નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ તાજેતરના સમયમાં ટોમેટો ફ્લૂનું જોખમ સતત વધી રહ્યું છે. આંકડા મુજબ આ રોગ સૌથી વધુ બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. સમગ્ર દેશમાં ટોમેટો ફ્લૂને લઈને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં માતા-પિતાને તેમના બાળકોને આ સંક્રમણની પકડથી બચાવવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ રોગને ધ્યાને રાખી ગુજરાત સરકારને તકેદારી અને યોગ્ય પગલા લેવા સૂચિત કરી છે. બાળકોને ચેપ લાગવાની વાત કરીએ તો, દક્ષિણ ભારતમાં અત્યાર સુધીમાં 82 થી વધુ બાળકો ટોમેટો ફ્લૂનો શિકાર બની ચૂક્યા છે, જેમાં કેરળમાં આ સંખ્યા વધુ છે, તેમજ ઓડિશામાં પણ આ ફ્લૂએ 26થી વધુ બાળકોને સંક્રમિત કર્યા છે.
ટોમેટો ફ્લૂ એક એવો ચેપી રોગ છે જેમાં શરીર પર મોટા ફોલ્લાઓ નીકળી જાય છે. આ ફોલ્લાઓમાં પરુ પણ એકઠું થાય છે. આ ફોલ્લાઓનું કદ અને રંગ બરાબર ટામેટાંના આકારના હોય છે, તેથી તેને ટોમેટો ફ્લૂ નામ આપવામાં આવ્યું છે. આ ઝડપથી ફેલાતા વાયરલ ઈન્ફેક્શન મોટાભાગના નર્સરી અને ડે કેરના બાળકોમાં ફેલાવવાનું જોખમ રહેલું છે.
આ વાયરલ ઈન્ફેક્શનને લઈને કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ, “એવું જોવામાં આવ્યું છે કે આ ચેપ હાથ-પગ-મોં રોગનો ક્લિનિકલ પ્રકાર છે જે શાળાએ જતા બાળકોમાં વધુ સામાન્ય રીતે ફેલાતો જોવા મળ્યો છે. નવજાત શિશુઓ અને નાના બાળકો અસ્વચ્છ સપાટીને સ્પર્શ કરવા અને મોંમાં સીધું કંઈપણ નાખવાને કારણે વધુ જોવા મળી રહ્યો છે.” આ ચેપ મોટે ભાગે બાળકોમાં જોવા મળે છે પરંતુ તે પુખ્ત વયના લોકોને પણ અસર કરી શકે છે.
તમને જણાવી દઈએ કે ટોમેટો ફ્લૂની કોઈ ચોક્કસ દવા કે ઈલાજ નથી, પરંતુ તેનો ઈલાજ વાયરલ ઈન્ફેક્શનની જેમ કરવામાં આવે છે, જેમ કે બધાથી અંતર રાખવું, ફોલ્લીઓને ગરમ પાણીથી સાફ કરવી અને પ્રવાહીનું સેવન કરવું. ઉપરાંત, ટોમેટો ફ્લૂના કિસ્સામાં ઓછામાં ઓછા 7-10 દિવસ સુધી ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે. સાવચેતી માટે બાળકોને સમજાવો કે જો બાળકને તાવ અથવા કોઈપણ પ્રકારનો ચેપ છે, તો તેનાથી અંતર રાખો અને ખાસ કરીને ગળે લગાડશો નહીં. આ સિવાય તેમને રૂમાલ લેવા અને મોઢામાં કંઈ ન નાખવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું કહો. ફોલ્લીઓને ઘસવી કે ખંજવાળવી નહીં, અને જેટલી વખત તમે ફોડલીઓને અડકો તેટલી વખત ધોઈને સાફ કરી લો. તમારા બાળકમાં આ પ્રકારના કોઈ પણ લક્ષણ આવે કે તુરંત તબીબની સલાહ લેવા સાથે બાળકને અન્ય બાળકોથી દુર રાખી આઈસોલેટ કરી લો. તે બાળકના કપડાં, વાસણ, અન્ય જરૂરી વસ્તુઓને અલગ કરી લો અને તેને રેગ્યૂલર સેનેટાઈઝ કરવી જરૂરી છે. બાળકની સ્કીન સાફ કરવા હંમેશા મધ્યમ ગરમ પાણીનો જ ઉપયોગ કરો. તેમની ઈમ્યૂનિટિ બુસ્ટ થાય તેવા ખોરાક આપો અને અહીં ખાસ જરૂરી છે કે દર્દી બાળક યોગ્ય અને પુરતા પ્રમાણમાં આરામ અને ઉંઘ લે કે જેથી તે વધુ ઝડપી સ્વસ્થ થઈ શકે.








