પ્રશાંત દયાળ (વડોદરા): વડોદરાના વેકસીન ગ્રાઉન્ડમાં એક યુવતી સાથે દુષ્કર્મ થાય છે અને ત્યાર બાદ તે વલસાડ ખાતે ટ્રેનમાં આત્મહત્યા કરે છે આ ઘટનાને એક મહિનો થવા છતાં આરોપીઓ પોલીસની પકડથી બહાર છે. આ સંદર્ભમાં એક સ્ટોરી લખ્યા પછી વડોદરાના પોલીસ કમિશનર ડૉ શમશેરસિંગનો એક ઔપચારીક ફોન આવે છે. તેમનો પહેલો પ્રશ્ન હતો કે તમને લાગે છે કે આ કેસમાં અમે કામ કરી રહ્યા નથી. મેં તેમને જવાબ આપતા કહ્યુ તમારા ઈરાદા અને તમારા પ્રયત્નમાં કોઈ ખોટ નથી, ચીંતા માત્ર એટલી જ છે કે એક મહિનો થવા છતાં આ કેસના આરોપીઓ પકડાયા નથી. તેમણે મને કહ્યુ હું વડોદરાનો પોલીસ કમિશનર છુ તેની સાથે એક દીકરીનો પિતા પણ છુ મારે પણ એક દીકરી છે. પોલીસ કમિશનરના શબ્દ હું દીકરીનો પિતા છુ તેમાં કમિશનર તરીકે સત્તા કરતા પિતા તરીકેની વેદના વધુ હતી.
આખો સંવાદ ઔપચારીક હતો, તેમાં એક પત્રકાર અને પોલીસ અધિકારી તરીકેની કોઈ વાત ન્હોતી. ડૉ શમશેરસિંગે વડોદરા પોલીસ સહિત રેલવે પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રયત્ન-તપાસ અને દિશાની જાણકારી આપી તેઓ કોઈ પણ કિમંતે આ કેસના આરોપીઓ અને મુળ સુધી પહોંચવા માંગે છે. તેની ખાતરી અને વિશ્વાસ આપ્યો તેમણે કહ્યુ આ ઘટનાને એક મહિનો થઈ ગયો હોવા છતાં આરોપીને પકડી શકયા નથી. તેના કારણે અમે પણ માનસીક દબાણમાં કામ કરી રહ્યા છે. સરકાર પણ અમને પુછી રહી રહી છે કે આરોપી કયારે પકડશે, પણ આ દબાણમાં અમે કોઈ ચુક કરવા માગતા નથી. આ દબાણને કારણે અમે કેસ ઉકેલાઈ ગયો તેવુ બતાવવા કોઈને પણ આરોપી બનાવી દેવા માગતા નથી જેમણે ખરેખર ગુનો કર્યો છે તે જ આરોપી પકડાય તે દિશામાં બધી જ એજન્સી કામ કરી રહી છે.
ડૉ શમશેરસિંગે કહ્યુ આ સ્થિતિમાં અમારી ટીકા થશે અને થઈ રહી છે તેની અમને ખબર છે, પણ અત્યારે અમારે આ બધુ જ સહન કરી અમારા કામ તરફ લક્ષ્ય આપવાનું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ અંગેની સ્ટીપી પ્રસિધ્ધ થયા પછી એક વાંચકે એવો પ્રશ્ન કર્યો હતો. આ ઘટના માટે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીને જવાબદાર ગણવામાં આવે તે યોગ્ય નથી. વાત સાચી છે ગુજરાતની તમામ કાયદો અને વ્યવસ્થા સંબંધી ઘટના માટે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી જવાબદાર નહીં હોવા છતાં ગૃહ ખાતાની જવાબદારી પણ તેમની છે ત્યારે નર્મદાના પ્રશ્ન અંગે તેમને કોઈ સવાલ પુછશે નહીં પણ કાયદો અને વ્યવસ્થા વધુ સુચારૂ બને અને ગુનેગારને કાયદાનો ડર લાગે તે જોવાનું કામ તો અચુક તેમણે જ જ કરવાનું છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









