Wednesday, July 29, 2026
HomeGujaratAmreli News: વડીયા પાસે શ્વાનોએ 7 વર્ષના બાળકને ફાડી ખાધું, દોઢ મહિનામાં...

Amreli News: વડીયા પાસે શ્વાનોએ 7 વર્ષના બાળકને ફાડી ખાધું, દોઢ મહિનામાં હુમલાની ચોથી ઘટના

- Advertisement -

Amreli Dog attack news: અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખાન ખીજડીયા અને તોરી ગામની સીમ વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. ગઈકાલે ખેતમજૂરના 7 વર્ષના બાળક પર શ્વાનોએ જીવલેણ હુમલો કરતાં બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા દોઢ મહિનામાં આ વિસ્તારમાં શ્વાન હુમલાની ચોથી ઘટના બનતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર ઉદાસીન જણાતા લોકોએ જાતે કર્યો શ્વાન પકડવાનો નિર્ણય કર્યો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુપ્રીમ કોર્ટે પણ રખડતા કૂતરાઓને લઈને કડકાઈ દર્શાવી હતી. જોકે તંત્રના કાને તો શેઠની શીખામણ ઝાંપા સુધી જેવું જ છે.

મળતી માહિતી મુજબ, પરપ્રાંતીય ખેતમજૂરના 7 વર્ષના બાળક પર શ્વાનોએ અચાનક હુમલો કર્યો હતો. શ્વાનોના હુમલાથી ગભરાયેલું બાળક બચવા માટે બેરલમાં છુપાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોર શ્વાનોથી બચી શક્યું નહોતું. શ્વાનોએ બાળક પર ગંભીર હુમલો કરતાં તેનું મોત થયું હતું.

- Advertisement -

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આશરે 15 દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં એક બાળક પર શ્વાનોએ હુમલો કરીને તેનું મોત નિપજાવ્યું હતું. સતત બીજી જીવલેણ અને દોઢ મહિનામાં ચોથી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે.

હુમલાખોર શ્વાનોના કારણે ખાન ખીજડીયા ગામમાં લોકો ભારે ભય હેઠળ જીવન જીવી રહ્યા છે. સ્થિતિ એવી બની છે કે વન્યપ્રાણીઓ કરતાં હવે શ્વાનોનો વધુ ડર લોકોને સતાવી રહ્યો છે. ખેડૂતો અને ખેતમજૂરો સ્વરક્ષણ માટે લાકડીઓ સાથે ખેતરોમાં જવા મજબૂર બન્યા છે. કેટલાક ખેતમજૂરો તો શ્વાનોના ભયના કારણે પોતપોતાના વતન પરત ફરી ગયા હોવાનું પણ સામે આવ્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ગ્રામજનોએ શ્વાનોને પકડવાનો નિર્ણય લીધો છે. આ માટે સુલતાનપુર ગામેથી શ્વાનો પકડવાની વિશેષ ટીમને બોલાવવામાં આવી છે. ટીમ દ્વારા શ્વાનોને પકડવા માટે જાળ બિછાવવામાં આવી છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -

સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે શ્વાનોના આતંકનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular