NEET-UG 2026 investigation CBI: NEET-UG 2026 ના પેપર લીક મામલામાં CBI એ મોટો ખુલાસો કરતા 20 હજાર પેજની ચાર્જશીટ દાખલ કરી છે. 92 ઠેકાણા પર રેડ કરવામાં આવી, 13 લોકોની ધરપકડ કરવામાં આવી, NTAના તજજ્ઞોની ધરપકડ અને 360 સાક્ષીના નિવેદનો આ મામલાને દેશના સૌથી મોટા પરીક્ષા કૌભાંડોમાંથી એક બનાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે પેપર લીક મામલામાં હાલમાં જ થયેલા આંદોલનોએ નરેન્દ્ર મોદી અને તેમની સરકારને વાંકા વળતા શીખવાડી દીધું છે. લાંબા સમય બાદ હવે CBI પણ હિરો અવતારમાં જોવા મળી હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ED, CBI જેવી સંસ્થાઓના કામ અને નામ ઘણા બદનામ થયા હતા. CBI નું નામ પડતા જ જ્યાં અગાઉ લોકોમાં સન્માનની ભાવના ઉદ્ભવતી હતી તે હવે ધુતકારવા લાગ્યા હતા.
નીટ-યુજી 2026 (NEET-UG 2026) પેપર લીક કેસમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (Central Bureau of Investigation – CBI)એ મોટું પગલું ભરતાં 13 આરોપીઓ સામે લગભગ 20 હજાર પાનાની વિગતવાર ચાર્જશીટ (Chargesheet) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ (Rouse Avenue Court)માં દાખલ કરી છે. દેશની પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા સાથે જોડાયેલા આ કેસે રાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી હતી.
સુનાવણી દરમિયાન CBIએ કોર્ટને જણાવ્યું હતું કે ચાર્જશીટ સાથે જોડાયેલા પરિશિષ્ટ (Annexure) દસ્તાવેજોનું સ્કેનિંગ હજુ ચાલુ છે. કોર્ટે ચાર્જશીટને રેકોર્ડ પર લીધી છે અને બાકીના દસ્તાવેજો રજૂ કરવા માટે CBIને સમય આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટે થશે.
CBIના જણાવ્યા અનુસાર દાખલ કરાયેલી ચાર્જશીટમાં અંદાજે 20 હજાર પાનાનો સમાવેશ થાય છે. તેમાં દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો અને જપ્ત કરાયેલા પુરાવાઓની વિગતવાર માહિતી સામેલ છે. કોર્ટે CBIને પૂછ્યું હતું કે ચાર્જશીટમાં ઉલ્લેખિત નિવેદનો અને દસ્તાવેજો ક્યાં છે. તેના જવાબમાં CBIએ જણાવ્યું કે આશરે 20 હજાર પાનાના એનેક્સચર દસ્તાવેજોનું સ્કેનિંગ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
CBIએ 13 ધરપકડ કરાયેલા આરોપીઓ સામે આરોપપત્ર દાખલ કર્યું છે. તેમના સામે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita – BNS) હેઠળ ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, પુરાવા નષ્ટ કરવા તેમજ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા (Prevention of Corruption Act) હેઠળ વિવિધ ગુનાઓના આરોપ મૂકવામાં આવ્યા છે. ઉપરાંત જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) અધિનિયમ, 2024 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. તમામ 13 આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
તપાસ દરમિયાન CBIએ 360 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે. ચાર્જશીટમાં 422 દસ્તાવેજો અને 43 ભૌતિક પુરાવાઓ (Material Objects)નો સમાવેશ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીનો દાવો છે કે ડિજિટલ ફોરેન્સિક (Digital Forensic) રિપોર્ટ, હસ્તલેખ નિષ્ણાતોના અભિપ્રાય અને શૈક્ષણિક નિષ્ણાતોના વિશ્લેષણથી પરીક્ષા પહેલાં પ્રશ્નપત્રના કેટલાક ભાગો લીક થયા હોવાનું અને તેમાં આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદ બાદ CBIએ 12 મે, 2026ના રોજ FIR (First Information Report – FIR) નોંધાવી હતી. ત્યારબાદ 72 અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ તપાસ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 8 સાયબર ફોરેન્સિક નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સહિતના વિવિધ રાજ્યોમાં કુલ 92 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મોબાઇલ ફોન, કમ્પ્યુટર, ડિજિટલ ઉપકરણો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
CBIના જણાવ્યા મુજબ આ કેસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency – NTA) સાથે જોડાયેલા ત્રણ વિષય નિષ્ણાતોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમાં કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ વિષયના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કેટલાક બિચોલિયાઓએ કથિત રીતે લીક થયેલા પ્રશ્નપત્ર ઉમેદવારો સુધી પહોંચાડ્યા હતા. આ કેસમાં કોચિંગ સંસ્થાઓ સાથે જોડાયેલા બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન CBIએ નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી છે. આરોપીઓ સાથે જોડાયેલા અનેક બેંક ખાતાઓ, બેંક લોકરો અને એક ડીમેટ એકાઉન્ટ (Demat Account) ફ્રીઝ કરવામાં આવ્યા છે. એજન્સીનું કહેવું છે કે આર્થિક વ્યવહારોની તપાસથી પેપર લીકમાં સામેલ લોકો અને લાભાર્થીઓની ઓળખ કરવામાં મદદ મળી છે.
રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટે નક્કી કરી છે. આ કેસમાં સિનિયર એડવોકેટ વી.કે. પાઠક (V.K. Pathak) અને અર્જુન આનંદ (Arjun Anand)ને લોક અભિયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. CBIનું કહેવું છે કે તપાસ હજુ ચાલુ છે અને આગામી સમયમાં વધુ પુરાવા પણ સામે આવી શકે છે.








