Thursday, July 2, 2026
HomeGeneralવલસાડઃ એક મહિલાની લાશ મળી, પોલીસે માની લીધુ આત્મહત્યા છે, પણ તે...

વલસાડઃ એક મહિલાની લાશ મળી, પોલીસે માની લીધુ આત્મહત્યા છે, પણ તે હત્યા હતી, કેવી રીતે પોલીસે શોધી કાઢ્યું, જાણો

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુનેગાર કાયમ માનતો હોય છે કે તેણે કરેલા ગુનાની ક્યારેય કોઈને ખબર થશે નહીં, પરંતુ પોલીસ ગુનેગાર કરતા એક ડગલુ આગળ ચાલતી હોય છે, વલસાડ ભીલાડમાં આવી જ એક ઘટના બની હતી, એક પરિણીતા ઝાડ નીચે પડેલી હાલતમાં મળી આવી હતી, તેને હોસ્પિટલમાં લાવતા ડૉકટરે તેને મૃત જાહેર કરી, ડૉકટરના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે મહિલાનું મોત આત્મહત્યા હોવાનો અંદેશો હતો, પરંતુ વલસાડ પોલીસે શોધી કાઢ્યું કે મહિલાએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેની હત્યા જ થઈ છે, ભીલાડ પોલીસે આ હત્યાના મામલે પરણિતાના પતિ સહિત કુલ ત્રણ આરોપીઓને પણ ઝડપી લીધા છે.




ભીલાડ પોલીસને જાણકારી મળી કે એક મહિલા નીતા ધનગરીયા (ઉ-22) નામની પરિણાતાને લેબર કોન્ટ્રાક્ટર શૈલેષ પ્રજાપતિ હોસ્પિટલ લઈ આવ્યો હતો, જેને ડૉકટરે તપાસી ત્યારે તે મહિલાનું મોત નિપજયુ હતું. ઘટનાની જાણકારી મળતા ભીલાડ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી, લેબર કોન્ટ્રાક્ટર શૈલેષની પુછપરછ કરતા તેણે પોલીસને જાણકારી આપી હતી કે તેની વાડીમાં દસ જેટલા મજુરો કામ કરે છે, જેમાં નીતા અને તેનો મંગેતર જગદીશ પણ સાથે કામ કરે છે. બપોરના ત્રણ વાગ્યાના સુમારે નીચા વાડીમાં જ કુદરતી હાજતે જઈ આવું છું તેમ કહી નીકળી પણ તે પરત ફરી નહોતી, આથી તપાસ કરતા તે એક ઝાડ નીચે બેભાન હાલતમાં મળી આવી હતી. તે પછી તેને હોસ્પિટલ લાવ્યા હતા.

- Advertisement -



ભીલાડ પોલીસની પારખુ નજરને આ સ્ટોરીમાં થોડી શંકા એટલા માટે ગઈ કે નીતાની આંખ પાસે થોડું લોહી હતું, જો કુદરતી રીતે મોત થયુ હોય તો આ પ્રકારે લોહી નીકળવાની શક્યતા નહોતી,. આથી પોલીસે ફરજ ઉપર ડૉકટર સાથે વાત કરતા તેમણે જાણકારી આપી કે નીતાના ગળા ઉપર નિશાન છે, આમ પોલીસની શંકા સાચી ઠરી આ મામલે વલસાડના ડીએસપીને ડૉ રાજદિપસિંહ ઝાલાને જાણ કરવામાં આવતા તેમણે ઇન્સ્પેક્ટર વી બી બારડ અને જે એન ગોસ્વામીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત એએસપી શ્રીપાલ શેષમાને સુપરવિઝન કરવાની સૂચના આપી હતી.

