8.24 lakh posts vacant in Indian government : કેન્દ્ર સરકારમાં સરકારી નોકરીઓની ખાલી જગ્યાઓ છેલ્લાં એક દસકમાં લગભગ બમણી થઈ ગઈ છે. વર્ષ 2015માં 4.21 લાખ જગ્યાઓ ખાલી હતી. જે વર્ષ 2024માં 8.24 લાખ પર પહોંચી ગઈ છે. આ સમયગાળામાં કેન્દ્રના વિવિધ વિભાગોમાં કુલ મંજૂર જગ્યાઓની સંખ્યામાં 2.74 લાખનો વધારો થયો છે. આમ છતાં, ભરાયેલી જગ્યાઓ 1.29 લાખ ઘટી ગઈ છે. અત્રે નોંધનીય છે કે, સરકારી કંપનીઓમાં લગભગ 50 ટકા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કાર્યરત (Contractual jobs in government companies) છે.
કેન્દ્ર સરકારના સિવિલ એમ્પ્લોઈઝના વેતન અને ભથ્થાં સાથે જોડાયેલા ખર્ચ વિભાગના અહેવાલ અનુસાર 80 મંત્રાલય અને વિભાગમાં 39,23,212 પદ મંજૂર થયેલા છે. જ્યારે 30,99,656 પદ ભરાયેલા છે અને 8,23,556 પદ ખાલી છે. જ્યારે વર્ષ 2015માં મંજૂર થયેલા 36,49,468 પદમાંથી 32,28,921 ભરાયેલા હતા અને 4,20,547 પદ ખાલી હતા. છેલ્લાં એક દસકામાં રેલવે વિભાગ અને ટપાલ વિભાગમાં નવા પદ વધ્યા છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીમાં નોંધપાત્ર રીતે પદ ઘટાડવામાં આવ્યા છે.
નિષ્ણાતોના મતે, વસ્તી વધવાના કારણે સરકારી વિભાગોમાં કામગીરી વધી છે, પરંતુ કાયમી કર્મચારીઓના સ્થાને કરાર આધારિત કર્મચારીઓની ભરતી વધી છે. જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ખાલી પદો પર કર્મચારીઓની આઉટસોર્સિંગ માટે સરકારી વિભાગો જીઈએમ (Government E-Marketplace) પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેના પર ગયા વર્ષે રેકોર્ડ 10 લાખ કર્મચારીઓને આઉટસોર્સ કરવામાં આવ્યા છે.








