પ્રશાંત દયાળ (શતરંજ-68, નવજીવન ન્યૂઝ): રાત્રે વિનોદ પરમાર અને આદેશે મળવાનું નક્કી કર્યું હતું, તે પ્રમાણે પરમાર પોતાની ઑફિસથી નીકળી સીધા આદેશની ઑફિસે પહોંચ્યા. તેમણે ઑફિસ નીચેથી ફોન કરતાં પાંચ મિનિટમાં આદેશ આવ્યો અને તે પરમારની કારમાં ગોઠવાઈ ગયો. કાર થોડી આગળ ચાલતાં, પરમારે કહ્યું, “આદેશભાઈ, પાછળની સીટમાં વોડકા પડી છે. કોલ્ડ્રિંક, પાણી અને ચીઝક્યૂબ પડ્યાં છે.” આદેશે પાછળની તરફ વળી વોડકાની બૉટલ અને કોલ્ડ્રિંક લીધાં. સાથે બે પ્લાસ્ટિકના ગ્લાસ પણ હતા. તેમાં બંનેના પેગ બનાવ્યા અને એક પેગ પરમારને આપ્યો. પરમારનો એક હાથ સ્ટિયરિંગ ઉપર હતો અને બીજા હાથે વોડકા ભરેલો ગ્લાસ પકડી રાખ્યો હતો. કારની સ્પીડ ખાસ ન હતી… લગભગ ત્રીસ-ચાલીસની વચ્ચે જ હતી. આદેશે પીવાની શરૂઆત કરી હતી. જ્યારે આદેશે બીજી વખત સીપ મારી ત્યારે તેણે જોયું તો, હજી પરમારે એક પણ સીપ મારી ન હતી. તે રસ્તા ઉપર જોઈ રહ્યા હતા, પણ તેમનું મન બીજે ક્યાંક દોડી રહ્યું હતું.
આદેશે ધીમા અવાજે પૂછ્યું : “સર?” તરત પરમારે આદેશ સામે જોયું, આદેશે પૂછ્યું : “એવરીથિંગ ઑલરાઇટ?” પરમારે ફરી સામે જોઈ કહ્યું, “યસ.” આદેશે પોતાનો ગ્લાસ કારમાં મૂકવા માટેની ખાસ વ્યવસ્થા કરી હતી, ત્યાં મૂકી દેતાં કહ્યું, “સર, તમે ખોટું બોલી શકતા નથી, તો શા માટે તેનો પ્રયત્ન કરી રહ્યા છો? શું થયું… મને કહેશો તો ગમશે.” પરમાર સૂનમૂન થઈ કાર ચલાવી રહ્યા હતા, તેમણે એક જ ઝાટકે આખો ગ્લાસ મોઢે માંડી પૂરો કરી નાખ્યો. આદેશને ખૂબ આઘાત લાગ્યો, કારણ કે પરમારને ક્યારેય આવી રીતે પીતાં તેણે જોયા ન હતા. પરમાર ડિસ્ટર્બ હતા, તે વાત સાચી હતી. પણ કારણની હજી ખબર નહોતી. ફરી પાછી બંને વચ્ચે નીરવ શાંતિ છવાઈ ગઈ. આવી રીતે કાર લગભગ બે-ત્રણ કિલોમીટર સુધી ચાલી હશે. સરદાર પટેલ રિંગ રોડ ઉપર ટ્રાફિક ઓછો હતો, પણ ક્યારેક ઓવરટેક કરતાં વાહનોનાં હૉર્નનો મોટો અવાજ કાન ફાડી નાખતો હતો. આદેશ વિચાર કરી રહ્યો હતો કે, કઈ બાબત હોઈ શકે જે પરમારને પીડા આપી રહી હતી! ત્યાં પરમારે આદેશ તરફ પોતાનો ખાલી ગ્લાસ આગળ કર્યો… તે પોતાનો પેગ બનાવવાનો ઇશારો હતો. હજી આદેશનો ગ્લાસ ભરેલો હતો. સામાન્ય રીતે બંનેના ગ્લાસ ખાલી થાય પછી જ બંનેના નવા પેગ બનતા હતા. પણ આદેશનો ગ્લાસ ભરેલો હોવા છતાં, પરમારે તેને પોતાનો ગ્લાસ ભરવાનું કહ્યું હતું.
આદેશે તેમને બીજો પેગ પણ બનાવી આપ્યો. પરમારે પીવાની શરૂઆત ના કરી, પણ ગ્લાસ પકડી રાખ્યો. આદેશે જોયું તો તેમની આંખો ભરાઈ આવી હતી, આદેશે તેમના ડાબા ખભા ઉપર હાથ મૂકતાં કહ્યું, “સર, મને લાગે છે ગાડી થોડી વાર ઊભી રાખીએ.” પરમારે તરત પોતાની ભીની આંખો સાફ કરતા કહ્યું, “કંઈ નહીં આદેશ, કેટલીક જૂની વાતો યાદ આવી ગઈ.”