પોલીસને પહેલી શંકા કોન્ટ્રાકટર શૈલેષ પ્રજાપતિ ઉપર હતી, કારણ શૈલેષ કંઈક છુપાવી રહ્યો છે તેવું લાગી રહ્યું હતું. પોલીસે વાડીમાં કામ કરતા મજૂરો સહિત તમામની પુછપરછ શરૂ કરી પણ શૈલેષ પોલીસ સામે લાંબો સમય ટકી શકયો નહીં, શૈલેષ કબુલ્યુ કે તે નીતાને શોધવા વાડીમાં નિકળ્યો ત્યારે તેણે નીતાને દુપટ્ટો બાંધેલી હાલતમાં આંબાના ઝાડ નીચે લટકતી જોઈ હતી આમ નીતાએ આત્મહત્યા કરી લીધી હોવાનું તેણે માની લીધુ હતું, પણ તેને ડર લાગ્યો કે જો આત્મહત્યાનો મામલો સામે આવશે તો પોલીસ આવશે અને વાડીમાં તપાસ કરશે આથી તેણે સાથે કામ કરતા ચંદુભાઈ નામના માણસને બોલાવી કટરથી દુપટ્ટો કાપી લાશ નીચે ઉતારી દીધી અને જાણે નીતા જમીન ઉપર બેભાન પડી છે તેવો માહોલ ઉભો કરી વાડીમાં કામ કરતા અન્ય લોકોને બોલાવી લીધા હતા. આ વખતે નીતાનો મંગેતર જગદીશ જાદવ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.

- Advertisement -




આમ ભીલાડ પોલીસે માની લીધું કે નીતાએ કોઈક કારણોસર આત્મહત્યા કરી હતી, પરંતુ ડીએસપી ડૉ રાજદિપસિંહ ઝાલા પોલીસ વિભાગમાં આવ્યા તે પહેલા ડૉકટરી વ્યવસાય કરતા હોવાને કારણે તેમને આ મામલે હજી પણ શંકા હતી, આથી તેમણે ફોરનસીક પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ડીએસપી ઝાલાની ધારણા સાચી ઠરી કારણ રિપોર્ટ પ્રમાણે નીતાએ આત્મહત્યા કરી નહોતી પરંતુ પહેલા તેની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને ઝાડ સાથે લટકાવી દેવામાં આવી હતી, હવે પોલીસ માટે પ્રશ્ન હતો કે કોણે હત્યા કરી હશે, આથી ફરી પુછપરછનો દૌર શરૂ થતાં પોલીસના રડારમાં નીતાનો મંગેતર જગદીશ આવ્યો કારણ નીતા ગુમ થયા પછી થોડીક મિનીટોમાં જગદીશને જોનાર લોકોનું કહેવું હતું કે તે ડરેલો હતો અને પરસેવે રેબઝેબ હતો. આથી પોલીસે જગદીશને હાથ ઉપર લીધો તો મિનીટોમાં તેણે કબુલ્યુ કે નીતાની હત્યા તેણે પોતે જ કરી છે.



જગદીશે કબુલ્યુ કે નીતા સાથે તેના લગ્ન થવાના હતા પરંતુ તેને તમાકુની ટેવ હતી જે તેને પસંદ ન્હોતી આથી તે દિવસે તેમની વાડીમાં બોલાચાલી થઈ અને ગુસ્સામાં આવી જગદીશે નીતાનું ગળું દબાવી દીધું, જો કે નીતા મરી જતા જગદીશને ડર લાગ્યો એટલે તેણે દુપટ્ટા વડે તેને બાંધી ઝાડ સાથે લટકાવી દઈ આત્મહત્યા કરી છે તેવો માહોલ ઉભો કર્યો હતો, આશ્ચર્યની બાબત એવી છે કે નીતાને લાશ સૌથી પહેલા જોનાર શૈલષ અને ચંદુને ખબર નહોતી કે નીતાની હત્યા કરી દેવામાં આવી છે, તેઓ તો માની રહ્યા હતા કે આત્મહત્યા થઈ છે પણ પોલીસનું લફરુ થશે તે ડરે તેમણે લાશ નીચે ઉતારી દીધી હતી. ભીલાડ પોલીસે જગદીશ જાદવને હત્યાના ગુનામાં અને શૈલેષ અને ચંદુની પુરાવાનો નાશ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular