Thursday, April 24, 2025
HomeGujaratAhmedabad‘ધ ન્યૂ આઇકોન : સાવરકર ઍન્ડ ધ ફેક્ટ’ નવા ઉભરતા આઇકોન વિશેની...

‘ધ ન્યૂ આઇકોન : સાવરકર ઍન્ડ ધ ફેક્ટ’ નવા ઉભરતા આઇકોન વિશેની હકીકત

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલમાં ફ્રાન્સના પ્રવાસે ગયા ત્યારે પણ તેમણે માર્સેલ શહેરની મુલાકાત લીધી ત્યારે સાવરકરને (Savarkar) યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, ‘વીર સાવરકરનું સાહસે અનેક પેઢીઓને પ્રેરણા પૂરી પાડી છે.’ માર્સેલ શહેરમાંથી સાવરકર બ્રિટિશ કેદમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, તેથી તેનું મહત્ત્વ દર્શાવતી ટ્વિટ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. એક તરફ સાવરકરને હિંદુત્વના પ્રહરી તરીકે દર્શાવવામાં આવે છે; જ્યારે બીજી તરફ સાવરકરના વિચાર-માન્યતાને લઈને ખુલીને ચર્ચા કરવામાં આવતી નથી. અને જ્યારે તેમના વિશે કોઈ મૂલ્યાંકન કરે તો એવી અનુભૂતિ થાય છે કે સાવરકરના તમામ પાસાંનો અભ્યાસ કરવામાં જાણે તેમને હૃદયસ્થ રાખનારાં જ અંતર જાળવે છે. હાલમાં પણ અર્થશાસ્ત્રી, લેખક અને રાજનીતિજ્ઞ તરીકે ખ્યાતિ મેળવનારા અરૂણ શૌરીનું સાવરકર વિશેનું એક પુસ્તક પ્રકાશિત થયું ત્યારે પણ તેમાં એવી કેટલીક વાતો પ્રકાશમાં આવી જે સામાન્ય રીતે સાવરકરનું નામ આવે ત્યારે કરવામાં આવતી નથી. અરૂણ શૌરીએ સાવરકર પર લખેલા પુસ્તક ‘ધ ન્યૂ આઇકોન : સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ’નો આધાર પણ સંપૂર્ણપણે તેમની આવી અજાણી માહિતીને સપાટી પર લાવવાનો રાખ્યો છે. આ પુસ્તક વિશે હાલમાં અરૂણ શૌરીની અનેક મુલાકાતો યૂટ્યુબ ન્યૂઝ ચેનલોમાં પ્રસારીત થઈ છે, તેમાંથી કેટલીક બાબતો ઇતિહાસના તથ્યો જાણવા માટે ધ્યાનમાં લેવી જેવી છે. અરૂણ શૌરી આ પુસ્તક લખ્યું છે પણ એક સમયે તેમની રાજનીતિજ્ઞ તરીકેની ભૂમિકા લઈને સવાલો ઉઠાવી શકાય; પણ તે અંગેની ટૂંકાણમાં સ્પષ્ટતા તેમણે પુસ્તકની પૂર્વભૂમિકામાં કરી છે. આજે માત્ર તેમના સાવરકર વિશેના પુસ્તક વિશેની વાત કરીએ.

The New ICON Book
The New ICON Book

‘બીબીસી’ને આપેલી મુલાકાતમાં અરૂણ શૌરી તેમના પુસ્તકનાં સંદર્ભે કહે છે : ‘સાવરકર મોટાં તર્કવાદી હતા, સાવરકરે ઘણાં કર્મકાંડો પર પ્રશ્નો ઊઠાવ્યા છે. જેની હું પ્રશંસા કરું છું. પરંતુ સાવરકરે અંગ્રેજોને સહાય કરી હતી. જ્યારે રાષ્ટ્રીય સ્તરે આઝાદી માટે આંદોલન ચાલી રહ્યું હતું, તે સમયે સાવરકર અંગ્રેજોની મદદ કરી રહ્યા હતા. સાવરકરે અંગ્રેજોને બાંયધરી આપી હતી કે તેઓ રાજકીય રીતે તેમને કામ આવશે.’ અરૂણ શૌરી આગળ જણાવે છે કે, ‘સાવરકરે અંગ્રેજોની ઘણી એવી શરતો માની હતી. આ શરતો તેમને જેલમાંથી મુક્ત કરવા માટેની શરતો નહોતી. બીજું કે આ શરતો અંગ્રેજોએ તેમની સમક્ષ મૂકી નહોતી. સાવરકર જ્યારે પણ તત્કાલિન વાઇસરૉય લિનલિથગોની સાથે મુલાકાત થતી હતી ત્યારે લિનલિથગો તે મુલાકાતનો પૂર્ણ રેકોર્ડ લંડન મોકલાવતા હતા. તે રેકોર્ડ મુજબ પ્રથમ મિટિંગમાં જ લિનલિથગો બે વાર એવું કહે છે કે – ‘એન્ડ ધેન હિ બેગ્ડ મી’- પછી સાવરકરે મને વિનંતી કરી.’.
 
અરૂણ શૌરી 2021માં રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપેલાં એક નિવેદન સંદર્ભે સવાલ પૂછાયો છે. રાજનાથ સિંહે ત્યારે જાહેરમાં એવું કહ્યું હતું કે સાવરકર દુષ્પ્રચારનો ભોગ બન્યા હતા. તેમણે કહ્યું હતું કે સાવરકરે ગાંધીજીના કહેવા પર માફીનામું લખી આપ્યું હતું. જાહેર મંચ પર આવું કેન્દ્રિય રક્ષા મંત્રી કહી રહ્યા હોય ત્યારે તેના આધાર-પુરાવા હશે તેવું સૌ કોઈ માની લે. પરંતુ રાજનાથ સિંહે આમાં ચલાવેલું જુઠ્ઠાણું અરૂણ શૌરી ઉઘાડું પાડતા કહે છે કે, ‘કદાચ તેમને[રાજનાથ સિંહ]ને એ ખબર નહીં હોય કે સાવરકરને 1910માં દોષિત ઠરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને જેલની સજા માટે અંદમાન મોકલી દેવામાં આવ્યા હતા. તેના બે મહિના પછી જ તેમણે માફીનામું લખી મોકલ્યું હતું. ત્યાર બાદ સાવરકરે અનેક માફીનામા લખ્યા હતા. 1910-1911માં ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા. ગાંધી 1915માં હિંદુસ્તાન પાછા ફર્યા હતા. ત્યારે સાવરકરને ચાર વર્ષ જેલમાં વિતાવી ચૂક્યા હતા અને તેમણે પાંચ માફીનામા દાખલ કરી દીધા હતા.’
 
આગળ શૌરી સાવરકરની માફી સંબંધિત વિગતો રજૂ કરતાં કહે છે કે, ‘અંગ્રેજો દ્વારા રાજકીય કેદીઓ માટે સામાન્ય માફીની જાહેરાત થઈ હતી, ત્યારે તેમાં સાવરકરને સામેલ કરવામાં ન આવ્યા. આ વિશે તે વખતે સાવરકરના નાના ભાઈ નારાયણ, જે જેલમાં નહોતા. તેમણે ગાંધી પાસે સલાહ માંગી હતી. આ વિશે ગાંધીજીએ કહ્યું હતું કે, સાવરકર પોતાની અરજીમાં લખે કે તેઓ રાજકીય કેદી છે, તે માટે તેઓ માફી મેળવી શકે છે. સાવરકરે આવું જ કર્યું હતું. સાથે એવી બાંયધરી આપી હતી કે જેલમાં બંધ તેમના બીજા ભાઈ ભારતમાં જે બ્રિટિશ શાસન છે – તેના વિરોધમાં નથી.’
 
માફીનામા અંગે એક અન્ય દલીલ થાય છે તે સંબંધે પણ શૌરી તથ્યો લઈ આવ્યા છે અને ખૂબ અધિકારપૂર્વક તેઓ માંડીને વાત કરતાં કહે છે કે, ‘સાવરકરને નાસિકના એક કલેક્ટરની હત્યામાં સંડોવણી માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. અને 25-25 વર્ષની બે અલગ-અલગ સજા તેમને થઈ હતી. સજા માટે તેમને અંદમાન એટલે ‘કાલા પાની’માં મોકલવામાં આવ્યા હતા. જેલવાસ દરમિયાન સાવરકરે અંગ્રેજોને અનેક માફીનામા લખ્યા. તેને લઈને સાવરકરની અનેક લોકો ટીકા કરે છે. જોકે સાવરકર ખુદ અને તેમના સમર્થકો અંગ્રેજોથી માફી માંગવાની તેમની વાતને યોગ્ય ઠેરવે છે અને કારણ તેમની રણનીતિ હતી – તેમ આપે છે. આ કારણે જ તેમણે કેટલીક છૂટ મેળવી હતી’ સાવરકરની આ રણનીતિને શિવાજીના રણનીતિ સાથે સરખાવવામાં આવે છે. પરંતુ અરૂણ શૌરી તે વિશે સ્પષ્ટતા કરે છે : ‘ઔરંગઝેબના અથવા તો તેના સેના કારણે શિવાજી જ્યારે કોઈ મુસિબતમાં ફસાઈ જતા – તો તેઓ ઔરંગઝેબને પત્ર મોકલીને જણાવતા કે દક્ષિણમાં જીત માટે તેમની મદદ કરશે. અને જેવાં શિવાજી મુસિબતમાંથી નીકળી જાય એટલે તુરંત પોતાની રીતે કામ કરતા. પરંતુ શું સાવરકર મુસિબતમાંથી બહાર નીકળ્યા તો તેમણે શિવાજીની જેમ કોઈ કાર્ય કર્યું? બિલકુલ નહીં. તેઓ તો અંગ્રેજોને મદદ કરતા હતા.’
 
આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે સંદર્ભ વિનાની વાતો થોકબંધ રીતે ક્ષણમાં પ્રસરે છે ત્યારે કોઈ વ્યક્તિ વિશેની આધારભૂત માહિતી શોધીને તેને સરળ ભાષામાં જણાવવી તે ઇતિહાસને સમજવા માટે ખાસ્સી ઉપયોગી થાય છે. અરૂણ શૌરી સાવરકર વિશે જે લખ્યું અને પુસ્તક વિશે જે વાત કરી રહ્યા છે; તેના આધાર-પુરાવા ઉપલબ્ધ છે. આ માટે તેઓ સાવરકરના જ લખાણોને ટાંકે છે. સાવરકરના કેટલાંક લખાણો ઓનલાઇન ઉપલબ્ધ છે. હિંદી ભાષામાં ‘સાવરકર સમગ્ર’ દિલ્હીના પ્રભાત પ્રકાશન દ્વારા પ્રકાશિત થયા છે. આ દસ ગ્રંથોમાં સાવરકરના તમામ લખાણ વાંચવા મળે છે. સાવરકર સમગ્રના ચોથા ગ્રંથમાં ‘ગાંધી આપાધાપી’નો વિભાગ છે, તેમાં સાવરકરે ગાંધીની ખૂબ ટીકા કરી છે. આ લેખો 1927થી 1930ના સમયગાળાના છે. ગાંધી અને સાવરકરના સંબંધો વિશે શૌરીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે કે, ‘વર્ષ 1948માં મહાત્મા ગાંધીની હત્યાના છઠ્ઠા દિવસે વિનાયક દામોદર સાવરકરને ગાંધીની હત્યામાં ષડયંત્રમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને ફેબ્રુઆરી 1949માં દોષમુક્ત કરવામાં આવ્યા હતા. સાવરકર ગાંધીજીના મિત્ર નહોતા. ખરેખર તેઓ ગાંધીજીની ધૃણા કરતા હતા. તેઓ ગાંધીજીને મૂર્ખ અને પાગલ સુધ્ધા કહેતા. અને ગાંધીજીને ચેતાકોષનો હૂમલા આવે છે અને તેઓ બકવાસ કરે છે. અને તેઓ હાલતાં-ચાલતાં પ્લેગ છે – તેવું પણ સાવરકર કહી ચૂક્યા છે.

- Advertisement -

સાવરકરની હિંદુત્વ અને હિંદુઇઝમની વિભાવના વિશે શૌરીએ લખ્યું છે. તે વિશે વાત કરતા શૌરી કહે છે : ‘હિંદુત્વ અંગેની સાવરકરનું જે મૂળ પુસ્તક છે તેમાં સાવરકરે લખ્યું છે કે ‘હિંદુત્વ’ અને ‘હિંદુઇઝ્મ’માં ખૂબ અંતર છે.’ અને પછી તેઓ એમ પણ કહે છે કે, ‘જો સાવરકરનું હિંદુત્વ આવશે તો હિંદુસ્તાન હિંદુસ્તાન રહેશે નહીં. તે ‘ઇસ્લામિક સ્ટેટ ઇન સેફરોન’ બની જશે.’

અરૂણ શૌરીએ સાવરકરના વિશેના પુસ્તકમાં અનેક આવી બાબતો રજૂ કરી છે, પરંતુ જ્યારે તેઓ અટલ બિહારી વાજપેયીના મિનિસ્ટ્રીમાં હતા ત્યારે હિંદુત્વ વિશેનું તેમનું વલણ જેટલું આજે ટીકાનું લાગે છે તે અગાઉ નહોતું. તે સમયે તેમની ઓળખ ‘રાષ્ટ્રવાદી હિંદુ’ બૌદ્ધિક તરીકે પ્રસ્થાપિત થઈ હતી. જોકે તથ્ય કોઈ પણ રીતે સામે આવે તો તેને સ્વીકારવું રહ્યું.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular