Mohan Bhagwat suggestive statement amid student protests in Delhi : દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર પેપર લીક રેકેટને લઈને અનેક દિવસોથી વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન અને દેખાવો ચાલી રહ્યા છે. મોદી સરકારની સામે શરૂ થયેલું આ વિરોધ પ્રદર્શન (Student movement against Modi government) દેશભરમાં ફેલાઈ ગયું છે. આ સ્થિતિની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરેલી સૂચક ટકોર સામે આવી છે. યુવાનોનો વિશ્વાસ જીતવા માટે આદેશ આપવાને બદલે વાર્તાલાપ જરૂરી હોવાનું જણાવ્યું છે.
મોહન ભાગવતે ‘વિશ્વ માંગલ્ય સભા’ ના એક કાર્યક્રમમાં બે પેઢીઓ વચ્ચે વધી રહેલા અંતર પર પ્રકાશ પાડ્યો હતો. ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો તફાવત સમજાવતા ભાગવતે કહ્યું કે, આજના યુવાનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું અત્યંત જરૂરી છે. આપણે નાના હતા ત્યારે તે આજ્ઞાપાલનનો જમાનો હતો, પરંતુ હવે સ્થિતિ એવી નથી રહી.
નવી પેઢી સવાલો પૂછવા માટે વધુ આતુર રહે છે. આપણે તેમને તેની પાછળનું તર્ક અને કારણ સમજાવવું પડશે. આપણે તેમને ખૂબ જ પ્રેમ આપવો પડશે. તેમની સાથે સમય વિતાવવો પડશે અને સંવાદ પણ સાધવો પડશે. પરિવારની અંદર સંવાદનો વ્યાપ ઘટતો હોવાની સ્થિતિ અંગે ભાગવતે ચિંતા વ્યક્ત કરી હતી.
વિદ્યાર્થી આંદોલન વચ્ચે RSS પ્રમુખ ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજનો યુવાવર્ગ કોઈ ભટકેલો કે દિશાહીન નથી. તેમને સમજવા માટે માત્ર “ચર્ચા” કરવી પડશે, તેમના પર આદેશો થોપી શકાય નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આજે દેશની નવી પેઢીને આદેશો કે હુકમોની નહીં, પરંતુ સાચા માર્ગદર્શન, સમજણ અને સ્નેહની જરૂર છે.








