Tuesday, April 16, 2024
HomeGujaratSuratરેંજની સાથે ઓફ બીટ કર્મ જ જીવનને સહજ અને સંગીતમય બનાવતું હોય...

રેંજની સાથે ઓફ બીટ કર્મ જ જીવનને સહજ અને સંગીતમય બનાવતું હોય છે

- Advertisement -

નિમેશ જોશી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગઈકાલે મારા દીકરા પ્રિય સાથે સપ્તકમાં ગયો હતો. આમ તો દર વર્ષે બે ત્રણ દિવસ જવાનો મારો ક્રમ છે જ, પરંતુ દીકરાએ કહ્યું અને સાથે જવાનું થયું એનો આનંદ અદકેરો હતો. નવી પેઢી આકરા અને અંધાધુંધ સંગીત(Music) પ્રત્યેના પોતાના લગાવની સાથે સાથે ક્લાસિકલ સંગીત (Classical Music)પ્રત્યે પણ રસ દાખવે છે તે બાબત સંતોષ આપનારી તો ચોક્કસ છે. કારણ કે વિકલ્પ પ્રત્યે દ્રષ્ટિ હશે તો પણ ક્યારેક સત્ય સુધી પહોંચી શકવાની આશા એ ચોક્કસ પેદા કરે છે.

યોગેશ સમસી, વિક્રમ ખાન અને સંજુ સહાયનું ટ્રાયો તબલાવાદન આખાય અસ્તિત્વને ઝંકૃત કરી ગયું. સમગ્ર વિશ્વના તમામ નાદ દશે દિશામાંથી બ્રહ્મ સ્વરૂપે મન મસ્તિષ્કને નાદ વિશ્વના વિરાટદર્શન કરાવતું હોય તેવું પણ અનુભવાયું. સૌથી મોટી વિશેષતા આ ત્રણેય પ્રતિભાઓની એ હતી કે આ ત્રણેય વ્યક્તિઓ અલગ અલગ ઘરાનાઓના અને પ્રત્યેક ઘરનાઓનો આંતરિક લય પણ સ્વાભાવિક રીતે ભિન્ન હોવા છતાં ત્રણેય પોતપોતાની રીતે પરંતુ એકરૂપ તબલા વાદન કરીને – નાદની ગંગા સંગીતના એક જ હિમાલયમાંથી નીકળે છે તે બાબત તેઓએ બખૂબી અને કાબિલેદાદ સ્વરૂપે પ્રસ્થાપિત કરી હતી. આપણી સંસ્કૃતિની સંગીત સાધના પ્રકૃતિ સાથે કેટલી તદાત્મ્યતા ધરાવે છે તેનો અનુભવ પણ પ્રગટપણે અમે કરી શક્યા.

- Advertisement -

મને આ તબલાવાદને જે બાબતો પ્રત્યે ચિંતન કરવા પ્રેર્યો છે તેમાની એક તો છે રેન્જ (ક્ષમતા). આ સાધકોની રજૂઆતની રેન્જ ખરેખર અદ્ભુત હોય છે. આ રેન્જ જ બતાવે છે કે તેઓની સાધના કેટલી ઊંડી છે. રાકેશ ચોરસીયાનું બાસુરી વાદન – બીજું બધું છોડો તો પણ સુર માટે કેટલા લાંબા સમય સુધી બાંસુરીમાં શ્વાસ ફૂંકી શકાય તે લાંબી રેન્જ જ આપણને વિચારતા કરી મૂકે એટલી લાંબી છે. આ રેન્જ પ્રાપ્ત કરવા માટે મહેનત, સાધના, તપસ્યા, ત્યાગ, સમર્પણ, તન્મયતા આ બધું જ ભેગું થાય ત્યારે આ શક્ય બનતું હોય છે . અને એમાંથી થયેલું સર્જન કોઈના પણ હૃદય સુધી સહજતાથી પહોંચી જ જતું હોય છે.

સાથે સાથે જે બીજી બાબત તરફ હું આપ સૌનું ધ્યાન દોરવા ઇચ્છુ છું તે એ છે કે આ અદભુત રેન્જ વાળા લોકો જ્યારે ઓફ બીટ વગાડે ત્યારે તેની મજા પણ અદભૂત હોય છે. સતત ચાલતી સંગીતની પરિક્રમામાં અચાનક પલટાતો પ્રવાહ પોતે જ અદભુત સુર બની જતો હોય છે અને ઘણી વખત તો આવું ઓફબીટ સંગીત પોતે જ પોતાની આગવી ઓળખ બની જતું હોય છે.

