Friday, July 24, 2026
HomeGeneralવાપીમાં ભાજપ નેતાની હત્યાનો ભેદ ઉકેલાયો, 19 લાખમાં શૂટરને અપાઈ હતી સોપારી

વાપીમાં ભાજપ નેતાની હત્યાનો ભેદ ઉકેલાયો, 19 લાખમાં શૂટરને અપાઈ હતી સોપારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડઃ તાજેતરમાં વલસાડ (Valsad) જિલ્લાના વાપીમાં ભાજપના નેતાની થયેલી હત્યાનો (Vapi BJP Leader Shailesh Patel Murder) ભેદ આજે પોલીસે ઉકેલી નાખ્યો છે. ભાજપ નેતા પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા, તે દરમિયાન ભાજપ નેતા પર અંધાધુન ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે આજે વાપી પોલીસે (Vapi Police) સમગ્ર હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને જેલ હવાલે કર્યા છે. વાપીમાં ભાજપના નેતાની હત્યા અંગત અદાવાતમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ ભાજપ નેતાની હત્યા કરવા માટે શાર્પ શૂટરોને 19 લાખ રૂપિયાની સોપારી પણ આપવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો : ભાજપના નેતા પર ધડાધડ ફાયરિંગઃ પરિવારે કહ્યું UP અને ગુજરાતમાં શું ફર્ક છે? મૃતદેહ નહીં સ્વીકારીએ

- Advertisement -

શું હતો સમગ્ર મામલો

કોચરવા ગામના વતની અને વાપી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ ગત 8 મેના રોજ પરિવાર સાથે વાપીના રાતા ખાડી ગામમાં આવેલા શિવ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. મંદિરએ પહોંચતા પરિવાર મંદિરની અંદર દર્શન કરવા માટે ગયો હતો અને શૈલેષ પટેલ ગાડીમાં બેઠા હતા. ત્યારે અચાનક બાઈક પર આવેલા બે વ્યક્તિઓએ શૈલેષ પટેલની કાર પર અંધાધુન ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને લોકો તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા આ દરમિયાન બાઈક સવાર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

આ બનાવમાં શૈલેષ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે શૈલેષ પટેલને મૃત જાહેર કર્યા હતા. આ મામલે શૈલેષ પટેલના પરિવારે અંગત અદાવતમાં હુમલો કરીને હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ નેતા શૈલેષ પટેલની દિન દહાડે હત્યા થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. સાથે બનાવના દિવસે શહેરમાં નાકાબંધી પણ કરી દેવામાં આવી હતી. ત્યારે આજે પોલીસે શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી સુધી પહોંચવા માટે 1600 KM સુધીના સંખ્યાબંધ CCTV તપાસ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, શૈલેષ પટેલની હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી છે. શૈલેષ પટેલની હત્યા કરવા માટે ગામના જ શરદ પટેલ ઉર્ફે સદીયાએ શૂટરને સોપારી આપી હતી. શૈલેષ પટેલની હત્યા કરવા માટે શૂટરને રૂપિયા 19 લાખની સોપારી આપવામાં આવી હતી. સમગ્ર હત્યાકાંડ મામલે પોલીસે શરદ પટેલ સહિત પાંચની ધરપકડ કરી છે. આરોપીઓમાં શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, અજય સુમન ગામીત અને સત્યેન્દ્ર ઉર્ફે સોનુસિંહની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

શરદ પટેલ તેનો ભત્રીજો વિપુલ પટેલ અને મિતેશ પટેલે ભેગા મળીને અજય ગામીત અને સત્યેન્દ્રસિંગના મારફતે ઉત્તરપ્રદેશના શાર્પશુટરોને રૂપિયા 19 લાખમાં શૈલેષ પટેલને મારી નાખવા માટેની સોપારી એક વર્ષ પહેલા આપી હતી. સાથે શૈલેષના સોશિયલ મીડિયાના માધ્યમમાંથી ફોટો મેળવીને શૂટરોને આપ્યો હતો. સૌ પ્રથમ ત્રણ શૂટરો ડિસેમ્બર 2022માં આવ્યા હતા અને 10 જાન્યુઆરી સુધી રોકાયા હતા. શૂટરોને રહેવા સહિતની તમામ સુવિધાઓ કાવતરાખોરોએ તેમના સગા મારફતે દમણમાં કરાવી હતી અને ગુનાને અંજામ આપવા માટે એક નવું બાઈક ખરીદેને આપ્યું હતું. શૂટરોએ શૈલેષ પટેલના ઘરે અને તેમના આવવા-જવાના રસ્તાની રેકી કરી હતી. પરંતું ઘટનાને અંજામ આપવામાં સફાળતા મળી ન હતી. જેથી નવું બાઈક દમણ ખાતે મુકીને પોતાના વતન જતા રહ્યા હતા. કાવતરાખોરે ફરીથી શૂટરોનો સંપર્ક કરતાં ત્રણ શૂટરો ફરીથી 03 મે 2023ના રોજ આવ્યા હતા અને પંડોર ગામની સીમમાં આવેલી વાડીમાં રોકાયા હતા. ત્યારે 08 મેના રોજ શૂટરોએ વહેલી સવારે શિવ મંદીર પાસે શૈલેષ પટેલને ફાયરિંગ કરીને હત્યા કરીને નાસી ગયા હતા.

શૈલેષ પટેલની હત્યા કરવા પાછળનું કારણ સામે આવ્યું હતું કે, વર્ષ 2013માં મૃતક શૈલેષ ઘર પાસે તેમના પરિવારજનો સાથે શરદ પટેલ, તેના ભાઈ ઈશ્વર પટેલ અને પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવમાં ઈશ્વર પટેલને ગંભીર ઈજા થતાં કોમામાં જતાં રહ્યા હતા, જે આજદિન સુધી પેરેલાઈઝ્ડ છે. આ બનાવમાં શરદ પટેલના પગમાં ઈજાઓ થતાં ખોડખાપણ રહી ગઈ હતી. સાથે જ ઈશ્વર પટેલના દીકરાઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારબાદ આ આરોપીઓ વર્ષ 2014માં શૈલેષ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો અને વર્ષ 2017માં પણ શૈલેષ પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ અગાઉની અદાવતનો બદલો લેવા માટે આરોપીઓએ કાવતરૂ રચીને શૈલેષને જાનથી મારી નાખવા માટે શૂટરને શોપારી આપની શૈલેષની હત્યા કરાવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular