કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): મૂડીવાદની ચકાચૌંધ વચ્ચે એક વ્યક્તિ તેની ટીકા કરી રહ્યો છે; તેની ચર્ચા ભારત સહિત પશ્ચિમી દેશોમાં થઈ રહી છે. આ વ્યક્તિનું નામ છે રૂચિર શર્મા. તેમણે મૂડીવાદને (Capitalism) લઈને કેટલાંક પાયાના પ્રશ્નો ખડા કર્યા છે. તેમનું માનવું છે કે, એવો તર્ક કરવામાં આવે છે કે મૂડીવાદથી સૌને ખૂબ લાભ થયો છે, પરંતુ અમેરિકાની વાત કરીએ તો ત્યાં સ્ટાર્ટ-અપ બિઝનેસ સતત ઘટી રહ્યા છે. ઉપરાંત, લોકોની આર્થિક અને સામાજિક સ્તરમાં કશો જ બદલાવ આવી રહ્યો નથી. આ પ્રશ્નો તરફ જોવું જોઈએ, પરંતુ હવે પ્રશ્નોનો કારગર ઇલાજ જે માનવામાં આવે છે તે છે – થ્રો મોર મની એટ ધ પ્રોબ્લેમ– મતલબ કે સમસ્યા સામે પૈસો ફેંકો. જો આ પ્રકારે પૈસાને દરેક સમસ્યાનું સમાધાન માની લેવામાં આવશે તો છેલ્લા ત્રણ દાયકાથી જે કંઈ સમસ્યા આવી રહી છે તેનું પુનરાવર્તન થશે. અસામનતા વધુ વધશે, વ્યવસ્થા વધુ મૃતપાય થશે અને લોકોની પાસેથી કામ લેવાનું ઘટશે. રૂચિર શર્માએ આ બધી ચર્ચા તેમના પુસ્તક ‘વ્હોટ વેન્ટ રોન્ગ વિથ કેપાટિલિઝમ’માં કરી છે. તદ્ઉપરાંત તે વિષયને લઈને તેમણે ભારતમાં અનેક મીડિયા સંસ્થાનોને મુલાકાત આપી છે. મૂડીવાદ પર સવાર થઈને આપણે કેટલાં મોટા ખાડામાં ધસી રહ્યા છે – તેવું રૂચિર માને છે અને તેના પૂરતા કારણો આપે છે.

રૂચિર શર્મા મૂડીવાદનું સૌથી મોટું દૂષણ આર્થિક અસમાનતામાં જોઈ રહ્યા છે. તેઓ કહે છે કે આર્થિક અસમાનતા ખૂબ ઝડપથી વધી રહી છે. તેઓ ઉદાહરણ અમેરિકાના સીઈઓનું ટાંકે છે જેઓ કંપનીના સ્ટાફ મેમ્બર્સ કરતાં ચારસો ગણી આવક ધરાવે છે. 1960થી આ અંતર વધતું ગયું અને તે ઓર વધી રહ્યું છે. એટલું જ નહીં મોટી કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓ કરતાં નાની કંપનીના કર્મચારીઓની આવક ઘણી ઓછી જોવા મળે છે. અને આવું માત્ર અમેરિકામાં જ નહીં, ફ્રાન્સ, જર્મની અને સ્વીડનમાં પણ થઈ રહ્યું છે. રૂચિર મૂળે ભારતીય છે પણ છેલ્લા ઘણાં વર્ષથી અમેરિકામાં વસી રહ્યા છે. તેઓ ‘રોકફેલર કેપિટલ મેનેજમેન્ટ’ નામની કંપનીના પ્રમુખ છે અને ઘણાં વર્ષોથી મુખ્ય અખબારોમાં કોલમ લખે છે. અત્યાર સુધી તેમણે પાંચ પુસ્તકો આપ્યા છે, જેમાં તેમણે આંતરરાષ્ટ્રિય કક્ષાએ આર્થિક મુદ્દાઓ કેવી રીતે બદલાઈ રહ્યા છે તેની વાતો મુખ્ય છે.