કદાચ વ્યક્તિ કે સંસ્થાની બાબતમાં પણ આવું જ હોય છે. રેન્જવાળા માણસો અલગ તરી જ આવતા હોય છે. આપણને ખબર પણ પડી જતી હોય છે કે – ભાઈ આ તો જુદી રેન્જના માણસ છે. આવી વ્યક્તિના કોઈને કોઈ સદગુણો એ જ એમને મોટી રેંજના મહારથી બનાવ્યા હોય છે. દરેક પ્રકારના કર્મક્ષેત્રમાં સમાન કર્મ કરતા લોકોમાં પણ આવા અલગ રેન્જના માણસ એ બિરાદરીમાં અલગ દેખાય જ આવતા હોય છે.

- Advertisement -

તાજેતરમાં જ બનેલી બે ઘટનાઓ કે જેણે મારું મન હરી લીધું એ બંને ઘટનાઓ આવી રેન્જ અને ઓફબીટ બાબતોની છે. ખરા અર્થમાં આપણા પોતાના કહી શકાય એવા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાનું અવસાન થયું અને જે રીતે સવારે દિલ્હીથી સીધા જ માતાના અગ્નિસંસ્કાર માટે તેઓ આવી પહોંચ્યા અને સહજ માણસની જેમ અગ્નિદાહની અંતિમવિધિ કરીને માતાના પાર્થિવ દેહને તેઓએ વિદાય આપી તે ઘટના અને એક દિવસે સવારે 10 વાગ્યે તો પોતાના કાર્યમાં ફરી વ્યસ્ત થઈ ગયા એ બને બાબત ઉત્તમ રેન્જના મહારથીની સમાજને પ્રેરણા આપનારી ઘટના તરીકે ઇતિહાસમાં લખાવી જોઈએ. તેઓ આશીર્વાદ લેવા કે પોતાની જાતને ખાલી કરવા કે શક્તિ ભરવા માતા પાસે અહી આવતા હતા. આમ પણ તેમનું તેમના પરિવારમાં આવવાનું કારણ – કદાચ એક માત્ર કારણ તેમની માતા હતી. હવે તો માતા પણ નથી રહ્યા ત્યારે પરિવારને પણ ઘરે આવવાના આ કારણની ખોટ સાલશે. વાત નરેન્દ્રભાઈની રેન્જની અને ઓફ બીટ કાર્યની કરી રહ્યો હતો. બંગાળના વંદે ભારત ટ્રેઈનના લોકાર્પણમાં સવારે 10:00 વાગ્યે તો ઓન લાઈન ઉપસ્થિત પણ થઈ ગયા હતા ! રાજનીતિમાં ભાજપના ઘોરવિરોધી કહી શકાય તેવા મમતા બેનર્જી ખુદ પણ બોલી ઉઠ્યા કે પ્રધાનમંત્રીજી તમારા માતૃનું અવસાન થયું છે આપ થોડો સમય આરામ કરો !! અને સામા પક્ષે નરેન્દ્રભાઈએ પોતાના પ્રવચનની શરૂઆત જ એ કરી કે આઝાદી માટે વંદે માતરમનો નારો રવીન્દ્રનાથ ટાગોરે જે બંગાળની ભૂમિ પરથી આપ્યો હતો તે ભૂમિ પરથી આજે વંદે ભારત ટ્રેઈન શરૂ થઈ રહી છે . માતાથી માતરમ સુધીની રેન્જ તો જુઓ ! ઓફ બીટ વિચારનારા , તેને અમલમાં મૂકનારા કે જીવનારા વ્યક્તિઓ જ જીવનના સાચા સંગીતને સમજી શક્યા હોય છે.

