નવજીવન ન્યૂઝ. વાપી: Vapi Crime News: દેશમાં અને ગુજરાતમાં બનતી કેટલીક ઘટનાઓનું કારણ જાણ્યા પછી સવાલ થાય કે આટલી નાની વાત કોઈની હત્યાનું કારણ બની શકે? પણ વાસ્તવિકતા એ છે કે, એવી ઘટનાઓ સામે આવે છે, જેમાં નાની અમથી વાતથી ઉશ્કેરાઈ વ્યક્તિ હત્યા સુધી પહોંચી જાય છે. ત્યારે વાપીમાં (Vapi) પતિ-પત્ની વચ્ચેની સામાન્ય બાબતે હત્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીના લવાછા વિસ્તારની એક ચાલીમાં તુલસી બિંદ અને નીતા નામનું દંપત્તિ તેમના બે બાળકો સાથે રહે છે. તુલસી બિંદ અને નીતા વચ્ચે 8 વર્ષ અગાઉ પ્રેમ સબંધ બંધાયો હતો. જો કે તુલસી અને નીતા વચ્ચેનો પ્રેમ સબંધ બંનેના પરિવારજનોને મંજૂર ન હતો. જેના કારણે 8 વર્ષ અગાઉ બંનેએ ભાગી જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેલલગ્ન કર્યા બાદ તુલસી અને નીતા સુરત, મુંબઈ જેવા શહેરમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા હતા. તુલસી અને નીતાને બે બાળકો પણ હતા. છેલ્લા કેટલાક સમયથી આ પરિવાર ઔધોગિક નગરી વાપીમાં સ્થાયી થયો હતો. આ દંપત્તિએ પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં નીતા અને તુલસી વચ્ચે અવાર નવાર ઝગડા થયા થતાં હતા. નીતા રોજ તેના પતિ સાથે કોઈન કોઈ બાબતને લઈ ઝગડો કર્યા કરતી. પણ હમણાં થોડા દિવસ અગાઉ નીતાએ ફ્લિપ કાર્ટ પર બાળકો માટે ઘડિયાળ જોઈ હતી. નીતાને આ ઘડિયાળ ખૂબ ગમી ગઈ અને તેના પતિને પૂછ્યા વગર જ ઓનલાઈન ઓર્ડર કરી દીધી. ઘડિયાળની કિંમત માત્ર 90 રૂપિયા હતી. ઘડિયાળ ઘરે તો આવી ગઈ પણ નીતા અને તુલસી વચ્ચે આ બાબતે ઝગડો થયો.
તુલસીનું કહેવું હતું કે તેને પૂછ્યા વગર ઘડિયાળ કેમ મગાવી? જો કે આ નાની લાગતી બાબતે ખૂબ મોટું સ્વરૂપ લીધું. ઘડિયાળ બાબતે દંપત્તિ વચ્ચે શરૂ થયેલો ઝગડો ત્રણ દિવસ સુધી ચાલ્યો અને અંતે કંટાળીને તુલસીએ તેની પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી.
આરોપી તુલસીએ પત્નીની ગળું દબાવી હત્યા કરી નાખ્યા બાદ મૃતદેહને ઘરમાં જ મૂકી દીધો. પત્નીની હત્યા બાદ તુલસી બંને બાળકોને લઈ બહાર ગયો. બંને બાળકોને જમાડ્યા અને પછી જાતે જ ડુંગરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. પોલીસ સ્ટેશનમાં હાજર થઈ આરોપી તુલસીએ જાતે જ ગુનાની કબૂલાત કરી. આરોપીની કબૂલાત બાદ ડુંગરા પોલીસે (Dungra Police) આરોપી સામે હત્યા મુજબની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતે થયેલા ઝગડામાં પત્નીની હત્યા થઈ, પતિ જેલભેગો થયો. પણ બે નાના બાળકો મા-બાપ વિનાના થઈ ગયા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796