૨૦૧૩ પછી પહેલી વખત સીબીઓટી સક્રિય મકાઇ વાયદો ૨૦૨૩માં ૩૧ ટકા ઘટ્યો
મહત્તમ સટ્ટોડિયા ૨૦૨૪ આરંભે જ મંદીમાં દાખલ થઈ ગયા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બ્રાઝિલમાં (Brazil) બંપર મકાઇ લણણી અને કાળાસમુદ્રના દેશોમાં હવામાન અને યુધ્ધની ચિંતાઓ હળવી થતાં ૨૦૨૩ના અંતિમ તબક્કામાં ભાવો વેગથી ઘટયા હતા. ૨૦૧૩ પછી પહેલી વખત સીબીઓટી સક્રિય મકાઇ (Corn) વાયદો ૨૦૨૩માં ૩૧ ટકા ઘટ્યો હતો. ૨૦૨૪માં પણ ભાવ ઘટાડાના વરતારા મુકાઇ રહ્યા છે. મંદીના વર્ષમાં જાન્યુઆરીથી ઓગસ્ટ સમયગાળામાં સ્પેકયુલેવી ફંડોને તેમના સોદા મંદી ધ્યાને કરવાની ફરજ પડતી હોય છે. શિકાગો વાયદાને ધ્યાનમાં રાખીને મહત્તમ સટ્ટોડિયા ૨૦૨૪ આરંભે જ મંદીમાં દાખલ થઈ ગયા છે, અલબત્ત જેમજેમ વર્ષ આગળ વધતું જશે તેમતેમ, શક્ય છે કે તેમની પોઝિશન જેમની તેમ નફાકારક જળવાઈ રહેશે.
છેલ્લા છ ટ્રેડિંગ સત્રમાં શિકાગો મકાઇ માર્ચ વાયદો ૩ ટકા કરતા વધુ ઘટીને શુક્રવારે ૪.૬3 ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) બોલાયો હતો, જે ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ પછીની બોટમ હતી. માર્ચ વાયદો આમ પણ છેલ્લા ૪ મહિનાથી ઘટી રહ્યો છે. જગતભરમાં મકાઈની માંગ ઘટશે, એવી ગણતરી સાથે અમેરિકાએ બાંધેલો નિકાસ લક્ષ્યાંક પણ સિધ્ધ થવો મુશ્કેલ છે. ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટએ ૨૦૨૪ માટે મકાઈનો સરેરાશ ભાવ ૪.૪૭ ડોલર અંદાજ્યો છે. જે અમેરિકન કૃષિ મંત્રાલયના ૨૦૨૩ના સરેરાશ ભાવ ૪.૮૫ કરતાં પણ નીચા છે.
કલેમસન યુનિવર્સિટીના એગ્રિકલ્ચરલ ઇકોનોમિસ્ટ સ્કોટ માઇક એક નોંધમાં કહે કે કે ૨૦૨૩ની સરખામણીમાં મકાઈની સપ્લાય ૨૦૨૪માં પણ સમાન રહેશે, પણ સોયાબીન પુરવઠો જરા અછતવાળો રહેશે. ટૂંકાગાળા માટે મકાઈનાં ભાવ મંદી તરફી રહેશે, પણ લાંબાગાળે સંખ્યાબંધ ફંડામેનટલ્સ જોતાં વર્ષના પાછલા તબક્કે મંદી ટકાઉ નહીં રહે. મહત્વની એજન્સીઓની કામગીરી અને હવામાના સંયોગો પર ધ્યાન કેન્દ્રિત કરીને ટ્રેડરોએ સોદા ગોઠવવાના રહેશે. અલબત્ત, સ્કોટ માઇકની આગાહી ૨૦૨૪માં મકાઈનાં ભાવ પ્રમાણમાં નીચા રહેવાની છે. પશુ આહારનું સંચાલન, જે મકાઈની માંગ પર અસર કરશે, રિસર્ચરો તેનો અભ્યાસ કરી રહા છે. અનુમાન કરતાં ગેસોલીનની માંગ ઓછી રહેવાની શક્યતાએ, ઇથેનોલ પર મળતો નફો ઘટી શકે છે.
આ સ્થિતિમાં અમેરિકન ખેડૂતો મકાઇને ઓછી જમીન ફાળવશે, પણ ઊપજ (યીલ્ડ) વધવાને લીધે ઓછા વવેતરને સરભર કરી નાંખશે. આર્જેન્ટિનાનો મકાઇ પાક અત્યારે, ગતવર્ષના ૧૫ ટકાની તુલનાએ ૩૮ ટકા ગુડ ટુ એક્સેલન્ટ કન્ડિશનમાં છે. વર્ષાન્ત નજીકમાં સારો વરસાદ પડી જવાથી આર્જેન્ટીનાના ખેડૂતોને મકાઇ અને સોયાબીન વાવેતરમાં પ્રોત્સાહન પૂરું પડ્યું છે. હવામાન ખૂબ સારું હોવાથી આર્જેન્ટિનામાં એવા અંદાજ બાંધવામાં આવી રહ્યા છે, કે મકાઇ ઉત્પાદન, ગતવર્ષ કરતાં ડબલ આવશે. અમેરિકન કૃષિ મંત્રાલયનું કહેવું છે કે બ્રાઝિલનું ઉત્પાદન ૨૦૨૩ કરતાં ૬ ટકા ઘટીને ૨૦૨૪માં ૧૨૯૦ લાખ ટન આવશે. ૨૦૨૩માં વિક્રમ ઉત્પાદન આવ્યું હોવાથી અમેરિકા કરતાં બ્રાઝિલ, મકાઇ નિકાસ ક્રમાંકમાં અગ્રેસર બની જશે.
બ્રાઝીના આગેવાન મકાઇ ઉત્પાદક માટોગ્રાસો રાજ્યના મોટા ખેડૂતોની સંસ્થા કોઓપરેટીવા એગ્રોપેકયુરીઆ એ ઇન્ડસ્ટ્રિયલ સેલેરીઓ એક નોંધમાં કહે છે કે તાજેતરના દિવસોમાં બ્રાઝિલમાં ગરમ અને સૂકા હવામાનને પગલે ખેડૂતો સોયાબીનની લણણી વહેલી કરી નાખશે અને શિયાળુ મકાઇ વાવેતર વહેલું કરી નાખશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








