Human trafficking case Gujarat Rajasthan and Maharashtra: ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા બાળ તસ્કરીના કૌભાંડમાં સાબરકાંઠા જિલ્લા પોલીસની તપાસ વધુ તેજ બની છે. પોશીના વિસ્તારમાંથી એક માસની બાળકી મળી આવ્યા બાદ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે મુખ્ય આરોપી કવિતા જાદવની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં બાળકોને મહારાષ્ટ્ર સુધી વેચવામાં આવતા હોવાના ખુલાસા થયા છે. હવે પોલીસ બાળકોના ખરીદદાર આરોપીઓ સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી રહી છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને પોશીના સહિત રાજસ્થાનના કોટડા છાવણી જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી બાળ તસ્કરીના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા. દરમિયાન સાબરકાંઠા જિલ્લા પોલીસે બાતમીના આધારે એક ઈકો કારની તપાસ કરતા તેમાંથી એક માસની બાળકી મળી આવી હતી. ઘટનાની તપાસ આગળ વધતા માસૂમ બાળકોને રૂ.1 લાખથી લઈને રૂ.1.50 લાખ સુધીમાં વેચવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુંબઈમાં રહેતી કવિતા જાદવ કથિત રીતે બાળકોનું વેચાણ મહારાષ્ટ્રના નૂરી હારૂન શેખને કરતી હતી. ત્યારબાદ નૂરી હારૂન શેખ કોલ્હાપુરના મુન્ના નામના વ્યક્તિ મારફતે બાળકોનું વેચાણ કરતો હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
મુખ્ય આરોપી કવિતા જાદવની ધરપકડ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલમાં સાબરકાંઠા પોલીસની ટીમ આરોપીને સાથે રાખીને મુંબઈમાં તપાસ કરી રહી છે. પોલીસ બાળકોને ખરીદનારા તેમજ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા આ બાળ તસ્કરીના નેટવર્કમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા બાળકોનું વેચાણ થયું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.








