કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “જિસ સનાતન કો ગાંધીજીને જીવનપર્યંત માના. જિન ભગવાન શ્રીરામને ઉનકો જીવનભર પ્રેરણા દી. ઉનકે આખરી શબ્દ બને થે રામ. જિસ સનાનતને ઉન્હે અસ્પૃશ્યતા કે ખિલાફ આંદોલન ચલાને કે લિએ પ્રેરીત કિયા. યહ I.N.D.I.A. ગઠબંધન કે લોગ, યહ ઘમંડિયા ગઠબંધન કે લોગ ઉસ સનાતન પરંપરા કો સમાપ્ત કરના ચાહતે હૈ..” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) હાલમાં મધ્ય પ્રદેશના બીનામાં એક કાર્યક્રમમાં વિરોધ પક્ષના ગઠબંધન પર પ્રહાર કરતાં ઉપરોક્ત ભાષણબાજી કરી હતી. જો કે નરેન્દ્ર મોદીએ સનાતન ધર્મને (Sanatana Dharma) ગાંધીજી સાથે જોડીને જે વાત કરી તેની પાછળ તેમનો હેતુ ધર્મના નામે રાજકારણ રમવાનો છે. ગાંધીજીના (Mahatma Gandhi) સનાતન ધર્મને લઈને જે વિચારો હતા તે ધર્મની આજે જે વ્યાખ્યાઓ અને અર્થ કરાયા છે તેનાથી ઘણા ભિન્ન હતા. ગાંધીજી એ ધર્મ અંગેના પોતાના વિચારો ખૂબ સ્પષ્ટતાથી રજૂ કર્યા છે, 1921માં ‘નવજીવન’ સામયિકમાં તેમણે ‘હિંદુ ધર્મ’ના મથાળેથી સનાતન ધર્મ વિશે ખૂબ વિગતે લખ્યું છે.
તેઓ લેખની શરૂઆતમાં લખે છે : “હું હંમેશાં જ મને પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવું છું.…અને છતાંયે હિંદુ ધર્મને નામે થનારી એવી કેટલીયે બાબતો છે જે મને માન્ય નથી. જો હું સાચો સનાતની ન હોઉં તો પોતાને સનાતની અગર એવા જ બીજા નામથી ઓળખાવવાની મને ઇચ્છા નથી. તેમ એક મોટા ધર્મના નામનો આશ્રય લઈને તેમાં છૂપી રીતે કશો સુધારો કે બગાડો દાખલ કરવાની પણ મારી અલબત્ત ઇચ્છા નથી. તેથી મારો એ ધર્મ થઈ પડ્યો છે કે સનાતન હિંદુ ધર્મનો હું કેવો અર્થ કરું છું તે મારે એક વાર સ્પષ્ટપણે ચોખ્ખું કરી દેવું. “સનાતન” શબ્દ હું એના સ્વાભાવિક અર્થમાં જ હમેશાં વાપરું છું. હું મને પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણ કે : (1) હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રોને નામે ઓળખાય છે, તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મને પણ માનું છું. (2) હું વર્ણાશ્રમધર્મને મને લાગે છે કે એના મૂળ વૈદિક અર્થમાં માનું છું; એના આજના લૌકિક અને અણઘડ અર્થમાં નહીં. (3) હું ગૌરક્ષાને તેના આજના લૌકિક અર્થ કરતાં ઘણા વધારે વિશાળ અર્થમાં માનું છું. (4) મૂર્તિપૂજાને વિષે મારી અનાસ્થા નથી.
સનાતન ધર્મ અંગે ગાંધીજીએ અહીંયા જે ચાર બાબતો ટાંકી છે તેમાં હિંદુ ધર્મની જે પરંપરાગત આસ્થા છે તેનો સૂર છે. પરંતુ અહીં તુરંત ગાંધીજી હિંદુ ધર્મશાસ્ત્રો વિશે સ્પષ્ટતા કરતા લખે છે : “…વેદો તેમ જ બીજાં શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં તેમને મેં અપૌરુષેય અગર ઈશ્વરપ્રણીત કહ્યાં નથી. કારણ એકલા વેદ જ અપૌરુષેય કે ઈશ્વરપ્રણીત હોય એમ હું માની શકતો નથી. હું તો બાઇબલ, કુરાન અને ઝંદઅવસ્તાને પણ વેદના જેટલાં જ ઈશ્વરપ્રેરિત સમજું છું. આ ધર્મગ્રંથોનું મને કશું પ્રત્યક્ષ જ્ઞાન છે એવો મારો દાવો નથી. છતાં જે મુદ્દાનાં સત્યો ધર્મશાસ્ત્રો ઉપદેશે છે તે હું અંતરથી ઓળખું છું અને લાગણીથી સમજું છું એવો અલબત્ત મારો દાવો છે. શાસ્ત્રના મારી બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિને અળખામણા લાગે એવા કોઈ પણ અર્થથી — પછી તે ચાહે તેટલા વિદ્વત્તાપૂર્ણ કાં ન હોય — બંધાવાની હું ના પાડું છું. અત્યારના શંકરાચાર્યો અગર શાસ્ત્રીઓ પોતે હિંદુ ધર્મશાસ્ત્રોનો જે અર્થ કરી બતાવે છે તે જ એક સાચો છે એવો દાવો તેઓ કરતા હોય તો હું તેનો વધારેમાં વધારે આગ્રહપૂર્વક નિષેધ કરું છું. ઊલટું હું એમ માનું છું કે આ ધર્મગ્રંથોનું આપણું અત્યારનું જ્ઞાન છેક જ અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલેકી અને ધનવૈભવનો ત્યાગ નથી કર્યો, તેવો કોઈ પણ મનુષ્ય શાસ્ત્રોને ખરેખરાં સમજી ન જ શકે એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે.”
અહીં ગાંધીજી કુરાન, બાઈબલ અને ઝંદાઅવસ્તાને વેદોની હરોળમાં મૂકે છે. આ ઉપરાંત શાસ્ત્રો જો બુદ્ધિ અને નૈતિક દૃષ્ટિએ યોગ્ય ન લાગે તો તેમાં બંધાઈ જવાનો પણ ઇનકાર કરે છે. શંકરાચાર્યો પર પ્રશ્નો કરીને તેઓના ધર્મગ્રંથોનું જ્ઞાન અસ્તવ્યસ્ત છે તે પણ જણાવે છે. ગાંધીજીના નામનો આધાર લઈને સનાતન ધર્મની વાતો કરનારા આજના રાજકારણીઓ શું ખુલીને ગાંધીજીના આ વિચારોનો સ્વીકાર કરી શકશે?
જો કે ગાંધીજીએ સનાતન ધર્મની બાબતે વર્ણાશ્રમને લઈને જે વિચારો મૂક્યા છે તેના સ્વીકારને લઈને સતત વિવાદ થતા રહ્યા છે. ખાસ કરીને વર્તમાન સમયે ગાંધીજીના વર્ણાશ્રમ સંબંધિત વિચારો સાથે સહમતિ સાધી શકાતી નથી. વર્ણાશ્રમનો સ્વીકાર કરતા ગાંધીજી આભડછેટનો મક્કમતાથી વિરોધ કરે છે. તેઓ આ બાબતે એક પ્રસંગ ટાંકતા લખે છે : “દુર્ભાગ્યે આજકાલ હિંદુ ધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહેલો જોવામાં આવે છે. એક વાર એક ધર્મશીલ હિંદુ ભાઈ સમક્ષ મેં મુસલમાનના ઘરમાં બેઠાં ડબલ રોટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી મૂક્યા હતા. મેં જોયું કે એક મુસલમાન મિત્રે પાણી આપેલા પ્યાલામાં મને દૂધ રેડી લેતો જોઈને તેમને ભારે દુ:ખ થયું. પણ જ્યારે તેમણે મને એ મુસલમાન મિત્રના હાથની ડબલ રોટી લેતો જોયો ત્યારે તો તેમની વ્યથાનો પાર જ રહ્યો નહીં! મને ભય છે કે શું ખાવું અને કોની જોડે ખાવું એના ઝીણામાં ઝીણા વિધિનિષેધ નક્કી કરવા પાછળ જ જો હિંદુ ધર્મ પોતાનું બધું બળ રોકશે તો તે થોડા જ વખતમાં ખરી વસ્તુને ખોઈ બેસશે. માદક પદાર્થો અથવા ખોરાકોના સેવનથી દૂર રહેવું અગર તો માંસાહાર ન કરવો એ આત્માના વિકાસની દિશાએ ભારે મદદકર્તા છે એ સાવ સાચું, પણ તેથી તે એક જ વસ્તુ કંઈ ધર્મનું સારસર્વસ્વ નથી. હરકોઈની જોડે બેસીને ખાનારા ને માંસાહાર કરનારા અને છતાં ઈશ્વરથી ડરનારા અનેક માણસો માંસાહારથી અને બીજી ઘણી વસ્તુઓથી ભારે ચુસ્તતાપૂર્વક દૂર રહેનારા અને છતાંયે પોતાના પ્રત્યેક કાર્યથી ઈશ્વરને અપમાન પહોંચાડનારા માણસના કરતાં મોક્ષદશાની વધુ જ નજીક છે.”
વર્ણાશ્રમ પછી તેઓ હિંદુ ધર્મ અને ગાય વિશે પણ આ લેખમાં ખાસ્સું લખ્યું છે અને તેઓ ગોરક્ષામાં આપણે ગાયની કેવી દુર્દશા કરી મૂકી છે તેના વિશે પણ લખવાનું ચૂક્યા નથી. ગાંધીજીએ ગીતા, રામાયણ અને મહાભારત તરફની તેમની મમતા વિશે કહ્યું છેઃ …એક અતૂટ મમતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. તે જ મમતાની ભાવના હિંદુ ધર્મને માટે પણ તેના બધા દોષો અને મર્યાદાઓ છતાં મારા અંતરમાં છે. ગીતા કે તુલસીરામાયણ (જે બે પુસ્તકોનું જ આખા હિંદુ ધર્મગ્રંથરૂપી અર્ણવમાં મને જ્ઞાન છે એમ કહેવાય)નું સંગીત મારામાં જે જીવન પૂરે છે તે દુનિયામાં બીજો કોઈ ગ્રંથ પૂરી શકે એમ નથી. જ્યારે હું અંતકાળને કિનારે છું એમ મને લાગ્યું હતું ત્યારે ગીતા જ મારા અંતરનો વિશ્રામ હતી. હિંદુ મંદિરો અને દેવસ્થાનોમાં આજકાલ જે અનાચાર પ્રવર્તે છે તેથી હું અજાણ નથી. પણ એ બધા અકથનીય દોષો છતાં હું એ સંસ્થાઓને ચાહું છું. એની વાતોમાં મને જે રસ આવે છે તે બીજીમાં નથી આવતો. હું ઠેઠનો સુધારક છું; છતાં સુધારાની વ્યાકુળતામાં હું હિંદુ ધર્મના કોઈ પણ આવશ્યક અંગનો ત્યાગ કરવા તૈયાર નથી. હું પાછળ કહી ગયો કે મૂર્તિપૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્ય ભાવ પણ પેદા નથી કરતી. છતાં હું માનું છું કે મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે.”
ગાંધીજીએ અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનો સૌથી મોટી મર્યાદા ગણાવી છેઃ “આવી મારી હિંદુ ધર્મની સમજણ હોવાથી હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને હું કદી પણ સાંખી શક્યો નથી. અસ્પૃશ્યભાવનાને હું હમેશાં હિંદુ ધર્મની ઉપર વળગેલો મેલ માનતો આવ્યો છું. અનેક પેઢીઓથી એ ચાલતો આવ્યો છે એ ભલે, પણ એવી બીજી પણ અનેક પ્રથાઓ આજદિન લગી ચાલતી આવી છે. દેવદાસીઓ અને મુરલીઓની પ્રથા હિંદુ ધર્મનું એક અંગ છે એ વિચારે હું તો શરમથી મરી જ રહ્યું અને છતાં દેવધર્મને નામે આ ઉઘાડો વ્યભિચાર હિંદુસ્તાનના ઘણા ભાગોમાં હિંદુઓમાં પ્રવર્તે છે. વળી કાળીને બકરાંનો ભોગ આપવો એ વસ્તુને પણ હું નર્યા અધર્મ માનું છું અને એ હિંદુ ધર્મનું અંગ છે એવું માનતો નથી. હિંદુ ધર્મ એ તો અનેક યુગોનો વિકાસ છે.”
હિંદુ ધર્મની આ વાતો ગાંધીજીએ 1921માં લખી છે અને એ પછી પણ તેઓ સતત લખતા રહ્યા છે. ગાંધીજીના ઘણા વિચારોમાં વિરોધભાસ જોવા મળે છે તો કેટલાંક વિચારોમાં પરીવર્તન પણ આવ્યું છે. આ બાબતે તેમણે 1933માં લખ્યું છે કે, “મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈના મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયના બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત માને.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796