Bhavnagar controversial gambling raid : શ્રાવણ મહિના એટલે જુગાર રમવાની સિઝન. સ્ટેટ પોલીસ એજન્સીથી લઈને સ્થાનિક પોલીસ સુધી સૌ કોઈ અત્યારે જુગારની રેડ પાડવામાં લાગી ગયા છે. કોઈ કેસ કરવા અને કોઈ તોડ કરવા દરોડા પાડે છે. ભાવનગરના ઘોઘા તાલુકાના ઉખરલા ગામે જુગારની રેડ થતાં ભાગી રહેલા લોકો પૈકી 4 જણા કુવામાં પડતા ત્રણ યુવાનના મોત (Three youths die after falling into well) થયા છે. આ ઘટના બનતા રેડ પાડવા બાઈક લઈને આવેલા ત્રણ શખસો સ્થળ પરથી ફરાર થઈ જાય છે. ભાવનગરની આ ચોંકાવનારી ઘટના (Shocking incident from Bhavnagar) માં મૃતકના પરિવારજનોએ યુવાનોના મોત માટે ત્રણ અજાણ્યા પોલીસ કર્મચારીઓ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ જુગારની રેડ પાડવા ગયેલા શખસો પોલીસવાળા નહીં હોવાનું અધિકારીઓ રટણ કરે છે. સમગ્ર મામલે પોલીસ તપાસ થાય તેવી મૃતકોના પરિવારજનોની માગ છે.
જુગારની રેડ અને ત્યાર પછી શું બન્યું ?
વરતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉકરલા ગામે મહાવીરસિંહની વાડીમાં 11 લોકો જુગાર રમી રહ્યા હતા ત્યારે રાતે બેએક વાગે ત્રણ શખસો બાઈક પર પહોંચે છે. અપશબ્દોથી શરૂઆત કરીને કોઈ ઉભા ના થતાં તેમ કહેતા ધરપકડના ડરથી જુગાર રમી રહેલાં લોકોમાં નાસભાગ મચી જાય છે. અંધારમાં ખેતર તરફ દોડી રહેલા લોકો પૈકી ચાર જણા એક કુવામાં પડી જાય છે અને ત્રણ યુવાનોના મોત નીપજે છે. જ્યારે એક યુવાન કુવામાં ઉગેલા વૃક્ષની ડાળ પકડી લેતા તેનો બચાવ થાય છે. આ દુર્ઘટના ઘટતા રેડ પાડવા આવેલા ત્રણેય શખસો કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વિના ત્યાંથી ફરાર થઈ જાય છે.
વરતેજ PI અને ASP એ શું કહ્યું ?
નવજીવન ન્યૂઝના ભાવનગરના પ્રતિનિધિ યશપાલસિંહ ચૌહાણે સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ સાથે વાત કરી છે. વરતેજ પોલીસ સ્ટેશન (Vartej Police Station) ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. બી. પઢેરીયા (S B Padheriya PI) ને પૂછતા તેમણે કહ્યું કે, અમારી પોલીસ ન હતી, ગામના કોઈએ મજાક કરતા ભાગવા જતા મોત થયા છે. જ્યારે એએસપી ઘનશ્યામ ગૌતમે (Ghanshyam Gautam) રેડની અફવાના કારણે આ ઘટના ઘટી હોવાનું કહ્યું છે.








