Ahmedabad Police seizes bottles of poisonous liquor from Dholera : ભાવનગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ચાર લોકો મોતને ભેટ્યા (Liquor Tragedy in Bhavnagar) છે. મંગળવારની રાતથી ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લાની પોલીસ ઝેરી દારૂનો જથ્થો શોધવામાં લાગી છે. ભાવનગર લઠ્ઠાકાંડની તપાસ કરી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ને કેટલીક જ બોટલો હાથ લાગી છે. ભાવનગરને અડીને આવેલા અમદાવાદના ધોલેરામાં ઝેરી દારૂની 24 બોટલો આવી હોવાની જાણકારી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા એલસીબીના હોશ ઉડી ગયા હતા. મોડી રાતે ધોલેરાના મીંગલપુર ગામના શૈલેષ સવશીભાઈ મેરને પકડી ઝેરી દારૂની તમામ બોટલો મળી આવતા જિલ્લા પોલીસે હાશ અનુભવી હતી.
ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના (Hooch Tragedy Bhavnagar) બાદ શરૂ થયેલી પોલીસ તપાસમાં શરૂઆતમાં રાઉન્ડ અપ કરાયેલા બુટેલગર ગૌતમ, જયદીપ સહિતના શખસોની પૂછપરછમાં ઝેરી દારૂ કોને અને ક્યાં સપ્લાય કર્યો છે તેની વિગતો મેળવવામાં આવી હતી. ભાવનગરના કુભારવાડાના જયદીપની પૂછપરછમાં જાણકારી મળી હતી કે, ધોલેરા તાલુકાના રાજપુર ગામે તેની સાસરીમાં સોમવારની રાતે ગયો હતો અને ગૌતમ પાસેથી લીધેલી દારૂની 24 બોટલ શૈલેષ મેર ઉર્ફે શૈલાને વેચી હતી. આ જાણકારી અમદાવાદ જિલ્લા પોલીસ પાસે આવતાની સાથે જ મંગળવારની રાતે ધોલેરા પોલીસે શૈલેષ મેરને ઉપાડી લઈ દારૂની તમામ 24 બોટલો કબજે કરી હતી. આ મામલે ધોલેરા પોલીસે શૈલેષ મેર, જયદીપ તેમજ અન્ય સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. કબજે લેવાયેલી દારૂની બોટલમાંથી સેમ્પલ મેળવી તપાસ માટે FSL માં મોકલવામાં આવ્યા છે.








