Heavy inflow of water into Sabarmati river : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં નવા નીરની આવકમાં વધારો થતાં જળસપાટી ઊંચી આવી રહી છે. પાણીની સતત આવક વધતા ગાંધીનગર સ્થિત સંત સરોવરના 6 દરવાજા ખોલી (Gandhinagar Sant Sarovar gates opened) દઈ 740 ક્યુસેક પાણી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે. જેના પગલે તંત્રએ નદીકાંઠાના વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કર્યા છે.
ગાંધીનગર સ્થિત સંત સરોવરમાં 2435 ક્યુસેક પાણીની આવક થતાં જળસપાટી 50.90 મીટરે પહોંચી છે. જળાશયની સપાટી નિયંત્રણમાં રાખવા સિંચાઈ વિભાગ દ્વારા સંત સરોવરમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંત સરોવરમાંથી નદીના વહેણમાં પાણી છોડાતાં ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કુલ 21 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકાના ઈન્દ્રોડા, ધોળાકૂવા, કુડાસણ, રાંદેસણ, કોબા, રાયસણ, પેથાપુર, શાહપુર, ડભોડા, કરાઈ, ભાટ સહિતના વિસ્તારો અને અમદાવાદના સુઘડ, કોટેશ્વર તથા મોટેરા ગામના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે. ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ 21 સપ્ટેમ્બર સુધી જિલ્લાના તમામ જોખમી જળાશયો, નદી, તળાવ અને નહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.








