Saturday, August 22, 2026
HomeGujaratશું માંડ્યુ છે આ..? ગુજરાતમાં હવે બીમાર પડો તો દવા પણ નકલી....

શું માંડ્યુ છે આ..? ગુજરાતમાં હવે બીમાર પડો તો દવા પણ નકલી….

- Advertisement -

Gujarat Duplicate Medicine case: ગુજરાતમાં હમણાં જ નકલી દારુ પીને 9 લોકો મૃત્યુ પામ્યા છે. અગાઉ પનીર નકલી, પોલીસ નકલી, અધિકારીઓ નકલી, ઘી, મરચું, હળદળ, તેલ, દૂધ અહીં સુધી કે નકલી કોર્ટ પણ જોવાનો લાહવો કદાચ આપને પણ મારી જેમ મળ્યો હશે. જેને કારણે નકલી કરતાં જો કોઈ અસલી વસ્તું મળે ત્યારે તમને નવાઈ લાગતી હશે મારી જેમ. સતત નકલીના અહેવાલો જોઈ આ શું માંડ્યું છે? તેવો સવાલ કદાચ તમારા મોઢે પણ આવી જાય. બન્યું છે એવું કે, અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને કમિશનરના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ દિવસથી 30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન નકલી ‘NICARDIA RETARD 10 TABLETS’ના કુલ 1,250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે રૂ.1.70 લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

તંત્રને માહિતી મળી હતી કે J.B. Chemicals & Pharmaceuticals Ltd., ભરૂચ દ્વારા ઉત્પાદિત NICARDIA RETARD 10 TABLET, બેચ નંબર ACG25007ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. ખાતે વેચાતી હોવાની શક્યતા છે. આ માહિતીના આધારે 19 ઓગસ્ટ, 2026થી અમદાવાદ સહિત અન્ય સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -

તપાસ દરમિયાન નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી J.B. Chemical & Pharmaceutical Limited, Bharuchના નામે દર્શાવાયેલી NICARDIA RETARD 10 TABLETS, Batch No. ACG25007નો જથ્થો મળી આવ્યો હતો. તેના કુલ 660 ટેબ્લેટ નિયત નમૂના હેઠળ જપ્ત કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમદાવાદના પાલડીની પાર્શ્વ મેડિકલ એજન્સીમાંથી Apex Pharma Agency, Bhavnagar મારફતે રોટરી ટીમ્બી મેડિકલ સ્ટોર્સ, ટીમ્બી, ભાવનગરને સપ્લાય કરવામાં આવેલા આ જ દવાના 590 ટેબ્લેટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે અને સંબંધિત જથ્થાને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ બેચની Nicardia Retard 20 Tablets, Cilacar 5, Cilacar 10, Cilakar TM 50 તથા Nicardia Retard 10 Tabletsનો સમાવેશ થાય છે. વિવિધ પેઢીઓમાંથી અંદાજે રૂ.1.70 લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો નિયત નમૂના હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

- Advertisement -

પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાની સપ્લાય ચેન પણ સામે આવી છે. તપાસ મુજબ સેના ફાર્માસ, લખનઉથી પાર્થ મેડિકલ એજન્સી, પાલડી, અમદાવાદ, ત્યારબાદ પારસ ઈકોમેડ, સેટેલાઇટ, અમદાવાદ, સાણંદ મેડિકલ સ્ટોર, સાણંદ અને ત્યારબાદ લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ., સેટેલાઇટ, અમદાવાદ સુધી સપ્લાય ચેન હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે અમદાવાદ, સુરત અને ભુજ સહિત વિવિધ સ્થળોએ આવેલી પેઢીઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમાં લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ., સાણંદ મેડિકલ સ્ટોર્સ, પારસ ઈકોમેડ, પાર્શ્વ મેડિકલ એજન્સી, ફાર્મા–365, કિશન મેડિકલ સ્ટોર, અરિહંત મેડિકલ એજન્સી, જે.એલ.યુ. મેડિકલ એજન્સી, વર્ધમાન મેડિકલ એજન્સી, સાગર ફાર્મા એજન્સી, આગમ ગમ ફાર્માસ્યુટિકલ, આયુષ મેડિકલ એજન્સી, સુમેલ, એશ્યોર હેલ્થ કેર, રિદ્ધિ મેડિકલ એજન્સી, પારસ મેડિકલ એજન્સી, ગ્લોબલ ફાર્મા, ગિરિરાજ હેલ્થ કેર, કે એમ ડિસ્ટ્રીબ્યુટર, મેરુ ફાર્મા, શ્યામ ડિસ્ટ્રીબ્યુટર, સંજીવની મેડિકલ, એપેક્ષ ફાર્મા, રોટરી ટીમ્બી મેડિકલ સ્ટોર, રામ મેડિકલ સ્ટોર અને સત્યમ ફાર્મસી સહિતની પેઢીઓનો સમાવેશ થાય છે.

તંત્ર દ્વારા સંબંધિત અન્ય પેઢીઓની ખરીદ-વેચાણની વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે સઘન તપાસ ચાલુ છે અને તપાસનો વ્યાપ ઉત્પાદક સુધી લઈ જવામાં આવશે. જરૂર જણાશે તો સંડોવાયેલા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ગેરકાયદેસર, બનાવટી અને કાઉન્ટરફેટ દવાઓના વેચાણમાં સંકળાયેલા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular