નવજીવન ન્યૂઝ. અમદાવાદ:બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં સરકાર સહિત નાગરિકો પણ ચિંતાગ્રસ્ત છે. જો નિષ્ણાતોનું માનીએ તો આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ બે દિવસથી દરિયાકાંઠાથી ઘણે દૂર આવેલા જિલ્લાઓમાં પણ અસામાન્ય ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક્શનમાં આવ્યું છે.
હાલ ગુજરાતમાં તોળાતા વાવઝોડાના સંકટના પગલે અમદાવાદ સાબરમતી નદી પર આવેલા રિવરફ્રન્ટ 15 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. વાવઝોડાના સંકટને જોતા દરિયા અને નદી પાસેના વિસ્તારોને હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ ઓથિરિટી દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી 48 કલાક રિવરફ્રન્ટ લોકો માટે બંધ રહેશે. રિવરફ્રન્ટના લોઅર ભાગમાં લોકો પ્રવેશ શકશે નહીં.
આ અંગે નવજીવન ન્યૂઝ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, “આ જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે કરવાની હતી, પરંતુ હાલ આ બાબત લીક થઈ ચૂકી છે. આવતીકાલે કોર્પોરેશન સત્તાવાર રીતે રિવરફ્રન્ટ બંધની જાહેરાત કરશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, બિપોરજોય વાવઝોડાના કારણે દરિયાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી સમ્રગ ગુજરાતમાં દરિયાકાંઠા નજીક આવેલા 120 ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 15 જૂન સુધી વાવઝોડું કચ્છ અને પોરબંદરમાં ટકારાવાની સંભાવના છે. જેને લઈ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યુ છે. વાવઝોડાની પરિસ્થિતને પહોંચી વળવા માટે અમદાવાદ ફાયરવિભાગની 11 જેટલી ટીમો દરિયાઈ વિસ્તારોમાં મોકલવામાં આવી છે. તેમજ 15 ટીમના 100થી વધુ ફાયરબ્રિગેડના જવાનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.








