નવજીવન ન્યૂઝ.જુનાગઢઃ વિસાવદર બેઠક પર કયા ઉમેદવારની કેટલી સંપત્તિ અને ગુના નોંધાયા છે? ભાજપના કિરીટ પટેલ, AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયા અને કોંગ્રેસના ઉમેદવાર નીતીન રાણપરીયામાંથી કોણ કેટલું દેવામાં? તે બાબતો અંગે ચાલો જાણીએ…
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કડી અને વિસાવદરમાં ચૂંટણીના ઢોલ તો હમણાં શરૂ થયા પરંતુ આ બેઠકો કબ્જે કરી લેવા માટે રાજકીય દાવપેચ બહુ પહેલા જ શરૂ થઈ ગયા હતા. સામાન્ય જનતાએ જ્યાં હમણાં જ પોતાના ધારાસભ્ય ચૂંટ્યા હતા તેમને હવે ફરી મત આપવાનો હક પ્રાપ્ત થયો છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ જાહેર કરી દેવાયા પછી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તે ફોર્મમાં તેમણે શું વિગતો મુકી છે તેના પર એક નજર કરીએ…
ભાજપના કિરીટ પટેલઃ
આમ તો આ ઉમેદવારના ફોર્મને લઈને ભારે ઉહાપોહ મચ્યો છે. વિપક્ષોનું કહેવું છે કે તેમનું ફોર્મ સરકાર દ્વારા નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરે છે. જોકે તેમણે ભરેલા આ ફોર્મમાં તેમણે આપેલી વિગતો પ્રમાણે 44 વર્ષના કિરીટ પટેલ કહે છે કે, તેમણે ઈન્કમ ટેક્સ રિટર્ન ભર્યા છે અને તે પ્રમાણે છેલ્લા વર્ષ 2019-20માં તેમની આવક 63.02 લાખ અને તેમના પત્ની સ્નેહલબેનની આવક 2.11 લાખ હતી. જે વર્ષ 2023-24 સુધીમાં વધીને અનુક્રમે 1.42 કરોડ અને 3.28 લાખ થઈ છે. ઉમેદવાર કિરીટ પટેલ સામે વર્ષ 2017માં જુનાગઢમાં એક ગુનો નોંધાયેલો છે. તેમણે વર્ષ 2016માં બી.કોમ અને વર્ષ 2022માં એલએલબી કરેલું છે.
તેમની પાસે હાથ પર 9.67 લાખની હાથ પરની રોકડ છે અને તેમના પત્ની પાસે 35 હજાર આસપાસની રકમ હાથ પર છે. બેન્કમાં થાપણથી લઈ ખાતામાં કૂલ 1 કરોડ રૂપિયા છે જ્યારે પત્નીના નામે 32 લાખ આસપાસની રકમ છે. તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઈન્વેસ્ટ કરે છે તો તેમના નામે 11,210 રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ છે. પીપીએફમાં પોતે 3.41 લાખ અને તેમના પત્નીએ 1.75 લાખ રોક્યા છે. પોતાને અન્ય પેઢી, કંપની, ટ્રસ્ટ વગેરે પાસેથી લેવાના નીકળતા 11.19 લાખ અને તેમના પત્નીને 33 લાખ રૂપિયા થાય છે. આ એક બાબતમાં તેમના પત્નીના રકમનો આંકડો તેમના કરતા ઘણો વધારે છે. તેમના પાસેના વાહનોની વિગતો આપવામાં આવી નથી. સોનું તેમની પાસે 178 ગ્રામ છે અંદાજીત 6.62 લાખનું અને તેમના પત્ની પાસે 80 ગ્રામ અંદાજીત 1.97 લાખનું છે. તેમના પુત્ર ચિત્રેશના એકાઉન્ટમાં પણ 1.97 લાખ રૂપિયા હોવાનું તેમણે જાહેર કર્યું છે.
મિલકતોની વાત કરીએ તો તેમની પાસે જુનાગઢના આણંદપુર, તાલાલાના રસુલપરામાં જમીન છે. એકરમાં કૂલ માપ જોવા જઈએ તો કૂલ 15.07 એકર જમીન છે જે તેમની વારસાગત મિલકત નથી. આ તેમણે વર્ષ 2014 અને 2018માં ખરીદી હતી. જે તે સમયે તેમણે કૂલ 24.06 લાખ રૂપિયાથી જમીન ખરીદી હતી. જેની પાછળ તેમણે વધુ 5.90 લાખનો ખર્ચ તેને વિકસાવવામાં કર્યો હતો. હાલ તેની બજાર કિંમત અંદાજીત 1.12 કરોડ જેટલી છે. આ ઉપરાંત તેમની પાસે ઈવનગરમાં બે પ્લોટ, ઝાંઝરડામાં 4 પ્લોટ અને જોશીપરામાં એક પ્લોટ છે. જે પણ વારસાગત નથી. તેમણે જ્યારે આ ખરીદી કરી ત્યારે તેમણે 2.67 કરોડ ચુકવ્યા હતા. હવે તેની અંદાજીત બજાર કિંમત 6.22 કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત કોમર્સિયલ વાત કરીએ જેમ કે ઓફિસ વગેરે તો તેવી તેમની પાસે 6 પ્રોપર્ટી છે જેને ખરીદવા માટે જે તે સમયે તેમણે 1.95 કરોડ ખર્ચ્યા હતા, બાંધકામ-વિકાસ પાછળ 2.62 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કર્યો હતો. હવે તેની પણ બજારમાં અંદાજીત વેલ્યુ 6.44 કરોડની છે.
રહેણાંક મકાનો પણ છે કિરીટ પટેલના જેની હાલમાં બજાર કિંમત 4.80 કરોડ છે અને તેમના પત્ની પાસે 1.98 કરોડની મિલકત છે. આમ તમામની બજાર કિંમત જોઈએ તો તેમની પાસે કૂલ 18.58 કરોડ અને તેમના પત્નીની મિલકતોની કિંમત 1.98 કરોડની છે.
ધનીક ઉમેદવારમાં ગણાતા કિરીટ પટેલને પણ છે દેવું
તેમણે દર્શાવેલી વિગતો પ્રમાણે તેમના માથે હજુ સુધી બેન્કમાંથી એક રૂપિયો લોન ચુકવવાની નથી. હા પણ તેમને જ્યોતિ incને 5.90 લાખ, હરેશ રાખોલિયા નામના વ્યક્તિને 4.50 લાખ, વર્લ્ડ લિંક સીસ્ટમને 1.70 લાખ ઉપરાંત મહત્વની વાત છે કે તેમના પત્ની સ્નેહલબેનને રૂ. 33,00,000 રાઉન્ડ ફીગરમાં ઉછીના લીધેલા હોઈ ચુકવવાના બાકી છે. આમ તેમને કૂલ 45.10 લાખ ચુકવવાના છે જેમાં મોટો હિસ્સો સ્નેહલબેનનો છે.
કોંગ્રેસના ઉમેદવાર નીતીન રાણપરીયા
કોંગ્રેસ ઉમેદવાર નીતીન રાણપરીયાએ વિગતો જાહેર કરી છે કે, વર્ષ 19-20માં તેમણે રિટર્નમાં કુલ આવક 4.51 લાખ દર્શાવી હતી જ્યારે વર્ષ 2023-24માં આવકમાં નજીવો વધારો થયો છે જે 4.82 લાખ રૂપિયા છે. તેમના કોઈ આશ્રીતોની આવકના રિટર્નની વિગતોમાં તેમણે લાગુ પડતું ન હોવાનું જણાવ્યું છે. તેમની સામે કોઈ ગુના નોંધાયા નથી.
કેટલું છે દેવું?