મૂડીવાદનો વિરોધ કંઈ આજકાલનો થતો નથી, અનેક નિષ્ણાતાઓ તેના જોખમ દર્શાવ્યા છે, પણ રૂચિર શર્મા વર્તમાન સંદર્ભે તે જોખમ દર્શાવી રહ્યા છે અને તેમના કારણોમાં સૌને રસ પડે તેમ છે. રૂચિર મૂડિવાદને નકારતા નથી, તેઓ એવું માને છે કે મૂડિવાદ ગરીબ વર્ગનું ભલું કરી શકે છે. આ વિશે તેઓ વિશ્વના છેલ્લા સો વર્ષના આર્થિક ઇતિહાસને જોવાની વાત કરે છે, જેમાં કરોડો લોકો ગરીબ વર્ગમાંથી બહાર આવ્યા. રૂચિર આ વાત કરે ત્યારે સ્વાભાવિક છે કે તેઓ વિશ્વના રાજકારણને પણ જાણતા હોય અને એ અંગે તેમના કેટલાંક નિરીક્ષણો પણ છે. જેમ કે તેઓ વર્તમાન અમેરિકા વિશે કહે છે કે, “આજનું અમેરિકા બે દિશામાં જઈ રહ્યું છે. એક બાજુ તમે એવું સાંભળશો કે અમેરિકામાં રાજકીય ધ્રુવીકરણ ખૂબ છે, રિપબ્લિક-ડેમોક્રેટની વચ્ચે દુશ્મનાવટ છે, એવું પણ જોશો કે અમેરિકાન દેશની સ્થિતિથી નાખુશ છે. આવું કહેનારા અમેરિકાના 35 ટકા જેટલાં લોકો છે. આજના અમેરિકનને લાગી રહ્યું છે કે આજની વ્યવસ્થા કોઈ કામ કરી રહી નથી. બીજી બાબત એ છે કે – દુનિયાભરનો પૈસા અમેરિકા તરફ ગતિ કરે છે, ડોલર મજબૂત થઈ રહ્યો છે, સ્ટોક માર્કેટ વધી રહ્યું છે. એઆઈમાં અમેરિકાની લીડ વધુ છે. અમેરિકામાં આ વિરોધાભાસ હાલમાં મળી રહ્યો છે.” અમેરિકા પણ મૂડીવાદની જાળમાં ફસાઈ ચૂક્યું છે અને તેનો વિરોધ કેટલાંક ટ્રમ્પ તરફી લોકો પણ કરી રહ્યા છે. હાલમાં અમેરિકાની જે વ્યાપક ચર્ચા છે તે એલન મસ્કને મળેલી સત્તાની તાકાત છે. આ તાકાત ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલન મસ્કને આપી છે. સરકારી કામકાજમાં વધુ કાર્યદક્ષતા લાવવા માટે એલન મસ્કને ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસિયન્સી’ની ધુરા સોંપવામાં આવી છે. હવે એલન મસ્ક આ ડિપાર્ટમેન્ટની આગેવાની કરતા તેઓ ટ્રમ્પની સરકાર પર અંકુશ મેળવી રહ્યા છે. અમેરિકામાં એક ઉદ્યોગપતિ સરકારને બાનમાં લઈ રહ્યો છે અને તેનો વિરોધ મીડિયામાં દેખાઈ રહ્યો છે. લોકોનો અવાજ હજુ આના વિરોધમાં ઊઠ્યો નથી. અમેરિકામાં જે થઈ રહ્યું છે તે મૂડિવાદની ચરમસીમા છે. કોઈ પણ દેશમાં આવું થઈ શકે છે તેવું રૂચિર શર્મા કહે છે અને તેનું કારણ એટલું જ કે મૂડિવાદમાં હંમેશા રાજકીય નેતાઓ ઉદ્યોગપતિઓના તરફેણમાં નિર્ણય લે છે. સબસિડીઝ આપવી, વિદેશ વેપારની મુશ્કેલીઓને દૂર કરવી, ટેક્સમાં રાહત અને ઉદ્યોગનીતિના બહાને લોકોના નાણાંનું સહેલાઈથી રોકાણ ઉઘરાવવું અને તેને ધંધામાં નાંખવું. આવી તમામ બાબત ભારતમાં પણ છે. જાયન્ટ ઉદ્યોગપતિઓ માટે આપણા દેશમાં લાલ જાજમ નાંખવામાં આવી છે અને તે જાજમની નીચે સામાન્ય જન કચડાઈ રહ્યો છે.
