કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): શ્રીધર તેલકરે 1965માં આરએસએસના (RSS) સામયિક ‘ઓર્ગેનાઇઝર’ના દિવાળી અંક માટે વિનાયક દામોદર સાવરકરની (Vinayak Damodar Savarkar) મુલાકાત લીધી હતી. સાવરકરની આ અંતિમ મુલાકાત હતી. પ્રસ્તુત મુલાકાતમાં સાવરકરે તેમના જીવનમાં બનેલી અનેક મહત્ત્વની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. મુલાકાતમાં પહેલો પ્રશ્ન શ્રીધર એવો પૂછે છે કે, ‘તમે જીવનમાં પાછળ જુઓ છો તો તમને કંઈ રોચક સ્મૃતિ છે?’ ઉત્તરમાં સાવરકર કહે છે કે, “બેશક, જૂની યાદો ભીતરમાં ચમકે છે. તે રોમાંચકારી સ્મૃતિ મારી મૂડી છે અને મૃત્યુ સુધી મારી સાથે રહેશે. પ્રથમ ઘટના મને યાદ છે તે સ્ટીમરમાંથી મારું ભાગવું. આ બધું કઈ આ રીતે થયું : તે રવિવાર 13 માર્ચ, 1910નો દિવસ હતો. હું લંડનથી પેરીસ પહોંચ્યો. વિક્ટોરિયા ટર્મિનસ પર મારી વિદેશી પોલીસે ધરપકડ કરી હતી. મુંબઈ સરકારના ટેલિગ્રાફિક વૉરંટના આધારે તે ધરપકડ થઈ હતી. મને 1881ના ભાગેડું ગુનેગાર કાયદા અંતર્ગત પકડવામાં આવ્યો હતો. મારા વિરુદ્ધ આરોપો હતા કે, 1) ભારતના મહામહિમ રાજાના વિરુદ્ધ યુદ્ધ કરવું અને લોકોને યુદ્ધ માટે પ્રેરવા. 2) બ્રિટિશ ભારતની અખંડિતતા અથવા તેના એક અંશથી મહામહિમ સમ્રાટને વંચિત રાખવાનો પ્રયાસ કરવો. 3) હથિયાર મેળવવા અને તેનું વિતરણ કરવું, નાસિક કલેક્ટર જેક્સનના હત્યા માટે લોકોને પ્રેરવા 4) લંડનમાં હથિયાર મેળવવા અને લંડનમાં યુદ્ધ માટે પ્રેરવા 5) ભારતમાં 1906 જાન્યુઆરી અને લંડનમાં 1908 અને 1909માં બળવાખોરીભર્યું ભાષણ આપવું. મને એડન જનારા સ્ટીમર એમએસ મોરિયામાં લઈ જવામાં આવ્યો. સ્ટીમર પર હું અંગ્રેજોનો કેદી હતો. અને ઘરે પહોંચીને મારાં નસીબમાં શું લખાયેલું છે તેનો અંદેશો મને હતો. તે માટે મેં મોતના મુખમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. મારું નસીબ સારું હતું, તેથી સ્ટીમર માર્સેલમાં સમારકામ માટે રોકાઈ. હું બાથરૂમ ગયો, અંદરથી દરવાજાની કડી લગાવી દીધી. બહાર ગાર્ડ બહાર મારી વાટ જોઈ રહ્યો હતો. પોર્ટહોલથી હું દરિયામાં કૂદી ગયો અને કિનારા તરફ તરવા લાગ્યો. પોલીસે ત્યાં ગોળીઓ ચલાવી. દરિયામાં શરીરને અંદર લઈ જઈને હું માંડ તેમનાથી બચ્યો અને મેં મોતને માત આપી. આખરે હું કિનારે પહોંચ્યો. અને એક ઘાટ પર ચઢી ગયો. મને ખૂબ ખુશી હતી કે હું ફ્રાન્સના જમીન પહોંચી ગયો. હું આઝાદ છું. પરંતુ ભાગ્ય નિર્દયી હતું. બ્રિટિશ ગાર્ડ મારા પાસે આવી ગયા અને મને ઘસડીને સ્ટીમર પર લઈ ગયા. સ્વાભાવિક છે કે આ આંતરરાષ્ટ્રિય કાયદાનું ઉલ્લંઘન હતું. મને માર્સૈયથી સુરક્ષિત લઈ જવાની યોજના કરનારા મેડમ કામા અને અય્યર થોડા મિનિટો પછી પહોંચ્યા. મારી નાટકીય રીતે ભાગી જવાની અને તે પછી પકડાઈ જવાની વાત સાંભળીને તેમણે પોતાના નસીબને જરૂર દોષ દીધો હશે.”

આ પૂરી ઘટના અહીં બયાન કરવાનો અર્થ એટલો જ છે કે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના માર્સેલ શહેરની મુલાકાત લીધી હતી. અહીંયા તેમણે ભારતની આઝાદીની લડત માટે ફ્રાન્સના આ શહેરના મહત્ત્વને સ્વીકાર્યું હતું. તેમણે પોતાના સોશિયલ મીડિયાના પોસ્ટ પર એમ પણ લખ્યું કે, અહીંયા જ મહાન વીર સાવરકરે સાહસિક રીતે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બીજી ઘટના સાવરકર મુલાકાતમાં જણાવે છે કે, “મને આજીવન કારાવાસની બે સજા સંભળાવવામાં આવી હતી. એનો અર્થ એટલો કે મારે અંદમાનના કુલ મળીને પચાસ વર્ષ કાઢવાના હતા. જો હું સજા પૂરી કરત તો મારુ છૂટવાનુ વર્ષ 1960 હોત. પરંતુ અંદમાનમાં ચૌદ વર્ષ વીતાવ્યા બાદ મને ભારત મોકલવામાં આવ્યો જ્યાં મેં તેર વર્ષ સુધી રત્નાગિરીમાં નજરબંદ રહીને પસાર કરવા પડ્યા. કુલ મળીને હું 27 વર્ષ બ્રિટિશરોનો કેદી રહ્યો.”

સાવરકરની ભાગી જવાની ઘટનામાં બે દેશોની સરહદો સંકળાયેલી હતી, જે કારણે એક સમયે સાવરકરને એમ લાગ્યું હતું કે તેઓ બચી ગયા છે, પરંતુ તેમ ન થયું. જોકે આ મુલાકાતમાં સાવરકર બીજા કેટલાંક અતિ ગંભીર પ્રશ્નોના જવાબ આપે છે, તે જોઈ જવા જેવા છે. જેમ કે, એમને પૂછવામાં આવે છે કે, ‘ભારતમાં આઝાદીમાં સહાયરૂપ બનનારા મુખ્ય પક્ષકાર કયા રહ્યાં?’ જવાબમાં તેઓ કહે છે કે, “ભારતની સ્વતંત્રતામાં સહાયરૂપ બનનારા અનેક ઘટકો છે. એ વિચારવું મુશ્કેલ છે કે એકલી કૉંગ્રેસે જ દેશને આઝાદી અપાવી છે. એવું પણ વિચારવું અસંગત છે કે દેશમાંથી અંગ્રેજોને બહાર ધકેલવાની જવાબદારી અસહકાર, ચરખા અને 1942ના ભારત છોડો આંદોલનની હતી. અન્ય જટિલ અને ગતિમાન શક્તિઓ પણ હતી. જેના કારણે આખરે આઝાદીના દ્વાર ખુલ્યા.”

એક પ્રશ્ન ગાંધી વિશેનો છે, તેમાં સાવરકરને પૂછાય છે કે, ‘ગાંધી કે અન્ય કોંગ્રેસી નેતાઓએ તમને ક્યારેય કોંગ્રેસ (Congress) સાથે જોડાવવાનું કહ્યું હતું? તમે કોંગ્રેસમાં કેમ ન જોડાયા’ એ વખતે કોંગ્રેસનો દબદબો પૂરા દેશભરમાં હતો અને અંગ્રેજો સામે દેશમાંથી સૌથી મજબૂત પક્ષકાર કોંગ્રેસ હતું. આ વિશે ઉત્તર આપતાં સાવરકર કહે છે : “ગાંધીના અહિંસાના સિદ્ધાંત પર મારો ક્યારેય વિશ્વાસ રહ્યો નથી. પૂર્ણ અહિંસા ન માત્ર ખરાબ છે પણ અનૈતિક છે. અહિંસાના સિદ્ધાંતોએ હિંદુઓને ક્રાંતિકારી ભાવનાને કચડી નાંખી છે, તેમના અંગ નબળા કરી દીધા છે. જેના કારણે અંગ્રેજો મજબૂત બન્યા. અન્યાયને મિટાવવા હંમેશા વિદ્રોહ, લોહિયાળ યુદ્ધ કે બદલાની ભાવના મુખ્ય સાધન સાબિત થયું છે. મને લાગે છે કે તેમની રીત, નીતિઓ અને કાર્યક્રમથી પાયાનું અંતર હોવાના કારણે હું કોંગ્રેસથી જોડાઈ શકતો નથી. જો કોંગ્રેસે રાષ્ટ્ર વિરોધી મુસ્લિમ લીગથી કોઈ સમાધાન ન કર્યો હોત, તો પૂરી રીતે દેશની એકતા અને અખંડતા કાયમ રહી હોત. અને 1942ના આંદોલનમાં હિંદુ મહાસભા કોંગ્રેસને સાથ આપી શકત. હવે લોકો જાણે છે કે મુક્ત, સ્વતંત્ર અને અખંડ હિંદુસ્તાન સપનાને કોંગ્રેસના નેતૃત્વ સમજી વિચારીને ધ્વસ્ત કરી દીધું છે. ”
આ જ મુલાકાતમાં સાવરકરે તેમના કટ્ટર હિંદુવાદી અંગેની છબિ વિશે પણ સ્પષ્ટતા કરી હતી અને હિંદુ ધર્મ અને અન્ય અલ્પસંખ્યક ધર્મ વચ્ચેનો તફાવત પણ દર્શાવ્યો હતો. સાવરકરે હિંદુનો અર્થ સમજાવતા કહ્યું હતું કેઃ ‘હિંદુ એટલે એવી વ્યક્તિ જો સિંધુથી સાગર સુધીના ભારતવર્ષને પોતાની પિતૃભૂમિ અને પવિત્રભૂમિ માનતી હોય. એ ભૂમિ તેની આસ્થા અને ધર્મનું ઉદ્ભવ સ્થાન હોય. માટે વૈદિક ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ અને બધા જ પહાડી કબીલા હિંદુ છે. પારસી, તથા અન્ય અલ્પસંખ્યક, વર્ણ, ધર્મ, ભાષા અને સંસ્કૃતિના આધારે હિંદૂઓ જેવા જ છે. ઇસાઈ અને યહૂદીઓનું રાજનિતીક તૌર પર હિન્દુઓ સાથે વિલયન થઈ શકે છે. હિન્દુત્વ આ જ જીવનધૂરીની આસપાસ ફરે છે. આ ધાર્મિક હઠવાદ કે સંપ્રદાય ન રહેતા સમગ્ર હિંદુજાતિના વિચારો અને પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે.…’ સાવરકરે આ જ મુલાકાતમાં મુસ્લિમ સમુદાય વિશે પણ વાત કરી છે, અને તેઓની સાથેની સમસ્યાનો સ્વીકાર પણ કર્યો છે. અલબત્ત જ્યારે તેમને તેમના સપનાનું ભાવિ ભારત કેવું હોવું જોઈએ તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતુઃ મારા સ્વપ્નનું ભારત એક લોકતાંત્રિક રાજ્ય હોય, જ્યાં વિવિધ ધર્મો, મતો અને વર્ણોના લોકોની સાથે એક સમાન વ્યવહાર થતો હોય. કોઈ એક બીજાનું દમન ન કરતું હોય. જ્યાં સુધી દરેક વ્યક્તિ પોતાના સમાન કર્તવ્યનું પાલન કરતી હોય, રાજ્યના પ્રતિનું કર્તવ્ય નિભાવતી હોય, તેને તેની નાગરિકતાથી વંચિત ન રહેવું પડે. હિન્દુ એક જાતિરહિત, એક સંગઠિત અને આધૂનિક રાજ્ય બને. વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળે. જમીનદારી પ્રથાનો સંપૂર્ણ નાશ થાય… મારા સપનાના ભારતનો વિશ્વ રાષ્ટ્રમંડળમાં અવિચળ વિશ્વાસ હોય, કારણ કે પૃથ્વી સૌની સહિયારી ભૂમિ છે…’
સાવરકરની આ અંતિમ મુલાકાતમાં સાવરકરે પોતાની કટ્ટરતા વિશે પણ વાત કરી છે, વર્તમાન અને ભવિષ્ય અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. આરએસએસના મુખપત્રમાં છપાયેલી આ મુલાકાતમાં ધાર્મિક કટ્ટરતા અંગેના સવાલો અને વિચારો વધુ રજૂ થયા છે. પરંતુ સાવરકરે તેમના ભાવિ ભારતની જે કલ્પના કરી હતી, તેમાં તેમણે સર્વ ધર્મો, વર્ણો અને મતોના લોકો સાથે સમાન વ્યવહારની પણ વાત કરી છે તે હકિકત, સાવરકરને આજે માર્સેલની ભૂમિ પર યાદ કરનારાં આપણા નેતાઓ યાદ રાખે તે ભારતના ભાવિ માટે ખરેખર ઇચ્છનીય છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796