તેમની પાસે હાથ પર 70 હજાર અને તેમના પત્ની રેખાબેન પાસે 15 હજાર રોકડ છે જ્યારે બેન્કમાં થાપણો અંગે તેમની પાસે કુલ 11.80 લાખ અને તેમના પત્ની પાસે 5.35 લાખ છે. તેમની પાસે વારસાગત જમીન છે. તે સિવાય તેમણે કોઈ ખરીદી નથી અને તેની પણ અંદાજીત બજાર કિંમત 15 લાખ જેટલી છે. તેમણે જુનાગઢની એક્સિસ બેન્કમાં થી 7.98 લાખની કાર લોન લીધી છે જ્યારે ભેંસાણમાંથી 4.90 લાખની ગોલ્ડ લોન લીધી છે. આમ તેમના પર 12.88 લાખનું દેવું છે. તે ધોરણ 10 પાસ છે.
AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયા
ગોપાલ ઈટાલિયા દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે તેમણે વર્ષ 2019-20માં આવક વેરા રિટર્નમાં આવક 4.49 લાખ દર્શાવી હતી જે વર્ષ 2023-24 સુધી નજીવી વધીને 5.88 લાખ રૂપિયા થઈ છે. તેમના આશ્રીતોના કોઈ રિટર્ન દર્શાવ્યા નથી. ગોપાલ ઈટાલિયાની સામેની ફરિયાદોનું લિસ્ટ ઘણું લાંબુ છે. ગાંધીનગરથી લઈને બોટાદ સુધી કૂલ 21 કેસ ગોપાલ ઈટાલિયા સામે નોંધાઈ ચુક્યા છે. જેમાં બદનક્ષી, જાહેરનામાનો ભંગ, ધાર્મિક લાગણી, હથિયાર, ખોટી ઓળખાણ આપવી, સરકારી અનાજ કૌભાંડ ખુલ્લું પાડવા બાબતે ફરજમાં રુકાવટ, પેપર લીક કાંડના વિરોધમાં ભાજપ કાર્યાલય પર ગેરકાયદે મંડળી રચી, ટોળું ભેગા કરવા સહિતની ઘણી બાબતોની ફરિયાદો છે.
ગોપાલ ઈટાલિયા પાસે કેટલું સોનું? કેટલું દેવું?
ગોપાલ ઈટાલિયાના હાથ પર 4.27 લાખ રૂપિયા રોકડ અને બેન્કની થાપણો અને અન્ય ઈન્વેસ્ટમેન્ટ મળીને કૂલ 14.18 લાખનું મુલ્ય ધરાવે છે. જેમાં તેમણે દર્શાવ્યું છે કે, તેમની પાસે વાહનોમાં એક હોન્ડા પેશન છે. સોનું 70 ગ્રામ છે જે અંદાજીત 7.53 લાખનું છે. તેમના પત્ની સ્નેહલબેનના બેન્કમાં પણ 1846.55 રુપિયા છે. જમીનોના મામલામાં ગોપાલ ઈટાલિયાએ કશું દર્શાવ્યું નથી. ના તેમની પોતાની ખરીદેલી કે ના વડીલોપાર્જીત, તેમની પાસે કોઈ જમીન નથી. ગોપાલ ઈટાલિયાનો અભ્યાસ પણ ઘણો સારો છે, વર્ષ 2016માં બી.એ. અને 2023માં એલએલબી કર્યું છે જ્યારે એલએલએમના પરિણામની રાહ જોવાઈ રહી છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયાના માથે કે તેમના આશ્રીતોના માથે એક પણ રૂપિયાનું દેવું નથી.
આમ ત્રણેય ઉમેદવારમાં સૌથી ઓછું ભણેલા કોંગ્રેસના ઉમેદવાર છે, સૌથી વધુ ફરિયાદોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જ્યારે સૌથી વધુ ધનિક કોઈ ઉમેદવાર છે તો તે ભાજપના ઉમેદવાર છે. સૌથી વધુ દેવામાં પણ ભાજપના જ ઉમેદવાર છે, જોકે આવક અને મિલકતી સરખામણીએ તો સૌથી વધુ દેવામાં કોંગ્રેસ ઉમેદવાર કહેવાય પણ આંકડાકીય દ્રષ્ટિમાં ભાજપના ઉમેદવાર વધુ દેવું ધરાવે છે.








