Bhavnagar Fake Liquor Case : આખા રાજ્યમાં ચકચાર મચાવનારા ભાવનગર લઠ્ઠાકાંડ (Bhavnagar Lattha Kand) માં મોતનો આંકડો એક પછી એક વધી રહ્યો છે. આજે એક બેંક કર્મચારી અને મહિસાગરના યુવકનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. નર્યા મિથેનોલથી બનેલો ઝેરી દારૂ પીવાથી 60 જેટલાં લોકોને અસર પહોંચી છે અને દસેક લોકોની સ્થિતિ ગંભીર છે. બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) પકડાયેલા આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી ઠોસ પુરાવા એકઠાં કરવામાં લાગ્યો છે. આજે રવિવારે બુટલેગર ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલથી કેવી રીતે નકલી દારૂ બનાવવામાં આવતો હતો તેની તમામ માહિતી તપાસ ટીમે મેળવી હતી. પોલીસની સાથે ફોરેન્સિક અધિકારી હાજર રહ્યા હતા.
2ના મોત બાદ આંકડો 13 પર પહોંચ્યો
ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગર ગૌતમ સોલંકીએ મધ્યપ્રદેશના શખસોની મદદથી બનાવેલા નકલી વિદેશી દારૂએ અનેક લોકોને યમલોકમાં ધકેલી દીધા છે. ગત મંગળવારથી શરૂ થયેલો મોતનો સિલસિલો આજે રવિવાર સુધી યથાવત્ રહ્યો છે. મહિસાગરના મુકેશ ડામોરે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા છે. જ્યારે ખાનગી બેન્કમાં ફરજ બજાવતા ભાર્ગવ ઉપાધ્યાયનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ પૂર્વે શનિવારે 22 ઓગસ્ટના રોજ ભાવનગરથી સુરત સારવાર અર્થે લઈ જવાયેલા બ્રેઈનડેડ સંજયસિંહ ડોડિયા, ભાવનગર કોર્ટ (Bhavnagar Court) ના પટાવાળા અવિનાશ પરમાર સહિત ત્રણ લોકોના મોત થયા હતા.
ઝેરી દારૂ કેવી રીતે બન્યો ? તે પોલીસે જાણ્યું
વરતેજ પોલીસ સ્ટેશન ખાતે ગૌતમ સોલંકી સહિત 21 શખસો સામે નોંધાયેલા ગુનામાં 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. રિમાન્ડ પર રહેલા આરોપીઓ પૈકી ગૌતમ સોલંકી સહિત ચાર આરોપીઓને નકલી દારૂ બનાવવામાં આવ્યો હતો તે ઘરે લઈ જવાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી તેમણે કેવી રીતે અને કયાં નકલી દારૂ બનાવ્યો હતો તેની તમામ વિગતો જાણી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ફોરેન્સિક અધિકારીને સાથે રાખ્યા હતા.