આવી જ એક બીજી બાબત વિશે વાત કરવી છે. સ્વામિનારાયણ ધર્મના સાધુ સંતો મહિલાઓથી દૂર રહેતા હોય છે. શિક્ષાપત્રીના આદર્શ પાલનમાં રહેતા હોય છે. જે જરૂરી પણ હશે જ, પરંતુ આ પ્રાથમિક જરૂરી બાબત તિરસ્કાર સુધી પહોંચી ગઈ હોય તેવું પણ સંપ્રદાય બહારની મહિલાઓને લાગતું હોય છે. કેટલીક મહિલાઓ તો પ્રશ્ન પણ કરતી જોવા મળે છે કે જન્મતી વખતે સાધુ સંતોએ માતાનું મુખ નહીં જોયું હોય ! બંને બાજુના વિચારના અંતિમધ્રુવો તો વૈમનસ્ય જ પેદા કરે ! સાચી વાત બંને બાજુ છે. ભૂલથી પણ ભૂલ ન થાય તે વિવેક ધર્મ જ્યારે અવિવેક લાગવા લાગે ત્યારે ધર્મ અને સંપ્રદાય સામે પણ પ્રશ્નો ઊભા કરે જ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેની રેન્જ અલગ છે તેવી બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી શતાબ્દી વર્ષની ઉજવણી હાલ ચાલી રહી છે. ખુબ સુંદર રીતે આપણી સંસ્કૃતિની પ્રેરણા આપતું નગર કર્ણાવતી નગરમાં ઊભું કરવામાં આવ્યું છે. જેમાં એક બાબત મારા ધ્યાન પર એ આવી છે કે આ નગરમાં દીકરીઓ દ્વારા જ સંચાલિત એક આખી નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે છે. પ્રેક્ષકોમાં પણ આ જોવા માટેની એક ચાહના અદભુત છે. જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ, પણ સતત કર્મ અને શ્રદ્ધા જ આપણને આગળ ધપાવે એ સંદેશો આ નૃત્યનાટીકામાં સરસ રીતે અપાયો છે. એમાં પણ સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા થઈ રહ્યું છે ત્યારે દીકરી, બહેન અને માતા સ્વરૂપે રહેલા લક્ષ્મીનારાયણ દેવની સંતોએ કરેલી સહજ અને આનંદની આરતી તરીકે આલેખાવી જોઈએ.

એટલું તો સ્પષ્ટ છે કે રેન્જ જેમ ઊંચી કે મોટી થાય એમ એ વ્યક્તિ કે સંસ્થાએ ઓફ બીટ કાર્ય કરીને પોતાની સહજ હોવાની અનુભૂતિ સૌને કરાવતી જ રહેવી જોઈએ. મોટા, મહાન કે સફળ થયા પછી જ્યારે તમે સહજ રહેતા નથી ત્યારે એ ભારેપણું જ આપણને અલગ કરનારૂ બની જતું હોય છે. કદાચ એટલે જ સાચા મહાત્માઓના સમગ્ર જીવન પર નજર નાખીએ છીએ તો તેમની સહજતા જ આપણને સ્પર્શી જતી હોય છે. રામકૃષ્ણ પરમહંસે પોતાની પત્ની શારદાદેવીના પગને ધોઈને વિવેકાનંદ સહિતના વિદ્યાર્થીઓની સાથે એ પાણી પીધું ત્યારે વિવેકાનંદે સીધો પ્રશ્ન ઠાકુરને કર્યો હતો કે આ પાણી અમે પીએ તે તો સ્વાભાવિક છે પણ તમે પણ કેમ પીધું ? ત્યારે રામકૃષ્ણએ જવાબ આપ્યો હતો કે શારદાને મેં એક સમયે તમને બધાને એક એક રોટલી ઓછી જમાડવા કહ્યું હતું. મારું કારણ એ હતું કે પૂર્ણ જમીને તમે બધા સવારે સમયસર ઊઠતા ન હતા અને સાધના મોડી શરૂ થતી હતી. ત્યારે શારદાએ જવાબ આપ્યો હતો કે ઠાકુર તમારાથી બાળકોને શિક્ષણ ના અપાય તો તમે છોડી દેજો – શિક્ષા અને દીક્ષા બંને હું આપી દઈશ, પણ મારા છોકરા ભૂખ્યા તો ક્યારેય નહીં સુવે. આ રેંજ મા શારદાની હતી. અને રામકૃષ્ણ પરમહંસનું ઓફ બીટ પણ કેવું જબરજસ્ત કે સત્ય જ્યાંથી મળે તેને સરળતાથી સ્વીકારીને પી જ જવું .

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular