SMC team seizes bottles of Royal Stag from Ahmedabad : ભાવનગરમાં લઠ્ઠાકાંડ (Bhavnagar Lattha Kand) સર્જાતા રાજ્યભરમાં પોલીસ દારૂના કેસો કરવામાં લાગી ગઈ છે. ધોલેરામાંથી ઝેરી દારૂની 24 બોટલો મળી તે જ દિવસે અમદાવાદ શહેરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે રોયલ સ્ટેગ બ્રાંડની બોટલો સાથે બે આરોપીને ઝડપી પાડ્યા. અમદાવાદ શહેરના છેવાડે આવેલા બોડકદેવ ગામ (Bodakdev Ahmedabad) માંથી બારકોડ સ્ટીકર કાઢી નાંખેલી રોયલ સ્ટેગની બોટલો મળતા SMC PI સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ અને IPS અધિકારીઓના જીવ તાળવે ચોંટી જાય છે. દારૂનો કેસ બોડકદેવ પોલીસ સ્ટેશન (Bodakdev Police Station) ખાતે નોંધાતાની સાથે જ સેમ્પલ પેટે ત્રણ બોટલ FSLમાં મોકલવામાં આવે છે અને ત્વરિત રિપોર્ટનો આગ્રહ રખાય છે. 19 ઓગસ્ટની સવારે પકડાયેલા દારૂનો રિપોર્ટ 20 તારીખે નોર્મલ આવતાં કલાકો બાદ પોલીસ અધિકારીઓના શ્વાસ નીચે બેસે છે.
રોયલ સ્ટેગ બ્રાંડનો દારૂ પકડાયો અને પોલીસનો જીવ તાળવે ચોંટ્યો
વિદેશી દારૂમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોય અને તેમાં અનેક પ્યાસી મોતને ભેટ્યા હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની જાણકારી ઉચ્ચ પોલીસ અધિકારીઓને 18 ઓગસ્ટની બપોરે મળે છે. આ પછી પણ લઠ્ઠાકાંડની ઘટના પર ઢાંકપિછોડો કરવા ભાવનગર પોલીસના અધિકારીઓ પ્રયત્નશીલ રહે છે. એક પછી એક મોતનો આંકડો વધવા લાગતા રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક (G S Malik) સ્થિતિને પારખી લઈ સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) સહિત રાજ્ય પોલીસને દારૂના કેસો શોધવા આદેશ આપે છે. બુધવારે 19 ઓગસ્ટની સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ વાય.જે. રાઠોડ અમદાવાદ શહેરના છેવાડે આવેલા બોડકદેવ ગામમાં દરોડો પાડીરોયલ સ્ટેગ બ્રાંડની 597 બોટલના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડે છે. પકડાયેલી દારૂની બોટલોનો બારકોડ કાઢી નંખાયેલો હોવાથી રેડ પાડનારા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ટેન્શનમાં આવી જાય છે. લઠ્ઠાકાંડમાં રોયલ સ્ટેગની બોટલોમાં ઝેરી દારૂ સપ્લાય કરાયો હોવાની વાત SMC PI અને અન્ય પોલીસ અધિકારીઓની જાણમાં હોવાથી તાત્કાલિક FSL રિપોર્ટ મગાવવામાં આવે છે.
PIથી DCP સુધીના અધિકારીઓનો જીવ અધ્ધર
18 ઓગસ્ટના જાહેર થયેલા ભાવનગર લઠ્ઠાકાંડની પ્રાથમિક તપાસમાં બુટલેગરોએ રોયલ સ્ટેગ બ્રાંડની બોટલોમાં ઝેરી દારૂ વેચ્યો હોવાની માહિતી જાહેર થતાં પોલીસે દારૂ શોધવા દોડાદોડ કરી દીધી હતી. અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલી રેડમાં દારૂની બોટલોનો બુટલેગરોએ બારકોડ કાઢી નાંખ્યો હોવાથી બોડકદેવ પોલીસ સ્ટેશનથી લઈને ડીસીપી ઝોન-7 ઓફિસ સુધી ચિંતાનો માહોલ સર્જાયો હતો. જ્યાં સુધી ફોરેન્સિક રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ તમામ પોલીસ અધિકારીઓનો જીવ તાળવે ચોંટેલો રહ્યો હતો. 20 ઓગસ્ટના રોજ FSLના રિપોર્ટમાં દારૂની બોટલોમાં મિથેનોલની માત્રા નહીં હોવાની જાણ થતાં એસએમસી અને અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.








