે વિગત અન્ય પાસે ન જવી જોઈએ તેવી આ બિલમાં જોગવાઈ છે અને તેમ છતાં કોઈ ડેટાના સ્ટોરેજમાં ભૂલ થાય છે તો તેનું રિપોર્ટીંગ કંપનીએ જે-તે વિભાગમાં કરવું પડશે. જો કંપની તે રિપોર્ટીંગ નહીં કરે તો પણ તેના પર આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ બધી રજૂઆત કર્યા પછી રાજીવ ચંદ્રશેખર આ બિલ માત્ર ને માત્ર નાગરિકોની વ્યક્તિગત માહિતીના સુરક્ષા અર્થે લાવવામાં આવ્યું છે તેવું કહે છે. તેઓ આ બિલને સરળ અને સમજી શકાય તેવું રાખ્યું છે તેમ પણ જણાવે છે. તેમના મતે આ વિષય ટેકનિકલ હોવાથી તેમાં ગૂંચવણ ન ઊભી થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે અને બિલ જેઓ માર્કેટમાં નિયમથી કામ કરવા માંગે છે તેને અડચણરૂપ ન બને તેની પણ કાળજી રાખવામાં આવી છે.

Digital Personal Data Protection Bill 2023
Digital Personal Data Protection Bill 2023

કેન્દ્રિય મંત્રીએ આ બધી વિગત કહેવા માટે સાડા અગિયાર મિનિટ લીધી, જેમાં માત્ર ને માત્ર સામાન્ય લોકોના માહિતીની સુરક્ષાની વિગત હતી. હવે સરકાર તરફથી આ કાયદા હેઠળ કઈ માહિતી મળશે અને કંઈ મળશે નહીં, તેની વિગત તેમણે વીસ સેકન્ડમાં પૂરી કરી દીધી. મતલબ કે સરકાર સુરક્ષા, કટોકટી કે મહામારી દરમિયાન કેવી રીતે માહિતી આપશે તેની વિગત આ બિલમાં સમાવવામાં આવી છે, પણ તે વિશે રાજીવ ચંદ્રશેખર કશુંય ન બોલ્યા.

- Advertisement -

નાગરિકોના વ્યક્તિગત માહિતીની સુરક્ષા વિશે આ બિલમાં ખૂબ કાળજી લેવાઈ છે, પણ આ બિલ અનેક રીતે સરકારની માહિતી લોકો સુધી ન પહોંચે તે માટે પણ સગવડ કરી આપે છે. ‘ધ સ્ક્રોલ’નામના ન્યૂઝ પોર્ટલ પર તે વિશે શૈલેષ ગાંધીએ એક લેખ લખ્યો છે તેમાં કેટલીક વિગતો ટાંકી છે જેમાં સ્પષ્ટ થાય છે કે આ બિલ સરકાર અને સરાકરી એજન્સીઓ પણ લાભ કરાવશે. જેમ કે, 2003માં શૈલેષ ગાંધીએ મુંબઈ પોલીસને માહિતી અધિકાર અંતર્ગત એવી વિગત માગી હતી કે છેલ્લા બે વર્ષ દરમિયાન કેટલા પોલીસ અધિકારીઓની બદલી ધારાસભ્ય, સાંસદ અને મંત્રીઓના કહેવાથી થઈ છે. પહેલા તો મુંબઈ પોલીસે વિગત આપવા માટે ત્રણ દિવસનો સમય માગ્યો, બે મહિના સુધી શૈલેષ ગાંધીને કોઈ માહિતી ન મળી. તેથી તેમણે ફરી મુંબઈ પોલીસને તે જ વિગત માગી. જોકે આ વખતે મુંબઈ પોલીસના પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટે એવો જવાબ વાળ્યો કે, પોલીસ વિભાગને ધારાસભ્ય, સાંસદ અને મંત્રીઓ તરફથી પોલીસ અધિકારીઓની બદલી કરવાની કેટલીક ભલામણો મળી હતી. પરંતુ કમિશનર અંતર્ગત આવતી સમિતિ આવી ભલામણોને સ્વીકારતી નથી. અધિકારીઓની બદલી નિયમો મુજબ થાય છે. તે પછી શૈલેષ ગાંધીએ ફરી મુંબઈ પોલીસ પાસેથી એવી માહિતી માંગી કે તેમને આવી ભલામણ કરનારા ધારાસભ્ય, સાંસદ અને મંત્રીઓના નામ અને તેમણે કયા અધિકારીની બદલીની ભલામણ કરી હતી તેના નામ આપવામાં આવે. તે પછી મુંબઈ પોલીસે એમ કહીને આ માહિતી શૈલેષ ગાંધી ન આપી કે, મહારાષ્ટ્ર માહિતી અધિકારી કાયદા અંતર્ગત જોગવાઈ 7(કે) મુજબ આ માહિતી અમે ન આપી શકીએ, કારણ કે આ માહિતી જાહેર હિત માટે નથી. શૈલેષ ગાંધીએ છેલ્લે કોર્ટનો સહારો લીધો અને પછી તેમને તે યાદી મળી. પરંતુ જો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ આવશે તો આ માહિતી આ બિલ અંતર્ગત ક્યારેય મળી શકશે નહીં.

આવી જ વિગત શૈલેષ ગાંધીએ મુંબઈના ક્રોફોર્ડ માર્કેટના રિડેવલપમેન્ટ વિશે માગી હતી. આ રિડેવલપમેન્ટમાં જે કંપની સો કરોડ ખર્ચવાની હતી તેને 1000 કરોડનો લાભ થવાનો હતો, જ્યારે મુંબઈ બૃહદ નગરપાલિકાને માત્ર 40 કરોડ મળવાના હતા. આ વિગત જ્યારે બહાર આવી ત્યારે લોકોએ તેનો વિરોધ કર્યો અને તે રિડેવલમેન્ટ રોકી દેવામાં આવ્યું. આ રીતે જ્યારે હોસ્પિટલને જમીન આપવામાં આવે છે ત્યારે સરકાર તેમાં ખૂબ રાહત આપે છે. દિલ્હીની દીનદયાલ હોસ્પિટલ દ્વારા નજીવી કિંમત જમીન મેળવીને કુલ દરદીઓના 20 ટકા દરદીઓને વિનામૂલ્યે સારવાર આપવાની બાંયધરી આપી હતી. પરંતુ જ્યારે 2010માં સામાજિક કાર્યકર્તા દિનેશ કૌશિકે હોસ્પિટલ પાસે ગરીબ દરદીઓના સારવારનો આંકડો માગ્યો તો તે બાંયધરી પ્રમાણે નહોતો. 2006માં મહારાષ્ટ્ર જંગલ ખાતાના મંત્રી સુરુપસિંહ નાયકને જંગલમાં વૃક્ષ કાપવાની ખોટી મંજૂરી આપવા બદલ 30 દિવસની જેલ થઈ હતી. પરંતુ તેઓ સ્વાસ્થ્ય યોગ્ય ન હોવાનું બહાનું આપીને હોસ્પિટલમાં દાખલ થયા. ત્યારે પણ શૈલેષ ગાંધીએ સુરુપસિંહના હોસ્પિટલમાં દાખલ હતા તે દરમિયાનના મેડિકલ રેકોર્ડ માગ્યા હતા. આ માહિતી ન મળી અને કેસ જ્યારે બોમ્બે હાઇકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે કહ્યું કે ધારાસભ્યો અને સાંસદોની માહિતી આપવાની ના ન પાડી શકાય. પરંતુ જો આ ડિજિટલ પર્સનલ પ્રોટેક્શન બિલ આવશે તો આ માહિતી નહીં મળે અને નેતાઓના ઘણાં ગુપ્ત કાર્યો ગુપ્ત રહી શકશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular