Election Commission did not provide an RTI response regarding the SIR issue : સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision) ઝુંબેશ હેઠળ દેશના 13 કરોડથી વધુ મતદારના નામ કાઢી નાંખવાના વિવાદ વચ્ચે ચૂંટણી પંચે રાઇટ ટુ ઇર્ન્ફમેશન એકટ હેઠળ માગવામાં આવેલી માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. તેલંગાણાના કાર્યકર એમ. એ. મુજીબ અય્યૂબે વોટર લિસ્ટમાં ખામીઓ શોધવા માટે ઉપયોગમાં લેવાયેલા AI ટૂલ અંગે વિગતો માગી તો, ચૂંટણી પંચે “કોમર્શિયલ કોન્ફિડન્સ” અને “ટ્રેડ સિક્રેટ” કહીને RTI Act હેઠળ માહિતી જાહેર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. અત્રે નોંધનીય છે કે, ઈરોનેટ (ERONET) પોર્ટલની ભૂમિકા અને પંચના આંતરિક મતભેદોને લઈને પણ ભૂતકાળમાં વિવાદો સામે આવી ચૂક્યા છે, ત્યારે RTI ના આ વલણથી પારદર્શિતા સામે વિવાદ વધુ ઘેરો બન્યો છે.
અનેક રાજ્યોમાં ચૂંટણી ટાણે સેંકડો મતદારોના નામ કમી કરવાની ફરિયાદો લાંબા સમયથી થતી આવી છે અને આ મામલે ચૂંટણી પંચ સામે અનેકવાર આંગળી ચિંધાઈ છે. ચૂંટણી પંચની કાર્યરિતીને લઈને ઉઠેલા સવાલો અને આરોપોની વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર કેન્દ્ર સ્થાને છે. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ (Demand for Gyanesh Kumar resignation) સાથે વિરોધ આંદોલન શરૂ થયું છે. જેની વચ્ચે ચૂંટણી પંચે આરટીઆઈનો જવાબ આપવાનું ટાળ્યું છે.
તેલંગાણાના કરીમનગરના સામાજિક કાર્યકર એમ. એ. મુજીબ અય્યૂબે ચૂંટણી પંચમાં RTI કરી કેટલીક વિગતો માગી હતી. જેમાં મતદારોની માહિતી (Voter Information) ની ખામીઓ શોધવા કયા AI પ્લેટફોર્મ કે સોફ્ટવેરનો ઉપયોગ કરાયો?, શું આ સિસ્ટમ ઓટોમેટિકલી નામો સૂચવે છે?, કોઈ વૈધ મતદાર (Valid Voter) નું નામ ભૂલથી ન કપાય તે માટે કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે ?
ચૂંટણી પંચે ગત 16 ઓક્ટોબરે આપેલા જવાબમાં કલમ 8(1)(g) નો હવાલો આપ્યો હતો, જે વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતી માહિતી રોકવા સાથે સંબંધિત છે. પંચે સ્પષ્ટ કર્યું કે SIR માટે કોઈ નવું સોફ્ટવેર ખરીદવામાં આવ્યું નથી અને નામ ઉમેરવા કે હટાવવાનો આખરી કાનૂની અધિકાર સંબંધિત ક્ષેત્રના ઇલેક્ટરોલ રજીસ્ટ્રેશન ઓફિસર (ERO) પાસે જ રહે છે.








