Gujarat Liquor and crime story murder case Una: ગુજરાતમાં ઠેરઠેર દારુ બેફામ છે. નકલી દારુકાંડમાં લાશોની લાશો ઢળી રહી છે. બીજી બાજુ પોલીસની કોઈ મદદ કરે તો તેનું પણ ઢીમ ઢાળી દેવાની ઘટના સામે આવી છે. પોલીસ માટે હાલ જાણે શ્રાવણના પવિત્ર માસમાં શ્રાધ બેઠો હોય તેવી સ્થિતિ છે. આ કેસમાં પણ પોલીસ તેવા માણસને પણ રક્ષણ ના આપી શકી જેણે ખુદ પોલીસની એક સમયે મદદ કરી હતી. પંચ બનીને તેણે સહિ કરી હતી તેના કારણે તેનો જીવ ગયો હોવાની વિગતો સામે આવી છે. ઉના પોલીસ માટે આ માથે કાળી ટીલી સમાન ઘટના છે. હાલ ગુજરાતમાં આ કેસનો બહુ ઉહાપોહ નથી, કદાચ કારણ તેની ગરીબી તો નથી?
ઘટના કાંઈક એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં દારૂની પોલીસ કાર્યવાહીમાં પંચ તરીકે સહી કરનાર યુવક પર થયેલો જીવલેણ હુમલો આખરે મોતમાં પરિણમ્યો છે. તા. 5 ઓગસ્ટે મુકેશભાઈ જંતીભાઈ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ઉના બાદ ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા મુકેશભાઈએ 17 દિવસની સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા.

મળતી માહિતી મુજબ, તા. 3 ઓગસ્ટે મનીષ પ્રદીપભાઈ રાવળના પિતા પ્રદીપભાઈના કબજામાંથી ઉના પોલીસ સ્ટાફે દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં મુકેશભાઈ પંચ તરીકે રહ્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખી તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, તા. 5 ઓગસ્ટની રાત્રે મુકેશભાઈ જંતીભાઈ પોતાના ગોડાઉન પાસે બેઠા હતા. દરમિયાન મનીષ પ્રદીપભાઈ રાવળ, પારસ પ્રદીપભાઈ રાવળ અને રોહિત ઉર્ફે બાડો રાજુભાઈ ગુજરીયા ત્યાં પહોંચ્યા હતા. આરોપ છે કે મનીષ અને રોહિતે લોખંડના પાઇપથી જ્યારે પારસે છરી વડે મુકેશભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના માથા, પગ, આંખ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
ઘટનાની જાણ પરિવારજનોને થતાં મુકેશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને પગલે તેમને વધુ સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ મગજની ગંભીર ઈજાને કારણે તેમને બ્રિજેશ શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન મુકેશભાઈના માથાના હાડકામાં અનેક ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું અને મગજનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જમણા પગના સાથળમાં ફ્રેક્ચર તેમજ ખભા, ઘૂંટણ, ડાબા હાથના કાંડા અને જમણી આંખ સહિતના ભાગોમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. 17 દિવસ સુધી તબીબી સારવાર અને જીવન સામેની લડત બાદ મુકેશભાઈનું મોત નીપજ્યું હતું.
મુકેશભાઈ પર થયેલો હુમલો શરૂઆતમાં જીવલેણ હુમલાની ઘટના તરીકે સામે આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. દારૂની પોલીસ કાર્યવાહીમાં પંચ તરીકે સહી કરવાના મનદુઃખને કારણે હુમલો થયો હોવાના આક્ષેપને પગલે હવે સમગ્ર મામલે પોલીસ તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.








