નવજીવન ન્યૂઝ.જુનાગઢઃ જુનાગઢના વિસાવદરની વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણીનો માહોલ ઘણો હાઈ છે. આ બાજુ કડીમાં પણ આવી જ સ્થિતિ છે. તેવામાં હાલમાં જ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે જેમાં ભાજપના ઉમેદવારના ફોર્મમાં ગંભીર ભૂલ સામે આવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ઉપરાંત અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સોગંદનામા અંગે વાંધો ઉઠાવ્યો છે.
શું છે ગંભીર ભૂલ?
આ મામલા પર અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીનું કહેવું છે કે, ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે જે સોગંદનામુ રજૂ કર્યું છે, તેમાં સરકારી સ્વરૂપને બદલે પોતાની ઈચ્છાથી તૈયાર કરેલો દસ્તાવેજ સોગંદનામા તરીકે આપ્યો છે. જે પસંદગીની પ્રક્રિયાની નિયમિતતા પર પ્રશ્નો ઊભા કરે છે. કિરીટ પટેલની ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન દેખાય છે. તેમણે કેટલીક મહત્વની જાણકારી છૂપાવી છે.
આમ આદમી પાર્ટીનું પણ કહેવું છે કે કાયદાની દ્રષ્ટિએ પડકારી શકાય તેમ છે, તટસ્થ કાર્યવાહી થવી જોઈએ. પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે કે, ભાજપ ઉમેદવારો પોતાની મરજૂ મુજબનું ફોર્મ રજૂ કર્યું છે. સરકારે નક્કી કરેલા ફોર્મેટ પ્રમાણે એફિડેવિટ આપવાની હોય પણ આ ઉમેદવારે ફોર્મેટ ચેન્જ કરી કેટલીક વિગતો છૂપાવી છે, જેમાં અમુક વિગતો દર્શાવી નથી. જેથી ફોર્મ રદ થાય તેવી સંભાવનાઓ છે. ગંભીર ક્ષતિઓ હોવાની ચકાસણી દરમિયાન વાંધો ઉઠાવાયો છે.
મતલબ કે તેમના ભરેલા ફોર્મનું ફોર્મેટ અયોગ્ય હોવા અને વિગતો છૂપાવી હોવાને લઈને તેમણે વાંધો ઉઠાવ્યો છે. હવે જોવું રહ્યું કે સત્તાધારી પક્ષના આ ઉમેદવારનું ભવિષ્ય શું કહે છે.