મૂડિવાદ અંગે રૂચિર શર્મા જે રીતે વ્યાખ્યાયિત કરે છે તેમાં તેઓ વ્યક્તિને મળતી આર્થિક અમાપ શક્તિઓને જુએ છે, જેમાં તેઓ સરકારની દખલગીરી ઓછામાં ઓછી હોવી જોઈએ તેવું માને છે. સ્પર્ધા રહેવી જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં મૂડિવાદ અલગ રીતે કામ કરી રહ્યો છે અને તેમાં ઉદ્યોગને ખૂબ અમર્યાદ છૂટ મળી રહી છે. અને સાથે સાથે તેમાં સરકારની દખલગીરી પણ છે. મૂડીવાદનું સંતુલન બગડ્યું છે તે વાત પર રૂચિર ભાર મૂકે છે. હવે જ્યારે રૂચિર મૂડિવાદનું સંતુલન બગડ્યું છે તેમ કહે છે સાથે એમ પણ જણાવે છે કે સમાજવાદ પર તેમને વિશ્વાસ નથી – તો પછી તેમના માટે આદર્શ વ્યવસ્થા કંઈ? આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “આ વિશે મેં ત્રણ દેશો અંગે વાત કરી છે. તેમાં એક છે તે સ્વિઝર્લેન્ડ. આજે વિશ્વમાં સૌથી અમીર દેશ સ્વિઝર્લેન્ડ છે. તેમની માથાદીઠ સરેરાશ આવક અમેરિકાથી પણ વધુ છે. તે વિશ્વની ટોપ ટ્વેન્ટી ઇકોનોમીમાં પણ આવે છે. તેમણે મૂડિવાદનું સંતુલન ખાસ્સુ જાળવ્યું છે. એવું પણ નથી કે સરકારની કોઈ ભૂમિકા નથી. પરંતુ સંતુલન કેવી રીતે જળવાઈ રહે, તે માટે હું સ્વિઝર્લેન્ડનું ઉદાહરણ આપું છું. એ ઉપરાંત તાઇવાનનો દાખલો પણ આપ્યો છે. એ રીતે જ વિયેતનામ પણ છે. વિયેતનામ એક સામ્યવાદી દેશ હતો, પરંતુ તેમણે છેલ્લા વીસ-તીસ વર્ષોમાં પોતાના અર્થતંત્રને ખૂબ ઉદાર બનાવ્યું છે. વિયેતનામમાં ભારતથી પણ વધુ વિદેશી રોકાણ જઈ રહ્યું છે.” આ બધું જ્યારે રૂચિર શર્મા સમજાવે છે ત્યારે તેઓ એમ કહે છે કે ‘પ્રો-કેપિટાલિઝમ’ અને ‘પ્રો-બિઝનેસમેન’ બંને અલગ બાબત છે, જે મહદંશે એક જ જોવામાં આવે છે. ‘પ્રો-બિઝનેસમેન’માં તેઓ ભારતનો જ દાખલો આપતા કહે છે કે અહીંયા મોટા મોટા ઉદ્યોગોના તરફી નીતિ ઘડવામાં આવી રહી છે, જ્યારે ‘પ્રો-કેપિટાલિઝમ’માં નાનાં અને મધ્યમ કદના ઉદ્યોગોને મદદ મળે તેવી નીતિ હોય છે. આનું અંતર સૌએ હવે સમજવું જોઈએ,.
આ ઉપરાંત વિશ્વમાં ચીનની ઉદ્યોગનીતિને લઈને જે વાહવાહી થઈ રહી છે તે અંગે પણ રૂચિર કહે છે કે ચીનના ઉદ્યોગનીતિને લઈને ગેરસમજ ઊભી થઈ છે. ચીનને એક સમયે ઉદ્યોગોને સહાય કરી છે અને ચીનના અર્થતંત્રમાં જે ચમત્કાર જોવા મળ્યો તે સરકારની ભૂમિકા ન્યૂનત્તમ થઈ ત્યારે થયો. પરંતુ 2010 શી જિનપિંગ પ્રમુખ બન્યા ત્યારથી ચીનનું અર્થતંત્ર સતત નબળું પડી રહ્યું છે. આપણે ખોટા દાખલા લઈને પોતાની નીતિ ઘડીએ તે તદ્દન વિપરીત પરિણામ આપશે અને દેશને દાયકાઓ પાછળ લઈ જશે. રૂચિર શર્માએ વર્તમાનમાં મૂડિવાદની આ મર્યાદાઓ દર્શાવી છે, તેનાથી ખ્યાલ આવે કે આપણા દેશમાં કેટલી બધી જગ્યાએ ખોટો અમલ થઈ રહ્યો છે, જે આપણને માત્ર આભાસી વિકાસ તરફ લઈ જાય છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796