રડવાને કારણે પરમાર થોડા સ્વસ્થ થયા હતા. થોડી વાર પછી તેમણે સામે ચાલીને જ વાતની શરૂઆત કરી : સવારે જ્યારે તેમણે નૂરુને ઉત્સાહમાં રૂપાના ડીએનએ ટેસ્ટ માટે ફોન કર્યો અને નૂરુની પોતાની ભાભી જીવતી હોવાની વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું — તે વાત કરી હતી. પરમાર માટે આ એક ઇન્વેસ્ટિગેશન હતું, પણ નૂરુ માટે તેની ભાભી રૂપા એક જીવિત વ્યક્તિ હતી. આદેશ પરમારની સાથે સંમત હતો, આવું તેની સાથે પણ બનતું હતું, જે સ્ટોરી પત્રકારો માટે ઇન્ટરેસ્ટિંગ હોય ત્યારે તે જ ઘટના કોઈના જીવનની કમનસીબ બાબત હોય છે. આદેશ ઘણી વખત કહેતો કે, “પત્રકારોનો વ્યવસાય કફન અને ઠાઠડી વેચનાર જેવો છે. ઠાઠડી વેચનાર રોજ સવારે પોતાની દુકાને આવી, દીવાબત્તી કરે અને ભગવાનને પ્રાર્થના કરે કે મારો ધંધો સારો ચાલે. અને જો ભગવાન તેની પ્રાર્થના સાંભળે તો વધુ લોકોને મરવું પડે, તો જ તેને ધંધો સારો ચાલે. તેવી જ રીતે પત્રકારો પણ અપેક્ષા રાખે અને તેમાં પણ ખાસ કરી ક્રાઇમ રિપોર્ટર કે ‘આજે સારી સ્ટોરી મળે તો મજા પડી જાય.’ — પણ ક્રાઇમ રિપોર્ટર માટેની સારી સ્ટોરી માટે કોઈની હત્યા થવી; બળાત્કાર, અપહરણ અને લૂંટ થવી જરૂરી હોય છે. લાંબો સમય ક્રાઇમ રિપોર્ટિંગ કર્યા પછી એક પ્રકારના સ્વભાવમાં એક પ્રકારની રુક્ષતા આવી જતી હોય છે અને બીજાની પીડા પત્રકાર માટેની સ્ટોરી બની જતી હોય છે. આદેશ પરમારની સ્થિતિ સમજી શકતો હતો.
આદેશનો પહેલો પેગ પૂરો થયો, ત્યાં સુધીમાં પરમારનો બીજો પેગ પૂરો થઈ ગયો હતો. પછી બંનેના પેગ સાથે બન્યા. પરમારે પોતાની વાત કહેવાની શરૂઆત કરી… “પોલીસ-અધિકારી તરીકે કાયમ દરેક ક્રાઇમ એટલે એક એફ.આઇ.આર. જ હોય છે. મોટા ભાગના પોલીસ-અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં આવનાર માણસ પછી તે ફરિયાદી હોય અથવા આરોપી હોય તેમને એફ.આઇ.આર. નંબરથી ઓળખે છે. પોલીસ માટે માણસનાં નામ કરતાં તેનો એફ.આઇ.આર. નંબર વધુ મહત્ત્વનો હોય છે પરંતુ કોઈની હત્યા થાય ત્યારે પરિવારજનોની પીડાની ખબર પડતી નથી. માણસ મૃત્યુ પામે છે, પણ તેની યાદો જીવંત રહેતી હોય છે જે ભુલાતી નથી; અને યાદોને ઝાંખી પડતાં પણ વર્ષો નીકળી જાય છે. પરમારે એક ઊંડો શ્વાસ લીધો અને ફરી શ્વાસ બહાર કાઢતાં કહ્યું, “ઘરમાં અમે ચાર વ્યક્તિ — મારાં મમ્મી-પપ્પા અને બે ભાઈઓ. અમે ગોમતીપુરમાં ખાડાવાળી ચાલીમાં રહેતાં, પપ્પા કડિયાકામ કરતા. મહિનામાં પંદર દિવસ જ કામ મળે. મમ્મીને ટી.બી.ની બીમારી હતી. વર્ષો સુધી તો તેને કઈ બીમારી છે તેની ખબર જ ના પડી. મોટા ડૉક્ટર પાસે જવાની તો હેસિયત ન હતી. સરકારી દવાખાનામાં બતાડ્યું ત્યારે ખબર પડી, વર્ષોથી ટી.બી.ને કારણે બંને ફેફસાં ખલાસ થઈ ગયાં છે. ચાલીનું મકાન અત્યંત નાનું અને ઘરની બહાર પગ મૂકો તો ગંદકીની સીમા શરૂ થતી હતી. પોતાને ટીબી છે તેવી ખબર પડતાં, માને ચિંતા થઈ કે મારાં બાળકોને ચેપ લાગશે… માટે મોટા ભાગે તે ઘરની બહાર કાથીનો ખાટલો નાખી પડી રહેતી.
“કામ પણ થતું નહીં. પિતા કડિયાનાકે જતાં પહેલાં રસોઈ કરતા. તેમને હું પણ મદદ કરતો. પણ મા માનસિક રીતે હારી ગઈ હતી. એક દિવસ તેણે દમ તોડ્યો. મારી ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. હું દસમા ધોરણમાં હતો. મા બીમાર હતી. કોઈ કામ કરી શકતી ન હતી, ખાટલામાં સૂઈ રહેતી હતી, છતાં તે હતી. સ્કૂલથી આવું એટલે ‘ભાઈ જમી લેજે’ તેવું કહેતી. સ્કૂલનું રિઝલ્ટ આવે ત્યારે હું તેને પ્રગતિપત્રક બતાડતો. તે જોતી પણ ખરી. એને ખબર હતી… તે વાંચી જ શકતી નથી, છતાં તે જોઈને મને કહેતી કે ‘ખૂબ સારા માર્ક છે. મોટો માણસ થજે.’ હવે હું જમ્યો કે નહીં, તેવું કહેનાર અને પૂછનાર કોઈ ન હતું, મારું રિઝલ્ટ પણ હવે કોઈ જોવાનું ન હતું.”
વાત કરતાં કરતાં પરમારથી ડૂસકું લેવાઈ ગયું. આદેશને લાગ્યું કે આ એ જ પોલીસ-ઑફિસર છે, જેનાથી હમણાં સરકાર અને મોટા પોલીસ-અધિકારીઓ ધ્રૂજી રહ્યા છે. હાથ રૂમાલથી આંખો લૂછતાં પરમારે વાત આગળ વધારતાં કહ્યું : “માના મૃત્યુ પછી હું મારા નાના ભાઈ અને પપ્પા સાથે અસ્થિ વિસર્જન કરવા ચાણોદ ગયો હતો. ત્યાં ઘણા હોડીવાળા ઊભા હતા. અમારે હોડીમાં બેસી ત્રિવેણી સંગમ જવાનું હતું અને ત્યાં અસ્થિ વિસર્જન કરવાનું હતું. મેં હોડીવાળાને પૂછ્યું, ‘કેટલા પૈસા થશે?’ તેણે મને કહ્યું, ‘એક માણસના દસ રૂપિયા.’ અમે ત્રણે હોડીમાં બેસી ગયા. ત્રિવેણી સંગમ ઉપર જ્યારે અસ્થિ વિસર્જન કર્યાં ત્યારે મને લાગ્યું કે, હું ખરેખર દેહ સ્વરૂપે મારી માને વિદાય આપી રહ્યો છું. કિનારે આવ્યા પછી મેં હોડીવાળા સાથે નક્કી થયા પ્રમાણે એક માણસના દસ પ્રમાણે ચાલીસ રૂપિયા તેના હાથમાં મૂક્યા. તેણે પૈસા ગણ્યા અને મને દસ પાછા આપતાં કહ્યું, ‘દીકરા, તમે તો ત્રણ છો.’ હું કંઈ બોલી શક્યો નહીં. હોડી નક્કી કરી ત્યારે મારા મનમાં અમે ઘરની ચાર વ્યક્તિઓ છીએ તે વાત દૃઢપણે હતી. જે માનું અસ્થિ વિસર્જન કર્યું, તે અચાનક જિંદગીમાં નથી તે વાત મન સ્વીકારવા તૈયાર ન હતું. માટે હોડીવાળાને ચાર વ્યક્તિ લેખે પૈસા અપાઈ ગયા હતા.”
‘માણસની કિંમત જેનો માણસ હોય તેને જ સમજાય છે’. આજે પરમાર અને આદેશ દારૂ પી રહ્યા હતા, પણ બંનેને નશો થઈ રહ્યો ન હતો. આખી બૉટલ પૂરી થઈ ગઈ હતી. બંને દારૂ પીધા પછી જ્યાં જમવા જતા ત્યાં ગયા, ઑર્ડર આપ્યો અને જમવાનું આવ્યું. જોકે બંને ખાસ જમી શક્યા પણ નહીં, કારણ બંનેનાં મન વ્યાકુળ થઈ ગયાં. રાત્રે છૂટા પડતી વખતે ‘મળીશું’ તેમ કહી આદેશની ઑફિસ પાસેથી બંને પોતાના ઘરે જવા નીકળ્યા ત્યારે રાતના સાડા બાર થવા આવ્યા હતા.
(ક્રમશઃ)








