Monday, October 26, 2026
HomeGujarat'રામનું એન્કાઉન્ટર નહીં પણ મર્ડર જ છે' ખુદ PI પરમાર ચિંતામાં પડ્યા...

‘રામનું એન્કાઉન્ટર નહીં પણ મર્ડર જ છે’ ખુદ PI પરમાર ચિંતામાં પડ્યા | શતરંજ-70

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-70, નવજીવન ન્યૂઝ): ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર હિંમતનગરથી પાછા ફરી રહ્યા હતા. તેમનું મન ખિન્ન હતું. પોતાના સિનિયરનો ઑર્ડર હોવાને કારણે તેઓ અમદાવાદ પાછા આવવા નીકળ્યા, પણ તેમની કારની સ્પીડ કરતાં તેમનું મગજ વધારે ઝડપે દોડી રહ્યું હતું. રામ કેવી રીતે હિંમતનગર પહોંચ્યો, કેવી રીતે ઍન્કાઉન્ટર થયું, — તેવા અનેક પ્રશ્નો હતા. પણ આ પહેલું એવું ઍન્કાઉન્ટર હતું, જેમાં ગુજરાત પોલીસના અધિકારીને ગોળી વાગી હોય. એક તરફ પરમારનું માનવું હતું કે, ચોક્કસ રામની પણ હત્યા જ થઈ છે. પણ બીજી તરફ સબ-ઇન્સ્પેક્ટર દિવ્યાંગ ભટ્ટને જે રીતે ગોળી વાગી હતી. તે જોતાં તેમને શંકાનો લાભ આપી શકાય તેમ હતો. નિઝામ અને રૂપાનું અપહરણ થયું ત્યારે રામ સાથે હતો, તો કેમ રામનું ઍન્કાઉન્ટર ના થયું અને કેવી રીતે રામ જયપુર જેલ સુધી પહોંચી ગયો! જેલમાં રહેલા રામને કેમ એવું લાગી રહ્યું હતું કે, ગુજરાત-રાજસ્થાન પોલીસ તેનું ઍન્કાઉન્ટર કરશે! અને જો તેનું ઍન્કાઉન્ટર કરવું જ હોત તો નિઝામની સાથે જ તેનું કામ તમામ થઈ ગયું હોત. હવે સામે વધુ એક રહસ્ય હતું. તેનો જવાબ મેળવવાનો હતો.

રસ્તામાં જ તેમને યાદ આવ્યું કે, આદેશ સાથે વાત કરવી જોઈએ. તેમણે આદેશને ફોન જોડ્યો. સામે છેડેથી ફોન ઊંચકતાં જ આદેશે કહ્યું, “હા સર.” પરમારે વાતની શરૂઆત કરતાં જ કહ્યું, “આદેશ, હું હિંમતનગર જઈ આવ્યો, પણ મને જોતાં વછરાજાની સાહેબના મોતિયા મરી ગયા હતા. હજી તો હું માંડ અડધો કલાક ત્યાં ઊભો રહ્યો ત્યારે જૈન સાહેબનો ફોન આવ્યો. તે પણ નારાજ થઈ ગયા. તેમણે મને તરત ત્યાંથી નીકળી જવાની સૂચના આપી.” આદેશ શાંત હતો. કંઈક વિચારી રહ્યો હતો. એટલે પરમારે પૂછ્યું : “આદેશ, મને સાંભળે તો છે ને…” આદેશ કહ્યું, “હા હા, સર, સાંભળું છું. તમને શું લાગે છે?” પરમારે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું : “રામનું પણ મર્ડર છે. તેમાં મને કોઈ ડાઉટ નથી. તેમ છતાં આખી ઘટનામાં રામની ભૂમિકા શું હતી અને રામને મારી નાખવાનો મોટિવ હજી હું સમજી શકતો નથી.”

- Advertisement -

પરમાર ઘરે જવાને બદલે સીધા પોતાની ઑફિસમાં આવી ગયા. તે પોતાની ચેમ્બરમાં આંટા મારતા તો ક્યારેક બારીમાંથી રસ્તાઓ જોતા રહેતા હતા. ક્યારેક ટેબલ ઉપર પડેલી નિઝામ કેસની ફાઈલ ખોલી રામ અંગે થયેલાં નિવેદન વાંચી જતા હતા. તેમને લાગી રહ્યું હતું કે, રામનો જવાબ આ ફાઈલમાં જ છે, જે તેમના ધ્યાન બહાર નીકળી રહ્યો હતો. હવે એક એવું રહસ્ય સામે આવ્યું હતું જેના તાર કોની સાથે જોડાયેલા હતા તે સમજાતું ન હતું. નિઝામ અને રૂપાની સાથે ત્રીજી વ્યક્તિ રામ હતો. તેવું કહેનાર સૌથી પહેલી વ્યક્તિઓમાં સોલાપુર પોલીસ હતી. ત્યાર બાદ બસનો ડ્રાઇવર મોહન કાળે હતો. ત્યાર બાદ મિસ્ટર ઍન્ડ મિસિસ ગોડબોલે હતાં. પરમાર ધ્યાનથી તમામનાં નિવેદન વાંચી ગયા.

અહીંયાં સુધી તો બધું બરાબર હતું. ક્રાઇમ-બ્રાન્ચના અધિકારીઓ જે પ્રાઇવેટ કાર લઈને ગયા હતા, તેના એક ડ્રાઇવર જેઓ બંને સન ઑઇલ કંપનીના ડ્રાઇવર હતા — તેમનાં નિવેદન પ્રમાણે એક કાર અમદાવાદ આવ્યા પછી સીધી એટીએસની ઑફિસમાં ગઈ હતી. જેનો અર્થ સ્પષ્ટ હતો રામને એટીએસ લઈ જવામાં આવ્યો અને નિઝામ-રૂપા ગોલ્ડન ફાર્મ ગયાં હતાં. તો પછી રામને એટીએસની ઑફિસમાં કેમ લઈ જવામાં આવ્યો? પરમાર અટકી ગયા. તેમને ઝબકારો થયો. કદાચ આ કડી જ તેમને હવે કેસના મહત્ત્વના વળાંક ઉપર લઈ જવાની હતી. રામ એટીએસની ઑફિસમાં હતો, ત્યાંથી તે રાજસ્થાન પહોંચ્યો. અહીંયાં એક વાત સ્પષ્ટ હતી. આ ઘટના સુધી રામની હત્યા કરવાનું પ્લાનિંગ નહોતું થયું, પણ રામને એટીએસમાં કોઈ સાથે ઘનિષ્ઠ સંબંધ હતો.

પરમારે ચૌધરી ટ્રાવેલ્સનું પૅસેન્જર લિસ્ટ ચેક કર્યું. તેમની આંખો ચાર થઈ ગઈ. તેમની આંખોમાં ચમક હતી… જાણે જે ખજાનો તે વર્ષોથી શોધતા હતા તેની ઉપર તેમની નજર પડી હતી. નિઝામની ટિકિટ કિશનના નામે બુક હતી. જ્યારે આઠ નંબરની ટિકિટ ગોવિંદના નામે બુક હતી. ગોવિંદ એટલે રામ હતો. ટિકિટ-બુકિંગ સામે એક ટેલિફોન નંબર હતો જેની છેલ્લી ડિજિટ ૭૮૧૨ હતી. પરમાર તરત ફાઈલ મૂકી કમ્પ્યૂટર ઉપર જઈ બેઠા અને મોબાઇલ કંપનીને મેઇલ કરી છેલ્લે ૭૮૧૨ નંબરની કૉલ-ડિટેઇલ મોકલવાની સૂચના આપી. પરમારને પાકી ખાતરી હતી કે રામનો નંબર ઘણા રહસ્યો ખોલવાનો હતો. હજી નિઝામ અને રૂપાની હત્યાનો મામલો પૂરો થયો ન હતો. ત્યાં રામનો કેસ સામે આવ્યો હતો. જોકે હજી સુધી આ બંને કેસને જોડતી કોઈ કડી હાથ લાગી ન હતી. જેમ જેમ કેસ આગળ વધી રહ્યો હતો તેમ તેમ ગૂંચવાડો વધી રહ્યો હતો.

- Advertisement -

પરમારનું મગજ ભારે થઈ ગયું હતું, કારણ કે વહેલી સવારે ઊઠી તે હિંમતનગર ગયા હતા, ત્યાંથી સીધા ઑફિસ આવ્યા હતા. તેમને લાગતું હતું કે તે ઘરે જતા રહે, પણ ત્યાં જ પટાવાળો આવ્યો, “સર, જૈન સાહેબ બોલાવે છે.” પરમારે ઘડિયાળ સામે નજર કરી… બપોરના ૧૨ વાગી રહ્યા હતા. પરમારને સમયનો ખ્યાલ જ ના રહ્યો. તેમને ખબર હતી કે, જૈન સાહેબ નારાજ હશે. ગુસ્સે થશે… પણ હવે પરમાર માનસિક રીતે તૈયાર હતા. પરમાર અક્ષય જૈનની ચેમ્બરમાં દાખલ થયા. જૈનની નજર દરવાજા તરફ જ હતી… જાણે તે પરમારની રાહ જોઈ રહ્યા હતા! પરમારે ‘જયહિંદ’ કહેતાં, જૈને ખુરશી ઉપર પોતાના બે હાથ કડક કરતાં કહ્યું, “જયહિંદ.” પરમાર બેઠા. પરમારે જોયું… જૈનના ચહેરા ઉપર એક પ્રકારની શાંતિ હતી. આવું કેવી રીતે બને તે સમજાતું ન હતું. જૈને વાત શરૂ કરતાં પહેલાં બેલ વગાડી પટાવાળાને સૂચના આપી કે બે કૉફી લઈ આવે.

પછી વાતની શરૂઆત કરતાં કહ્યું, “પરમાર, ક્યોં ડિપાર્ટમેન્ટ કો નીચા દિખાને કી કોશિશ કરતે હો? મૈં જાનતા હૂં તુમ અચ્છે ઇન્સાન હો, ફિર ભી તુમ જો કર રહે હો ઉસસે તુમ્હેં ક્યા ફાયદા હોગા?” પરમારે કંઈ જવાબ આપ્યો નહીં, કારણ કે પરમારને ખબર હતી. તેની કોઈ વાત સાથે ડીઆઇજી સંમત થશે નહીં. જૈને પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “દેખો, આજ મેરી ઔર ડીજી સા’બ કી હોમ મિનિસ્ટર કે સાથ મિટિંગ હૈ. જો બાત આગે બઢ ચુકી હૈ ઉસમેં તુમ ઔર મૈં કુછ નહીં કર સકતે. લેકિન અબ રામ કા કેસ આગે બઢે નહીં, ઇતના દેખ લો.” પરમાર હજી પણ શાંત હતા. જૈન પોતાની ખુરશી ઉપરથી થોડા આગળ આવ્યા. તેમણે પરમારની આંખોમાં જોતાં કહ્યું : “પરમાર, એક સિનિયર કે નાતે નહીં, પર્સનલ કૅપેસિટી મેં રિક્વેસ્ટ કર રહા હૂં કિ રૂક જાવ.” પરમારે જોયું કે જૈનની આંખમાં રીતસરની કાકલૂદી હતી. કદાચ આવી જ કાકલૂદી નિઝામ અને રામે પણ મરતી વખતે પોલીસને કરી હશે. પણ ત્યારે તેમને કોઈ દયા આવી નહીં!

પરમારે પોતાના વિચારોને ખંખેરી નાખતાં કહ્યું, “નહીં સર, આપ ઇસ પ્રકાર રિક્વેસ્ટ કરો… મુજે અચ્છા નહીં લગતા.” ત્યાં કૉફી લઈ પટાવાળો અંદર દાખલ થયો એટલે બંને શાંત થઈ ગયા. તે કૉફી મૂકી બહાર ગયો એટલે જૈને પરમારને હાથના ઇશારે કૉફી લેવાની સૂચના આપી. પોતે પણ કપ ઉપાડ્યો. તેમની નજર અને કાન પરમાર તરફ હતાં.

- Advertisement -

પરમારે કહ્યું, “સર, મૈં કોશિશ કરૂંગા… લેકિન પ્રોમિસ નહીં કરતા ક્યોંકિ ઇસ કેસ કા ઇન્વેસ્ટિગેશન ઑફિસર મૈં હૂં. કલ ઐસા ના હો કિ સુપ્રીમ કોર્ટ મેરા ગલા પકડે.” “પરમાર, મૈં સમજ સકતા હૂં.” તેમ કહી પોતાની વાત સાચી ઠેરવવાનો પ્રયાસ કરતાં જૈને કહ્યું, “દેખો યહ મંત્રીજી ઔર ઉનકે ચમચોંને જો બાત બિગાડી હૈ વહ અબ હમેં સુધારની ચાહિયે ઐસા ઉન્હેં લગતા હૈ. ફિર ભી હમારી ભી એક મર્યાદા હૈ. મૈં સમજતા હૂં મૈં આજ ખુદ મંત્રીજી કો યહ બાત બતાઉંગા.” પરમાર ત્યાંથી નીકળ્યા અને સીધા ઘરે ગયા. તેમનું મન હવે ખિન્ન પણ ન હતું અને શાંત પણ ન હતું.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular