પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.વડોદરા): વડોદરા જિલ્લાના સાવલીના મોક્ષી ગામે આવેલી નેક્ટર કેમ ફેક્ટરીમાં સંભવિત એમડી ડ્રગ્સનું ઉત્પાદન થાય છે તેવી ગુજરાત એટીએસના ડીઆઈજી દિપેન ભદ્રનને મળેલી બાતમીને આધારે ડીવાયએસપી કે કે પટેલની આગેવાનીમાં બે ડઝન કરતાં વધુના સ્ટાફ સાથે ઓપરેશન એમડી ઘડી કાઢવામાં આવ્યું હતું.
આજે મંગળવારે સવારે ગુજરાત એટીએસની ટીમ ફેક્ટરીપર ત્રાટકી હતી અને સંભવિત એમડી ડ્રગ જેનું વજન 200 કિલો કરતાં વધુ છે જેની અંદાજીત માર્કેટ વેલ્યૂ એક હજાર કરોડ કરતાં વધુ થવા જઈ રહી છે તે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઘટના બાદ એટીએસ એ તુરંત ફોરેન્સીક અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા છે. આ ઓપરેશન હજુ (આ લખાય છે ત્યારે) વધુ ચારેક કલાક સુધી ચાલે તેવી સંભાવના છે.

મોક્ષી ગામે આવેલી આ ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હતું. ખાસ કરીને કોરોનાકાળમાં આ ફેક્ટરી દ્વારા કોરોના સંબંધીત કેમિકલનું ઉત્પાદન થતું હતું. પરંતુ આ ફેક્ટરીના પાછલા ભાગે પ્રતિબંધિત ડ્રગનું ઉત્પાદન થઈ રહ્યું છે તેવી જાણકારી એટીએસને મળતા ડીઆઈજી દિપેન ભદ્રન, એસપી સુનિલ જોશી અને ડીવાયએસપી કે કે પટેલે વ્યૂહરચના ઘડી ગુપ્ત ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય કર્યો. ઓપરેશનની ગુપ્તતા રાખી દરોડાની ટીમમાં શામેલ અધિકારીઓને પણ કયા સ્થળે દરોડો પાડવાનો છે તેની જાણકારી છેલ્લી ઘડી સુધી આપવામાં આવી ન હતી. મંગળવારે સવારે ડીવાયએસપી કે કે પટેલ પોતાના સ્ટાફ સાથે ફેક્ટરી પર પહોંચ્યા ત્યારે સંભવિત એમડી ડ્રગ્સ 200 કિલો મળી આવ્યું હતું. જોકે આ ડ્રગ કયા પ્રકારનું છે અને તેની તિવ્રતા કયા પ્રકારની છે તે જાણવા ફોરેન્સીક અધિકારીઓએ મળેલા કેમિકલનું પૃથ્થકરણ શરૂ કર્યું છે. દરોડા વખતે ફેક્ટરીમાં હાજર લોકો બહાર જઈ શકે નહીં તે પ્રકારે ફેક્ટરીને ચારેય તરફથી ઘેરી લેવામાં આવી હતી. ચાલુ વર્ષે ગુજરાત એટીએસએ સ્થાનીક કક્ષાએ ગુજરાતમાં પકડેલા ડ્રગમાં આ સૌથી મોટી કિંમતનો જથ્થો માનવામાં આવે છે.